Abtak Media Google News

હોળીનો તહેવાર ભારત સાથે સુરીનામા, ગુયાના, ટ્રિનિદાદ, યુ.કે. અને નેપાળમાં પણ ભારે લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે

ફાગણ માસની પૂનમ એટલી હિન્દુધર્મમાં ઉજવાતો હોળીનો દિવસ, બીજા દિવસે ઉજવાતા તહેવારને ધૂળેટી કહેવાય છે. આપણે રૂટીંગમાં હોળી-ધૂળેટી જ બોલીએ છીએ, આ રંગોનો તહેવાર છે. તેને અમુક પ્રાંતમાં દોલ યાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખાય છે. આપણા ભારત સિવાય આ તહેવાર યુ.કે, નેપાળ, ગુયાના, ટ્રિનિદાદ અને સુરીનામા દેશમાં ભવ્ય રીતે ઉજવાય છે. માનવ જીવનમાં રંગોનું મહત્વ છે. તેથી આ રંગોત્સવ રંગેચંગે ઉજવે છે. આ તહેવારનું ધાર્મિક, સાંસ્કૃતિક અને વસંત તહેવારનું મહત્વ છે. ધુળેટના આગલા દિવસે હોલીકા દહન સાથે અન્યો પર રંગ છાટવો અને નાચગાન મિજબાની સમો તહેવાર છે.

‘હોલી હે ભાઇ હોલી….. બૂરા ન માનો હોલી હૈ’ સાથે આપણી બોલીવુડની ફિલ્મોમાં પણ તેને સ્થાન અપાયું છે. ઘણી ફિલ્મોમાં હોળી ઉપરનાં સુંદર ગીતો પણ દ્રશ્યાંકન થયા છે. ગામના પાદરે કે શહેરોમાં મુખ્ય ચોકમાં હોળી પ્રગટાવવામાં આવે છે. છાણા, લાકડાની હોળી બનાવીને ઢોલ નગારા અને શરણાઇ સૂરે હોળી પ્રગટાવાય છે. લોકો પ્રદક્ષિણા ફરે તેમજ શ્રીફળ વિગેરે પવિત્ર મનાતી વસ્તુનું પૂજન કરે છે. ભારતનાં વિવિધ પ્રાંતો અને સમુદાયની હોળી ઉજવણીની અલગ અલગ રીતો છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવીને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવીશકિતનું સન્માન કરવું, આપણા શાસ્ત્રોમાં હોલિકા અને પ્રહલાદની કથા પ્રચલિત છે.

બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. રંગોના તહેવારમાં સવારથી એક બીજા ઉપર રંગોનો છંટકાવ સાથે અબિલ, ગુલાલ તેમજ કેસુડાનો રંગ છાંટીને માનવી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યકત કરે છે. હાલ કોરોનાને કારણે સરકારની ગાઇડ લાઇન મુજબ આ તહેવાર ઉજવાશે, પણ એક વાત નકકી છે કે આંખોને કે ચામડીને નુકશાન થાય તેવા રાસાયણિક રંગોનો ઉપયોગ ટાળવો જોઇએ, આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનને ‘કામ-દહન’ કહે છે.

હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે. દેશમાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ તહેવાર ને ‘હુતાસણી’ અને ધૂળેટીને ‘પડવો’ કહેવાય છે. આ દિવસે ઘોડા દોડ, આંધળો પાટો કે શ્રીફળ ફેંકવાની હરિફાઇ પણ યોજાય છે. છોકરાની ગોઠ ઉઘરાવવા નીકળે તેને ધૈરૈયાઓ કહેવાય છે. વર્ષમાં જન્મેલ બાળકોને હોળીની પ્રદક્ષિણા કરાવાય છે. પતાસા અને ખજુરની લાણ વહેંચે છે. હોળી પાસે બેસીને ગીતો દુહા ગવાય જેને હોળીના ફાગ કહેવાય છે. આ વસંતોત્સવનું પ્રતિક છે જેથી તેમાં શૃંગારીક ભાષા સાથે પ્રકૃતિનું રસિક વર્ણન કરાય છે.

1.Bollywood Holi Songs

‘રંગ બરસે ભિગે ચુનરવા’

‘હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ’ સાથે ‘રંગ દે ચૂનરીયા’ જેવા ગીતો ગવાય છે.

આપણાં હિન્દુ તહેવારોમાં દિવાળી, નવરાત્રી અને હોળીનું અને હોળીનું અનેરૂ મહત્વ છે. આજના સમયમાં પ્રદુષણ ન થાય તેવી વૈદિક હોળીનો પ્રયોગ પણ લોકો કરે છે, જેમાં છાણા સાથે કપૂર અને હવન સામગ્રી સાથે વિવિધ જી બુટ્ટીઓ સાત પ્રકારના ધાન્ય, ગાયનું ઘી, જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી,  કેસર વિગેરેનો ઉપયોગ કરીને વાતાવરણને શુઘ્ધ કરાય છે. આ ગાળા દરમ્યાન વાયરસની સંખ્યા વાતાવરણમાં વધુ હોવાથી પણ આ પ્રયોગ પ્રવર્તમાન સમયમાં થર્યાથ છે. જો આપણે ગોબર સ્ટીકનો ઉપયોગ કરીએ તો પણ કરોડો કિલો લાકડુ બચાવી શકીએ છીએ અને સાથે વૃક્ષો બચાવનું કામ પણ કરી શકીએ.

હોળી વિશે જાણવા જેવું

આપણા દેશ ભારતના મથુરામાં લગભગ આ તહેવાર 45 દિવસ ચાલે છે. લઠ્ઠ માર રમત અહિંની જોવા દેશ-વિદેશથી લોકો આવે છે. હોળીમાં રંગનો ઉમેરો શ્રીકૃષ્ણે પુતનાનો વધ કર્યો તેની ખુશીમાં લોકોએ રંગોત્સવ મનાવેલ હતો. હોળીને આજે પણ ફાગ, ધુળેટી, ડોલથી ઓળખાય છે. પ્રથમ હોળીને હોલીકા અથવા હોલકા કહેતા હતા. પ્રાચિન કાળમાં તો લોકો ધુળ અને કિચડથી હોળી-ધુળેટી રમતા હતા. અમુક રાજયોમાં 3 કે પાંચ દિવસ હોળીનો તહેવાર ઉજવાય છે. પણ હવે આજના યુગમાં હોળી બાદ ધૂળેટી ઉજવાય છે. મહારાષ્ટ્રમાં મટક ફોડ તો કર્ણાટકમાં આ પર્વને ‘કામના હબ્બા’ કહેવાય છે. આપણી સંસ્કૃતિમાં ગાયનું ગોબર, છાણાને મહત્વ સાથે પવિત્ર ગણાય છે. ગાયનું છાણ પર્યાવરણ શુઘ્ધિ સાથે સંકળાયેલા હોવાથી આજકાલ વૃક્ષો બચાવના સંદેશ સાથે વૈદિક હોળીનું મહત્વ વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.