Abtak Media Google News

અમે પણ સમજીયે છીએ કે જયારે આપણું કોઈ અંગત વ્યક્તિ સારવાર લેતું હોઈ અને અમુક કલાક માટે તેમનું મોં ના જોવા મળે તો શું મનોસ્થિતિ હોઈ ? અને એટલે જ કલેકટર શ્રી રેમ્યા મોહનના માર્ગદર્શનથી જિલ્લા વહીવટી તંત્રએ નવતર અભિગમ સાથે સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટર એન્ડ કેર ખાતે કાઉન્સેલિંગ એન્ડ વિડીયો કોલિંગ સુવિધા શરુ કરાયાનુ જણાવે છે સમરસ કોવીડ કેર સેન્ટરના અધ્યક્ષ અને નાયબ કલેકટર શ્રી ચરણસિંહ ગોહિલ.

સમરસ હોસ્ટેલને 1000 બેડમાં ડેડીકેટેડ કોવીડ હેલ્થ અને કેર સેન્ટરમાં રૂપાંતરિત કરી તેમાં રોજબરોજ સુવધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ સારવાર હેઠળ રહેલા દર્દીઓને માનસિક હૂંફ મળી રહે તે માટે માસ્ટર ઈન સોશિયલ વર્ક (એમ.એસ.ડબ્લ્યુ)  ની 10 લોકોની ટીમ દ્વારા ખાસ કાઉન્સેલિંગ એન્ડ વિડીયો કોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ તો દર્દીના પરિવારજનો ઉંચક જીવે બહાર તેમના ખબર અંતરની રાહ જોતા હોઈ ત્યારે તેમના સ્નેહીજનની સાથે મોબાઇલફોન પર વિડીયો કોલિંગ દ્વારા વાતચીત કરાવી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

કઈ રીતે સ્ટાફ દ્વારા કરવામાં આવે છે કાઉન્સેલિંગ એન્ડ વિડીયો કોલિંગ ??

Samras Counseling Video Calling 7

સ્ટાફ દ્વારા દરેક વોર્ડમાં દાખલ દર્દીઓ પાસે જુદી જુદી ટીમ દર્દીઓની મદદે આત્મીયતા સભર વાતાવરણ પૂરું પાડે છે. દરેક બેડ પર જઈ તેઓ ખબર અંતર પૂછે, કઈ તકલીફ હોઈ તો તેની જાણકારી અને નોંધ કરે, દર્દીને પોઝિટિવ વાતાવરણ પૂરું પાડે, પાણી પીવડાવે, સારવાર સુવિધા અંગે ફીડબેક લેવાનો, માનસિક તણાવ હોઈ તો તેમને નિશ્ચિન્ત કરવાના અને પછી તેમને સૌથી મોટી ધરપત થાય તે માટે સ્વજનો સાથે મોબાઈલ ફોનમાં વાતચીત કરાવી આપે…

હલ્લો કેમ છો ? અને દર્દી કહે કે અમને સારું છે અને અહીં ખુબ સારી સુવિધા મળે છે તેમ જણાવે એટલે બંને છેડે થાય છે હાશકારો… સાથોસાથ દર્દીને માનસિક હૂંફ મળી રહેતા તેમની તબિયતમાં પણ ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે… રોજના 200 થી વધુ વિડીયો કોલ દર્દીઓ અને પરિવારજનો વચ્ચે કરાવી આપવામાં આવી રહ્યાનું શ્રી ગોહિલે જણાવ્યું છે.

દર્દીઓ કે તેમના પરિવરજનો ચિંતિત હોઈ તેવા સમયે સ્ટાફ દ્વારા કોલ કરનાર વ્યક્તિને ધરપત આપે છે. કોઈ જ ચિંતા નહિ કરવા અને દર્દી ખુબ ઝડપથી સાજા થઈ જશે. ઘરે સુખરૂપ પહોંચી જશે તેવો ભરોસો પણ પૂરો પાડે છે. કાઉન્સેલિંગ બાદ સ્ટાફ દ્વારા ખાસ એક કમ્યુનિકેશન ફીડબેક ફોર્મમાં મુદ્દા ટાંકવામાં આવે છે. જેમાં સ્ટાફ દ્વારા દર્દીઓને સારવાર સુવિધા સહિતની બાબતો અને પરિવાજનો સાથે વાતચીત બાદ અભિગમની નોંધ તૈયાર કરવામાં આવે છે.

ઉદાહરણ રૂપે 53 વર્ષના ધર્મેન્દ્રભાઈને તેમના પત્ની કોમળબેન સાથે વિડીયો કોલિંગથી વાતચીત થતા ખુબ સારું લાગ્યું, સુવિધાઓ સારી હોવાનું અને વીલ પાવર સ્ટ્રોંગ હોવાનું તેમના ફીડબેકમાં જાણવા મળે છે. આજ પ્રકારે દર્દીઓના ફીડબેક ફોર્મમા મોટે ભાગે તેઓ સારવાર અને સુવિધાથી સંતોષ વ્યક્ત કરે છે. ખાસ તો પરિવાર સાથે વાતચીતમાં એકબીજાને હિંમત આપતા લાગણીભર્યા વાર્તાલાપ જોવા મળતો હોવાનું સ્ટાફ દ્વારા જણાવ્યું છે.

સમરસ કેર સેન્ટર ખાતે હાલ ડો. મેહુલ પરમાર ડો. પીપળીયા, ડો. જયદીપ ભૂંડિયા અને તબીબી સ્ટાફ તેમજ રોજગાર નિયામક ચેતન દવે સહિતના અધિકારીઓ રાત દિવસ તેમની સેવા આપી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભી કરાયેલ દર્દીઓ સાથે સંવાદની સુવિધા દર્દીઓમાં નવી ઉર્જા અને તેમના પરિવારજનોને આશ્વસ્થ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.