Abtak Media Google News

‘જિંદગી કેસી હે પહેલી, હાયે…! કભી યે હસાયે… કભી યે રૂલાયે…’ ફિલ્મ આનંદમાં નાયક રાજેશ ખન્ના ચોપાટી પર ટહેલતા-ટહેલતા જિંદગીની જે ફિલોશોફી સમજાવે છે તે આજે અને દરેક વખતે બરાબર બંધ બેસતી બની રહેશે. જીવનમાં ઘણા એવા કામ જાણે-અજાણ્યે થઈ જાય છે કે, આપણને પરિણામની કલ્પના ન હોય તેવી પરિસ્થિતિ સામે આવીને ઉભી થઈ જાય છે. સદાયે હસ્તુ જીવન ક્યારેક-ક્યારેક અચાનક રડાવી દે છે… આજે ‘વિશ્ર્વ કેન્સર દિવસ’એ કેન્સરની મહામારી પણ જિંદગીનું એવું કટુ સત્ય છે કે જે લાંબા સમયથી સેવવામાં આવતી દુર્લક્ષતા થયેલી બેદરકારીનું આફટર  લોંગ પ્રોસેસ રિઝલ્ટ તરીકે બિહામણા વર્તમાન તરીકે સામે આવી જાય છે.

કેન્સર એટલે ‘કેન્સલ’ પણ એવું નથી જો પ્રારંભીક તબક્કામાં સારવાર અને ઈલાજ થઈ જાય તો 99 ટકા કેન્સર સાધ્ય બની ગયા છે. અલબત કેન્સર થાય પછી દવા, સારવાર કરવા કરતા કેન્સર ન જ થાય તે આપણા હાથમાં છેે. કેન્સર કુદરતની તરત આપેલી સજા નથી પણ લાંબાગાળે ધીમે-ધીમે કરેલી બેદરકારી, બેવકુફીનું પરિણામ ગણી શકાય. જીવનશૈલી, આહાર, વિહાર, પર્યાવરણ, નિંદ્રા, પાણી, વાતાવરણની ખેવના રાખ્યા વગરની બેફામ જિંદગી અને વ્યસનને કેન્સરના મુળભૂત કારણો માનવામાં આવે છે.

કેન્સર ન થાય તે માટે સાવચેતી અનિવાર્ય બની છે. કુદરત કોઈ વસ્તુ મફત આપતી નથી. હવા, પાણી, વાતાવરણ અને જિંદગીની દરેક ઉપલબ્ધીઓની કિંમત ચૂકવવી પડે છે. એવી જ રીતે બેદરકારીની પણ કિંમત ચૂકવવી પડે છે. કેન્સર ન થાય તે માટે જાગૃતિ અને નિયમીતતા આવશ્યકતા છે. ટિસ્યુ કલચર, બેનમોરો અને વિવિધ થેરાપીની મેડિકલ સાયન્સની શોધ કેન્સર સામે લડત આપી રહી છે. કેન્સર ન થાય તે માટેની સાવચેતી હવે અનિવાર્ય બની છે. આ આફતને હજુ પૂરી ઓળખવાની બાકી છે. જાણ્યે-અજાણ્યે અને અનાયાસે થઈ જતી ભુલોનું ભયંકર પરિણામ કેન્સરના રૂપમાં સામે મળે છે. કેન્સર થયા પછી તેનો ઈલાજ ખુબ અઘરો થઈ પડે છે.

કેન્સર ન થાય તે વધુ સરળ છે. નિયમીત આહાર, આદર્શ જીવનશૈલી, પુરતો આરામ, સ્વસ્થ ભોજન, ઓર્ગેનિક ખોરાક, કેમીકલ અને જંતુનાશક દવાઓના ઉપયોગ થકી પાકતા શાકભાજી, ફળ, અનાજ, ફાસ્ટફૂડ અને જંકફૂડથી દૂર રહેવાની સાથે સાથે તમાકુ, તમાકુની બનાવટ, શરાબ, નશીલા પદાર્થોનું સેવન, ધુમ્રપાન કરવાથી જો સમજણપૂર્વક દૂર રહેવામાં આવે તો કેન્સર જેવી વ્યાધી વિના કારણે આવતી નથી. આ બીમારી અભિશાપ બનીને ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિ જિંદગીએ આપેલા આશિર્વાદની અનદેખી કરે છે.

જુજ એવા કિસ્સામાં આનુવાંશિક અને વ્યક્તિની ક્ષતિ વગર આ બિમારીનો ભોગ બનવું પડે છે. બાકી કેન્સરની બિમારીએ લાંબા સમય સુધી કરવામાં આવતી ભુલોનું વરવું પરિણામ ગણી શકાય. વળી આ પરિસ્થિતિની અનેકવાર અગમચેતી, રેડ સિગ્નલના સંકેતો મળી જ જાય છે. પરંતુ આ ભય સ્થાનો અને લાલબત્તીને નજર અંદાજ કરવાથી જ બિમારીનો ભોગ બનવું પડે છે.

કેન્સર થાય પછી તેને દૂર કરવા કરતા કેન્સર ન થાય તે માટે રાખવામાં આવતી સાવચેતી સાવ સરળ, સહજ છે. મોટાભાગના કેન્સર બેદરકારીના પરિણામે મળે છે. કેન્સર ન થાય તે માટે લાઈફ સ્ટાઈલ, પ્રદુષિત વસ્તુઓથી દૂર રહેવું અને કુદરતી પ્રક્રિયાઓને અવરોધરૂપ થાય તેવી જીવનશૈલીથી બચવાથી આ બિમારી ક્યારેય આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.