Abtak Media Google News

જામનગર જીલ્લાના જોડીયા તાલુકામાં કંકાવટી નદીના કાંઠે વર્ષો પૌરાણિક ઐતિહાસિક હડિયાણા નામે ગામે આવેલ છે. આ ગામનું પ્રાચીન નામ હરિપુર હતું હાલમાં આ હરિપુર ગામનું નામ હડિયાણા છે.

બ્રાહ્મણોની વસ્તીવાળા આ હડિયાણા (હરિપુર) ગામના આથમણા પાદરેથી કંકાવટી નામની નદી વહે છે. આ કંકાવટી નદીના કિનારે આથમણી દિશાએ ઐતિહાસિક અને પૌરાણિક કાશી વિશ્ર્વાસ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવજી બિરાજમાન છે. આશરે 6 ફુટ ઊંચી આરસની ફરસબંધી પર મંદિરના ગગનચુંબી શિખરો અહીંથી પસાર થનાર કોઇપણને આકર્ષે છે.

સંવત 0577 માં રાજા ગોંડ  પંડિત કાનાજી એ આ કાશી વિશ્ર્વાસ મહાદેવનું ભવ્ય શિવાલય બનાવડાવ્યું હતુ. આ મંદિર હાલમાં સંવત 2078 શ્રાવણ સુદ એકમના દિવસે આશરે 1પ00 વર્ષ પુરાણું છે. આટલું પૌરાણિક અને પ્રાચીન મંદિર આસપાસના કોઇ પણ વિસ્તારમાં હોય તેવું જાણવા મળ્યું નથી. કાશી વિશ્ર્વાસ મહાદેવનું મંદિર પુરાતત્વ માટે સંશોધનનો વિષય બની શકે છે.

પવિત્ર શ્રાવણ માસમાં મંદિરને શણગાર કરી સુશોભિત કરવામાં આવે છે, ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવે છે તેમજ મંદિરમાં કિર્તન બોલવામાં આવે છે. આ સમયે આજુબાજુના વાતાવરણમાં ગામમાં એક અનોખો જ માહોલ સર્જાય છે. આની સાથોસાથ પવિત્ર શ્રાવણ માસમાં સાતમ, આઠમ, નોમ, તેરસ, ચૌદસ અને અમાસના દિવસે આ મંદિરના મેદાનમાં ગ્રામ્ય નાના લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.

ઇતિહાસના આયનામાં ડોકિયું કરવા જઇએ તો યદુવંશ પ્રકાશના કર્તા એવા રત્નનું માવદાનજી નોંધે છે કે સુલતાન અલાઉદીન ખિલજીના સેનાપતિ  અલાપખાન સાથે મોટું લશ્કર આજુબાજુના ગામડાઓને ધમરોળતું અને કાળો કેર વર્તાવતુ હડિયાણા ગામ પાસે આવ્યુ. કાશી વિશ્ર્વાસ મહાદેવના પ્રાચીન મંદિરને નેસ્તનાબુદ કરવાના બદઇરાદા સાથે કંકાવટી નદી પાર કરીને સામે કાંઠે આવેલ જગતના તારણહાર દેવોના દેવ  મહાદેવના મંદિર પાસે આવ્યા. ત્યારે કહેવાય છે કે સતના આધારે ઉભેલા શંકરદાદાના મંદિરના રક્ષક સમાન હજારો ભમરાઓ એકાએક ઉભરી પડયા હતા.

પરિણામે લશ્કરમાં ભાગદોડ મચી ગઇ હતી અને લુંટાફાંટ કરવાના ઇરાદા સાથે આવેલ એમની ઇચ્છા પુરી થઇ ન હતી. આ વાતની સાબિતી રુપે લોખંડનું એક મહાકાય નગારું મંદિરના બાજુના ઓરડામાં આજે પણ જોવા મળે છે. મંદિર પર હુમલા વખતે શિવાલય ન તુટતા બાદશાહના લશ્કરે મંદિરની પાસે આવેલા કુવામાં કોઇ ગંધક જેવો પદાર્થ નાખી દેતા આ કૂવાનું સાકર જેવું મીઠું પાણી ખારું થઇ ગયેલ, આ બનાવને પરિણામે હડિયાણા તથા આસપાસના ગામ લોકોની કાશી વિશ્ર્વાસ મહાદેવ મંદિર પરથી શ્રઘ્ઘ વધુ દ્રઢ બની હતી.

અલાપખાનના આક્રમણ સમયે શહીદ થયેલ 265 બ્રાહ્મણો, સોની, વાણીયાના આ જગ્યાએ સંખ્યાબંધ પાળિયા કાશી વિશ્ર્વાસ મહાદેવ મંદિર ચોતરફ સ્થાપવામાં આવેલ છે અને હાલમાં પણ તે મોજુદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.