ઐતિહાસીક સ્મૃતિ સ્થળોને ‘મેઘાણી સર્કીટ’માં સાંકળી લઇ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકડાયેલા

બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી આભારની લાગણી વ્યકત કરતા પિનાકી મેઘાણી 

સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું: શ્રીફળ લઇને સદરની તાલુકા શાળાએ હું પહેલ વહેલો ભણવા બેઠેલો: ઝવેરચંદ મેઘાણી

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોને મેઘાણી-સર્કીટમાં સાંકળીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તેવી જોગવાઈ અને જાહેરાત ગુજરાત સરકારના વર્ષ 2021-22ના અંદાજ-પત્ર (બજેટ)માં કરવામાં આવી છે.

ચોટીલા (જન્મભૂમિ)

પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ 1896ના દિવસે ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયેલો. બ્રિટીશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક વ્યક્તિ હતા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીનાં જન્મસ્થળનું ઐતિહાસિક મકાન સરકારી તાલુકા ગ્રંથાલયની સામે આવેલું છે. ભારતના પ્રધાન મંત્રી તથા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત 2010માં 114મી મેઘાણી-જયંતીના અવસરે રોજ સહુ પ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયુ હતુ. ચાંમુડા માતાજીનાં તીર્થધામ તરીકે ચોટીલા જગપ્રસિધ્ધ છે. ચોટીલા સાંસ્કૃતિક-તીર્થ તરીકે પણ વિશ્વભરમાં ખ્યાતિ પામશે તેવી શ્રધ્ધા છે.