કિશોરવસ્થામાં પોષણક્ષમ આહારથી દૂર રહી લારી, ગલ્લા કે ફૂડઅડ્ડા પર જંકફુડ ખાવા કેટલા યોગ્ય ?

કિશોરવસ્થામાં મસ્તીથી રહો, પણ પોષણ પ્રત્યે સજાગ રહો: ડો.નિશ્ર્ચલ ભટ્ટ

આખા શરીરમાં મેટાબોલીઝમ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ એટલું જ જરૂરી છે

કિશોરાવસ્થા એક એવી અવસ્થા છે કે જે સમય દરમિયાન શરીરમાં શારીરિક અને માનસિક ફેરફારો થતાં હોય છે . સાથે સાથે શારીરિક વિકાસ પણ ખુબ ઝડપથી થતો હોય છે . સમગ્ર જીવનકાળમાં આ અવસ્થા અતિમહત્વની છે . આમ છતાં બાળ અવસ્થા દરમિયાનની માતાપિતા પરની પરવશતામાંથી કિશોરાવસ્થાની સ્વતંત્રતા તરફ જઈ રહેલ તરૂણ પોતાના ખાનાપાન અને શારીરિક સ્વાથ્ય તરફ થોડો બેફિકર થતો જણાય છે . કિશોરાવસ્થા દરમિયાન સ્વાથ્યપ્રદ આહાર અને પોષણયુક્ત ખોરાકની જરૂરિયાત સૌથી વધારે હોય છે . તે જ સમય દરમિયાન મળેલી (લીધેલી) સ્વતંત્રતા તેમને ફૂડ પોઈન્ટ કે લારી ગલ્લા કે ફૂડઅડ્ડા પર જંકફુડ ખાવા તરફ લઈ જાય છે .

જેમાં માત્રને માત્ર વધારે પડતી કેલેરી સિવાય કશું જ સ્વથ્યપ્રદ હોતું નથી. કિશોરાવસ્થા દરમિયાન શરીરને તંદુરસ્ત અને પોષણયુક્ત રાખવું તે ખૂબ જ અગત્યનું છે . કાર્બોહાઈડ્રેટના રૂપમાં ગ્ુલૂકોઝ , પ્રોટીનમાંથી એમિનો એસિડ , પ્લાન્ટ આધારિત ખોરાકમાંથી મળેલા ફાઈટો કેમિકલ્સ અને એન્ટિ ઓક્સિડન્ટ તથા ઓમેગા-3 , ફેટી એસિસ , વિટામિન્સ અને ખનિજો મળે અને તે બધાનું સંયોજન સમતુલિત ખોરાકમાં હોવું જરૂરી છે.

શરીરની એનર્જીનો મુખ્ય સ્ત્રોત ગ્લૂકોઝ છે , જે કાર્બોહાઈડ્રેટમાંથી મળે છે . ખોરાકમાં હોલગે્રઈન જેમ કે ઘઉં , રાગી , બાજરી અને જવ જેવા અનાજ , બટાકા , કારેલાં , પરવળ , કોબી વગેરે શાકભાજી તેમજ દાડમ , કેળા , કિંવી જેવા ફળો અને હોલ વ્હિટ પાસ્તા , મલ્ટિગ્રેઈન બ્રેડ વગેરે જેવા વિવિધ કાર્બોહાઈડ્રેટ યુક્ત આહારનો સમાવેશ કરવો જરૂરી છે.મોર્નિંગ બ્રેકફાસ્ટ (સવારનો નાસ્તો) એ સૌથી અગત્યનો ખોરાક છે .

