ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે રાજભવન, ગાંધીનગર ખાતે હોળી-ધૂળેટીનું પર્વ પરંપરાગત રીતે ઉત્સાહ અને સૌહાર્દભર્યા માહોલમાં ઉજવ્યું. આ રંગબેરંગી ઉત્સવમાં રાજભવન પરિવારના તમામ ભાઈ-બહેનો અને તેમના કુટુંબીજનો જોડાયા હતા. આનંદભર્યા વાતાવરણમાં રંગોના છંટકાવ સાથે સૌએ પર્વની મજા લીધી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ સહિત તેમના કુટુંબીજનો સાથે હોળી રમ્યા હતા. આ પ્રસંગે ખાસ કરીને બાળકોનો ઉત્સાહ જોવાલાયક હતો. નાનાં-નાનાં બાળકોએ ઉમંગપૂર્વક રાજ્યપાલ મહોદયને રંગ લગાવ્યો અને રાજ્યપાલએ પણ પ્રેમપૂર્વક સૌને રંગ-ગુલાલ લગાવ્યો હતો અને આ આનંદમય ઉત્સવમાં સહભાગી બન્યા હતા. નાના-મોટાનો ભેદ ભૂલી સૌએ એક સાથે મળી હોળીના રંગોમાં તરબોળ થઈ પર્વને ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો. હોળી મહોત્સવ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ સૌને આશીર્વાદ આપ્યા હતા અને સમાજમાં ભાઈચારો, સૌહાર્દ અને પ્રેમ પ્રસરાવવાનો સંદેશ આપ્યો હતો.
ગાંધીનગરના નિવાસી રાજસ્થાની લોકકલાકારોએ આ ઉત્સવમાં વિશેષ પ્રસ્તુતિ આપી હતી. કલાકારોએ ડફલી અને ઢોલની મધુર ધૂન પર પરંપરાગત ગેર નૃત્ય રજૂ કર્યું હતું અને હોળીના લોકગીતોથી વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. તેમની પ્રસ્તુતિઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા અને સમગ્ર વાતાવરણ રંગીન બનાવી દીધું હતું. રાજભવનમાં યોજાયેલો આ હોળી મહોત્સવ પરંપરા, સંસ્કૃતિ અને સૌહાર્દનું અનન્ય ઉદાહરણ બન્યો હતો. જેમાં સૌએ પ્રેમ, ઉલ્લાસ અને ભાઈચારા સાથે એકબીજાને રંગી દીધા હતા.