Abtak Media Google News

જિલ્લા કલેકટર કચેરી ખાતે  પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ રાજકોટમા નિવાસ કરતા 13 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા” કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્ધ છે. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે 13 નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહયા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ મોઢું મીઠું કરાવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા 13 નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં રહેતા  ભવાન વાપીએ ગૃહ રાજયમંત્રી  હર્ષ સંઘવી સાથે વાત કરી હતી અને આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો તે શાંતિ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે. જે બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.

આ કાર્યક્રમમાં મેયર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય સવ દર્શિતાબેન શાહ,  ઉદયભાઈ કાનગડ,   રમેશભાઈ ટીલાળા, કલેકટર  પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી.  પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી. પૂજા યાદવ, પ્રાંત અધિકારી   કે.જી.ચૌધરી અને અગ્રણી  કમલેશ મીરાણી સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાગરિકત્વ મેળવીને પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર મળવા જેટલી ખુશી થઇ :- પ્રેમજી ડુંગરખીયા

પ્રેમજીભાઈ ડુંગરખીયાએ જણાવ્યું કે હું પાકિસ્તાનના કરાંચીમાં વસવાટ કરતો હતો. પાકિસ્તાનમાં ખુબ જ હેરાન થયા બાદ ભારત આવવાનું નક્કી કર્યું અને આજે ભારત આવ્યે મને 14 વર્ષ થઈ ગયાં છે. ભારતીય નાગરિકતાનો પત્ર મળવાથી મને આજે મેટ્રિક અને ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કર્યા જેટલી ખુશી

થઇ છે. ભારત આવીને શૂન્યમાંથી શરૂઆત કરી હતી તેમજ આજે હું ભારતીય નાગરિકતા મળ્યા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.

ભારતની જીવન શૈલીથી ખૂબ જ પ્રભાવિત  અહીં સુરક્ષા અનુભવું છું:  ગીતાબેન પરમાર

આજે મને ભારતીય નાગરિકતા પત્ર પ્રાપ્ત કર્યા બદલ ગૌરવ અનુભવતાં ગીતાબેને જણાવ્યું હતું કે, વર્ષ 2010માં અમે સપરિવાર ભારત આવ્યા હતા. ભારતના લોકોની જીવન શૈલી, રહેણી-કરણી તેમજ શાંત વાતાવરણ જોઈને હું ખુબ

પ્રભાવિત થઈ છું. ભારતમાં ખુબ જ સારું જીવન જીવી રહ્યા છીએ. અહીંના રોજિંદા જીવનમાં પાકિસ્તાન કરતા વધુ સુરક્ષા અનુભવું છું. જે બદલ હું રાજ્ય સરકારની ખુબ જ આભારી છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.