Abtak Media Google News

તુટ્ટી ફ્રૂટી દરેકને ભાવતી હોય છે. તુટ્ટી ફ્રૂટીનો ઉપયોગ મુખવાનની સાથે-સાથે બીજી પણ ઘણી વાનગીઓમાં થાય છે જેમ કે, આઇસક્રિમ, સ્મૂધી, કૂકિઝ વગેરે.

મોટાભાગે તુટ્ટી ફ્રૂટી આપણે માર્કેટમાંથી તૈયાર લાવતા હોઇએ છીએ. ટેસ્ટમાં સરખી જ, પરંતુ કાચા પપૈયામાંથી વધારે હેલ્ધી અને ઘણી સસ્તી તુટ્ટી ફ્રૂટી ઘરે પણ બહુ સરળતાથી બનાવી શકાય છે.

સામગ્રી :

એક મીડિયમ કાચું પપૈયું

બે વાટકી ખાંડ

ત્રણ વાટકા પાણી

ફૂડ કલર

વેનીલા એસેન્સ

રીત :

સૌ પ્રથમ પપૈયાની છાલ કાઢી નાની નાની કટકી કરવી. પછી એક વાસણમાં ખાંડ અને પાણી લઇ ગેસ પર મૂકી હલાવતા રહેવું.

પાણીમાં ખાંડ ઓગળે એટલે તેમાં પપૈયાની કટકી ઉમેરી દેવી. 3-4 મિનિટ ઢાંકીને રાખવી, પછી ગેસ બંધ કરી 5-6 મિનિટ એમજ ઢાંકીને રહેવા દેવું.

પછી તેમાં વેનીલા એસેન્સ ઉમેરી હલાવી જેટલા કલરની કરવી હોય એટલી બાઉલમાં લેવી. પછી અલગ અલગ બાઉલમાં અલગ અલગ કલર ઉમેરી દઈ, હલાવી 24 કલાક એમ જ રહેવા દેવું.

બીજા દિવસે ઘઉં માટેની જે ચારણી હોય કે દૂધ ઢાંકવા માટે અથવા રોટલી રાખવા માટે કાણાવાળી ડીશ હોય તેના પર તૂટ્ટી ફ્રુટી રાખતું જવાનું. જેના પર તૂટ્ટી ફ્રુટી સુકવી હોય તેની નીચે પ્લેટ રાખવાની અને તેમાં પાણી રાખવાનું જેથી કીડી ન ચડે. તેને હવામાં સુકાવવા દેવી, જ્યાં સુધી બધી ચાસણી સુકાઇ જાય ત્યાં સુધી રહેવા દો. પછી એરટાઈટ ડબ્બામાં ભરી તેનો સ્વાદ માણો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.