ઘણાંબધાં અભ્યાસોમાંથી શોધવામાં આવ્યું છે કે મોર્નિંગ બ્રેકફાસ્ટથી શોર્ટટર્મ મેમરી અને એકાગ્રતામાં સુધારો થાય છે . બ્રેકફાસ્ટમાં રિફાઈન્ડ પ્રોડક્ટસ (મેંદો)ની માત્રા ખુબ જ ઓછી રાખવી અને નટસ (બદામ , અખરોટ , પીસ્તો , હેઝલનટ , અંજીર , ખજુર ) જેવી નેચરલ સુગર (પ્રાકૃતિક શર્કરા) અને ચીકુ જેવા ફળો પસંદ કરવા જે શરીરના લોહીના પ્રવાહમાં ધીરે – ધીરે એનજીર્ર્ રિલીઝ કરે છે , તળેલા નાસ્તા જેમ કે ગાંઠિયા અને સેવ ખમણી , જલેબી જેવાં હાઈકેલેરી ધરાવતો હોવાથી તેના લીધે એકાગ્રતા ઓછી થાય છે . પપૈયું , સ્ટ્રોબેરી , નટ્સ , કઠોળ , વટાણાં , લીલા પાંદડાવાળા શાકભાજી , ખાટા ફળો વગેરેમાંથી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે.

તરૂણાવસ્થા દરમિયાન કિશોરીના પોષણયુક્ત ખોરાકનું મહત્વ ખુબ જ વધારે છે , તંદુરસ્ત અને સ્વસ્થ કિશોરી જ્યારે પુખ્તવયે સગર્ભા બને છે તો તે પુરા મહિને સ્વસ્થ બાળકને જન્મ આપે છે . કિશોર અને કિશોરીઓના શારીરિક વિકાસમાં તાલમેલ મેળવવા આયર્ન અને ફોલિક એસિડનું સપ્લીમેન્ટેશન ખુબ જ જરૂરી છે . તરૂણ અને તરૂણીઓને ઘરમાં ખોરાક બનાવવાના આયોજનમાં જોડવામાં આવે તો તેમને પોષણયુક્ત તમામ પ્રકારના આહાર લેવાની ટેવ પડે છે . જે તેમના સુખી આરોગ્ય જીવન માટે ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.એવું કહેવાય છે ને કે ” જેવું અન્ન તેવું મન … અને જેવું પાણી તેવી વાણી ” . આપણું શરીર 70 % થી વધારે પાણીનું બનેલું છે . માટે ફુડ પિરામિડના બેઝમાં પાણીને દર્શાવવામાં આવે છે . આખા શરીરનાં મેટાબોલીઝમ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ એટલું જ જરૂરી છે .

આ ઉમરની મોટાપાની પરિસ્થિતિ પુખ્તવયની ઉમરે ખુબ જ વહેલા ડાયાબિટીસ , બ્લડપ્રેશર અને હ્રદયરોગનો ભોગ બનાવે છે . માટે દરેક માતા – પિતા અને શિક્ષકોને ખાસ નમ્ર વિનંતી છે કે તેઓએ બાળકોને પોષણયુક્ત આહારની સાથે સમય અનુસાર શારીરિક વ્યાયામ , યોગ અને પ્રાણાયામની તક પણ પુરી પાડવી જોઈએ.સંપુર્ણ સ્વાથ્ય માટે પોષણયુક્ત આહાર તથા શારિરીક વ્યાયામની સાથે નિયમિત પુરતી ઉંઘનું પણ એટલું જ મહત્વ છે . ” રાત્રે વહેલા જે સુઈ , વહેલા ઉઠે વીર , બળ , બુદ્ધિ ને ધન વધે , સુખમાં રહે શરીર.  ચાલો આપણે સૌ સાથે મળીને તરૂણાવસ્થાને વધારે સ્વસ્થ બનાવવા તેમજ પોષણયુક્ત આહાર , શારીરિક વ્યાયામ અને પુરતા પ્રમાણમાં ઉંઘને રોજિંદા જીવનનું અભિન્ન અંગ બનાવીએ . કિશોરાવસ્થામાં મસ્તીથી રહીએ પણ પોષણ પ્રત્યે હંમેશા સજાગ રહીએ.