Abtak Media Google News

સરકારની ગાઈડલાઈન મુજબ હોળી પ્રગટાવી શકાશે પરંતુ ભીડ એકત્ર ન થાય તેનું ધ્યાન આયોજકોએ રાખવું પડશે જયારે ધૂળેટી જાહેરમાં ઉજવવા પર સખ્ત મનાઈ

મંદિરોમાં ફૂલડોલ ઉત્સવ સંપૂર્ણ સાદાઈથી ઉજવાશે

ભારતીય સંસ્કૃતિમાં હોળી-ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. અલગ-અલગ પ્રાંતોમાં અલગ-અલગ રીતે હોળી પર્વ ઉજવાય છે. હોળી જેને રંગોનો પર્વ પણ કહેવામાં આવે છે. ફાગણ સુદ પુનમના રોજ મનાવાતો આ પર્વ વસંતોત્સવ તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે ગુજરાતમાં આ રંગોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વૈશ્ર્વિક મહામારીને કારણે આ રંગોત્સવ ફિકકો પડી ગયો છે. ગત વર્ષે પણ ઉત્સવપ્રેમીઓ એક પણ તહેવાર ઉજવી શકયા નથી ત્યારે હાલ પણ કોરોનાની બીજી લહેર પ્રસરતાં લોકો ભયભીત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા સરકાર પણ પુરતા પ્રયાસો કરી રહી છે. એટલે જ આ હોળી-ધુળેટીના તહેવાર પર સરકારે ગાઈડલાઈન પ્રસિધ્ધ કરી છે. ગાઈડલાઈન મુજબ હોળી પ્રગટાવી શકાશે. પરંતુ હોળી આસપાસ ભીડ એકત્રીત થવી જોઈએ નહિ. તેમજ ભીડ એકત્ર ન થાય તેનું ધ્યાન આયોજકોએ રાખવું પડશે. હોળીનો બીજો દિવસ ધૂળેટી પણ ન ઉજવવા સરકારે જાહેરાત કરી છે. ધૂળેટીએ જાહેરમાં એકબીજા ઉપર રંગો ઉડાડવા, લોકોએ સમુહમાં ભેગા ન થવા પર પણ ગાઈડલાઈનમાં જાહેરાત કરી છે.

હોળી-ધૂળેટી સૌનો પ્રિય તહેવાર હોય ત્યારે દર વર્ષે આ તહેવાર અગાઉ જ બજારમાં પણ ખરીદીની રંગત જોવા મળે છે. આ ઋતુમાં ખજૂર, દાળિયા ખાવા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય લોકો ખરીદી કરતા હોય છે. હોળીમાં હોમવા શ્રીફળનું પણ ધૂમ વેચાણ થાય છે. પર્યાવરણ શુધ્ધિ માટે ચોક-ચોકે હોળી પ્રગટાવી લોકો હોલિકાદહનનાં દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

હોળીનો બીજો દિવસ ધૂળેટી પણ ખૂબ હર્ષભેર ઉજવાય છે. ધૂળેટીએ બાળકોથી લઈ મોટેરાઓનો પણ પ્રિય તહેવાર ગણાય છે. એકબીજા પ્રત્યેનો રાગ-દ્વેષ ભૂલી લોકો રંગોની છોળો ઉડાડી આનંદ-ઉમંગ કરે છે. ધૂળેટીએ બાળકો માટેની પિચકારીની પણ મોટી માંગ નીકળે છે. જો કે ચાલુ વર્ષે ધૂળેટી ઉજવવા પર સરકારે મનાઈ ફરમાવતા પિચકારી, રંગોનાં વેપારીઓને માત્ર 10% જ ધંધો થયો છે. એક બાજુ કોરોનાની મહામારી અને બીજી બાજુ ધંધા -રોજગાર પણ ઠપ્પ થતા વેપારીઓને વધુ એક ફટકો પડયો છે.

આ વર્ષે મંદિરોમાં ધૂળેટીએ ફૂલડોલ ઉત્સવ પણ સાદાઈથી ઉજવાશે. તો સુપ્રસિધ્ધ અને જયાં હજારો-લાખોની મેદની ઉમટે છે. તેવા મંદિરે ભાવિકોને દર્શને જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે જેથી કોરોના સંક્રમણ અટકાવી શકાય.

