- શહેરીજનો ભારે આઘાતમાં: વિજયભાઇ હવે આપણી વચ્ચે રહ્યા નથી તે વાત માનવા કોઇ તૈયાર નથી
અમદાવાદમાં ગત ગુરૂવારે બપોરે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનું દુ:ખદ નિધન થયું છે. લોકલાડિલા નેતા જન નાયક હવે આપણી વચ્ચે રહ્યા નથી તે વાત માનવા રાજકોટવાસીઓનું મન માનવા તૈયાર નથી. શહેરના તમામ સર્કલ અને મુખ્ય રાજમાર્ગો પર વિજયભાઇને અંજલી અર્પણ કરવા માટે મહાકાય હોર્ડિંગ લાગી ગયા છે.
રાજકોટમાં નાના બાળકથી માંડી વડીલો સુધીની એકપણ વ્યક્તિ એવી નહી હોય જે વિજયભાઇ રૂપાણીને ઓળખતા ન હોય. વિજયભાઇના દરવાજા હમેંશા શહેરીજનો માટે ખૂલ્લા રહેતા હતા. નાનામાં નાની વ્યક્તિનું તેઓ ધ્યાન રાખતા હતા. પોતાના લોકલાડીલા અને હૃદ્ય સમ્રાટ સમા નેતા વિજયભાઇને શહેરીજનો અશ્રુભીની આંખો સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર શ્રધ્ધાંજલી અર્પણ કરતા મહાકાય હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવ્યા છે.