Abtak Media Google News

સોમનાથમાં મહાદેવને અર્પણ કરાતું ગંગાજળ ફિલ્ટર કરી ભક્તોને પ્રસાદ રૂપે આપવાના સોમગંગા વિતરણ સુવિધાના પવિત્ર પ્રકલ્પનો પ્રારંભ

અબતક,સામેનાથ

ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી.  તેઓએ   સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન પણ કર્યુ હતું.

ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી.  ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ નિત્યમહારૂદ્ર પાઠનો સંકલ્પ કર્યો હતો.

ગૃહમંત્રીએ મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રકલ્પનો પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

Img 20220911 Wa0168

ભગવાન સોમનાથને અભિષેક કરવામાં આવતું જલથી માર્જન કરવાનો અનેરો મહિમા છે. સોમનાથના દર્શન બાદ શ્રદ્ધાળુઓ મંદિરની પ્રદક્ષિણા તેમજ અભિષેક જલથી માર્જન કરતા હોય છે. જેનું અનેરૂ મહત્વ છે. જે કોઈ (વ્યકિત) સોમગંગા જલથી સ્વશરીરનું પરિમાર્જન કરે છે તો તેની આધિ-વ્યાધિનો નાશ થાય છે. આ સોમગંગા જલ શ્રદ્વાળુઓ પોતે લઈ જઈ શકે તે માટે ઈ.ટી.પી. પ્લાન્ટ લગાડી આ જળને શુદ્ધ કરી આકર્ષક બોટલમાં પેક કરી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુવિધાનો ગૃહમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો.

નવી વેબસાઈટના લોન્ચિંગથી યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિ નું રજીસ્ટ્રેશન, અતિથિ ગૃહ રૂમનું બુકિંગ, ડોનેશન, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઇન બુક કરાવી શકશે.

શ્રી સોમનાથના રોજેરોજના લાઈવ દર્શન, આરતી તેમજ સાઈટ સીન, પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક, ટેમ્પલ વોકની પણ માહિતી મળશે. આ નવિન વેબ પોર્ટલ પણ શ્રી અમિતભાઇ શાહે લોંચ કર્યુ હતું.

ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થયેલ સમુદ્ર દર્શન પથની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી રૂપિયા 01 કરોડ 80 લાખ ના ખર્ચે શ્રી મારુતિ નું હાટનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 10ડ્ઢ10 ફૂટની 262 દુકાનો બનાવી સ્થાનિક હોકર્સને ફાળવવામાં આવેલ છે.

આ દુકાનો હોકર્સને મળવાથી 202 પરિવારોને રોજગારી મળી છે. વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર 16 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર શ્રી હનુમાનજીની 16 ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. બીચ પર આવતા સહેલાણીઓ આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે અને આ પ્રતિમા સોમનાથના બીચની ભવ્ય ઓળખ બનશે.

રાજકોટ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રીને અપાઇ વિદાય

Img 20220911 Wa0172

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી  અમિત શાહ એકદિવસીય સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. જે અન્વયે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટ એરપોર્ટ ખાતેથી ગૃહમંત્રીને મેયર  પ્રદિપ ડવ, જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ વગેરેએ ઉષ્માભરી વિદાય આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.