ચાલુ વર્ષે અમૃતસિધ્ધિ યોગમાં હોળી

કાલે હોળી છે સાથે સાંજના 5.36 કલાકથી અમૃતસિધ્ધિ યોગ છે. આથી આ વર્ષે હોળીનો દિવસ શુભ અને ઉતમ રહેશે.

હોળી પ્રગટાવવાનો શુભ સમય રાત્રે 7:00 વાગ્યાથી 9:56 સુધી

હોળીના દિવસે ઉપવાસ અથવા એકટાણુ કરવું તથા સાંજના સમયે હોળી પ્રગટે ત્યારે હોલિકાયેનમ: બોલી દર્શન કરી હોળીમાં અબીલ-ગુલાલ કંકુ છાંટણા કરી સાથે ખજૂર, ધાણી હોમી હોળીની 3 પ્રગક્ષિણા કરવી અને સારા આરોગ્યની પ્રાર્થના કરવી.

હોળીના દિવસે કુળદેવીનાં મંત્રજાપ, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, હનુમાનદાદા-ભૈરવદાદાની પુજા ઉતમ ફળ આપે છે. અને જીવનના બધા જ દોષો નાશ પામે છે. સોમવારે ધૂળેટીએ સવારે વહેલા ઉઠી, નિત્યકર્મ કરી, ભગવાન શિવનું પુજન કરવું ઉતમ છે. ઘરે બેઠા ભગવાન વિષ્ણુ સહસ્નામના પાઠ બોલવા ઉતમ રહેશે. ભગવાનની છબી પર અબીલ-ગુલાલ-કંકુના છાંટણા કરવા શાસ્ત્રી રાજદિપભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.

કાળીયા ઠાકોરના દ્વાર બંધ: પ્રથમવાર ફૂલડોલ ઉત્સવ ભાવિકો વિના ઉજવાશે

આજથી 30મી સુધી દ્વારકાનું જગતમંદિર બંધ: ફૂલડોલ ઉત્સવના દર્શન ભાવિકો ઓનલાઇન કરી શકશે

રાજયમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે વિવિધ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે. મોટા મંદિરોમાં હોળી-ધુળેટીની ઉજવણી પર પણ પાબંધી મૂકવામાં આવી છે. વિશ્ર્વ વિખ્યાત દ્વારકાના જગતમંદિરમાં આજથી ચાર દિવસ કાળીયા ઠાકોરનાં દ્વાર ભાવિકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ફૂલડોલ સહિતના તમામના ધાર્મીક કાર્યક્રમો મંદિર ખાતે ભીતરમાં થશે. જોકે ભાવિકો ઠાકોરજીની ઝાંખી ઓનલાઈન કરી શકશે.

રાજયમાં કોરોનાનું સંક્રમણ ફરી શરૂ થતા દ્વારકાધીશ મંદિરનાં વ્યવસ્થાપકો દ્વારા ઘણા દિવસ અગાઉ એવી જાહેરાત કરી દેવામાં આવી હતી કે હોળી-ધૂળેટીના તહેવારમાં આગામી 27થી 30 માર્ચ દરમિયાન બંધ રાખવામાં આવશે. આજથી કાળીયા ઠાકોરનાં દ્વાર ભાવિકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે ઉતર ફાલ્ગુન નક્ષત્ર હોવાથી દ્વારકાધીશ મંદિરે બપોરે માત્ર પુજારી પરિવારો દ્વારા ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અને સાંજે હોલીકા દહન પણ કરવામાં આવશે.

ફુલડોલ ઉત્સવ આવતીકાલે બપોર 2 થી3 કલાક દરમિયાન નીજ સભા મંડળમાં ઉજવાશે. જોકે કોરોનાના સંક્રમણને રોકવા ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ફૂલડોલ ઉત્સવના દર્શન ભાવિકો ઓનલાઈન કરી શકશે જો કે આ ચાર દિવસ દરમિયાન જે ભાવિકોએ ધ્વજા ચઢાવવાની છે તેને ધ્વજા ચઢાવી શકશે આ માટે માત્ર 10 વ્યકિતને મંજૂરી અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.