Abtak Media Google News

રાજકોટ સહિત ચાર મહાપાલિકાના અધિકારીઓ સાથે બપોરે મુખ્યમંત્રીની વીસી: રાત્રિ કરફર્યુ 9 અથવા 10 થી સવારે પ વાગ્યા સુધી કરાય તેવી સંભાવના

 

અબતક, રાજકોટ

ત્રીજી લહેરના આરંભે જ ગુજરાતમાં જેટ ગતિએ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકામાં લાદવામાં આવેલા રાત્રિ કરફયુની મુદત આજે પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે રાત્રિ કરફયુમાં કલાકોમાં વધારો કરવા સહિતના કેટલાક નિયંત્રણોની રાજય સરકાર દ્વારા સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. આજે બપોરે ચાર શહેરોના વહીવટી તંત્ર સાથે મુખ્યમંત્રીની વિડીયો  કોન્ફરન્સ છે. જેમાં કોરોનાના વધતા કેસ અંગે ચર્ચા કરાયા બાદ સાંજ સુધીમાં રાત્રિ કરફયુ વધારવા સહિતના નિર્ણયોની ધોષણા કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. મહાપાલિકા વિસ્તારમાં હાલ રાત્રિના 11 થી સવારના પાંચ વાગ્યા સુધી કરફયુ અમલમાં છે જેમાં કલાકોનાં વધારો કરવામાં આવશે અને રાત્રિના 9 અથવા 10 થી સવારના પાંચ વાગ્યા સુધી કરફયુ અમલમાં મૂકવામાં આવશે વિકેનું કરફયુ પણ લાદવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

કોરોનાના સંક્રમણને અટકાવવા માર્ચ-2020માં લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ગુજરાતની આઠ મહાપાલિકા વિસ્તારોમાં રાત્રિ કરફયુ અમલમાં છે. કોરોનાના કેસની સ્થિતિ જોતા તેમાં સમયાંતરે કલાકોમાં ફેરફાર કરવામાં આવે છે. અગાઉ રાત્રિના 1 થી સવારના પાંચ વાગ્યા સુધી એમ માત્ર ચાર કલાક જ કરફયુ અમલમાં હતો. દરમિયાન કોરોનાના કેસ વધતા ગત રપમી ડીસેમ્બરે તાત્કાલીક અસરથી રાત્રિ કરફયુ રાત્રિના 11 થી સવારના પાંચ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. જે ગત 31મી ડિસેમ્બરના રોજ રાત્રિ કરફયુ 7મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો જેની મુદત આજે પુર્ણ થઇ રહી છે. દરમિયાન છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં હવે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિ કરફયુની મુદતમાં વધારો કરવામાં આવે છે વાત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ ચાર શહેરોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આ ચારેય શહેરોના અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજાશે જેમાં કોરોનાના વધતા કેસ સહિતના મુદે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે ત્યારબાદ સાંજે સુધીમાં રાત્રિ કરફયુમાં કલાકો વધારવા અંગે અથવા વિકેનુ કરફયુ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. રાત્રિ કરફયુ વધારવા ઉપરાંત કેટલાક આકરા નિયંત્રણો પણ લાદવામાં આવી શકે છે. જો કે આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.