Abtak Media Google News

“એક્સક્યુઝમી, ભાઇ આ તમે જે ટિકીટ મને આપી એ સિંગલ ટિકીટ છે..મેં તો રિટર્ન  ટિકીટ માંગી હતી….સાંભળો છો ભાઇ તમારી સાથે વાત કરું છું….અરે હમકો વાપસ જાને કે લીયે ટિકીટ નહીં ચાહીયે???….એ ભાઇ આમ સમય ન બગાડો ને ભઇસાબ…ભાઇ આ તો આ અજાણી જગ્યાએ હમ ઐસે હી ઘૂમને કો આયા…કોઇ પ્લાનીંગ નહીં થા…તો અભી ઘૂમકે વાપસ જાયેગા કી નહીં…શું યાર આમ ડોળા ફાડીને આમ જોયા કરો છો?…મને રિટર્ન ટિકીટ આપો એટલે વાત પતે’…શાંતિલાલના મોટા થયેલા અવાજની પણ ટિકીટબારીવાળા પર કોઇ જ અસર ન થઇ…ચહેરા પર કોઇ પણ જાતના હાવભાવ વગર થોડી વાર મારો બળાપો સાંભળી એણે અચાનક ધડ દઇને ટિકીટબારી બંધ કરી દીધી.

શાંતિલાલને જબરો ગુસ્સો આવ્યો અને  એણે તો આસપાસ ઉભેલા;  એના જેવા બે પાંચની સામે ગુસ્સો ઠાલવવાનું શરુ કર્યું …

“ના યાર એટલે આમ કંઇ ચાલે?….ધડ કરતી મોઢા પર બારી બંધ કરી દીધી બોલો…મારી લાઇફમાં આવુ પહેલી વાર થયું છે યાર…સાલી રિટર્ન ટિકીટ ન આપે એટલે કહેવા શું માગે છે યાર? આપણે આપણા ઘરે નહીં જવાનું એમ કેમ ચાલે?.. સાલું પારકા દેશમાં આવો એટલે આજ પ્રોબ્લેમ…આના કરતાં આપણો દેશ સારો…ગમે તે હોય પણ પૈસા આપીને રિટર્ન ટિકીટ તો મળેને યાર…અને આ અહીંયા એમ કહે છે કે દરવાજાની અંદર જવાનું પણ પાછા નહીં આવવાનું….હવે આવું કહે તો યાર ગુસ્સો ન આવે?..અને તમે તો જાણો છો કે આપણા ગુજરાતીઓના ઘરમાં તો ગુસ્સો કરવાની મોનોપોલી તો  બૈરાઓની ને તોયે આ મારા જેવા; ગુજરાતી ભાયડાને ગુસ્સો આવ્યો ….મને ગુસ્સો આવવાના બે કારણ ..એક તો એ કે મારી બૈરી મારી હારે નથી નહીં તો આ ટિકીટવાળાને સીધોદોર કરી નાખ્યો હોત…અને બીજું કારણ એ કે એણે મારી સામે અમુક લોકોને રીટર્ન ટિકીટ આપી ને અમુકને ને તો મેં પાછાયે જતા જોયા..તો મને કેમ ન આપી?..જુઓને યાર તમને પણ નથી આપી રિટર્ન ટિકીટ…તે હવે ઘરે કેમ કરી જાવાનું આ યાર?”. આસપાસ ઉભેલા બે ચાર લોકોને હજી પણ શાંત ઉભેલા જોઇ શાંતિલાલે આગળ ચલાવ્યું કે..”આ તો મારા ફ્રેન્ડ રમણે કહ્યું કે હું જાંઉ છું..તે હાલ મારી હારે..તેં મનેય થયું કે આ લોકડાઉનમાં ઘેર બેઠા આમેય કંટાળો આવે છે તે ચાલ રમણ હારે લટાર મારતો આવું ને અમે તો નીકળ્યા એના સ્કુટર પર માસ્ક ચડાવીને….આ લોકડાઉનમાં આ માસ્કે દાટ વાળ્યો છે…ના એટલે કોરોનાથી મરીશ કે નહીં મરું પણ આ માસ્કને કારણે ગૂંગળામણથી તો મરીશ જ”….

શાંતિલાલના આ શબ્દ પર અચાનક વીજળીના કડાકો અને વાદળના ગડગડાટ સાથે એક અજાણ્યો અવાજ સંભળાયો..”તું મરી જ ગયો છે ભાઇ..” આ ગેબી અવાજ અને અચાનક બદલાયેલા વાતાવરણથી ડરી ગયેલા શાંતીલાલે ; ગભરાયેલા સ્વરમાં આમ તેમ જોઇ પૂછ્યું કે “કોણ છે?”..સામેથી ફરીથી પેલા ગેબી અવાજે જવાબ આપતાં કહ્યું કે “હુ કોણ છું એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે તારું એટલે કે શાંતિલાલ ત્રિકમલાલ પંચમતિયાનું ગઇકાલે રાત્રે મૃત્યુ થયું છે…તારું નિર્જીવ ખોળિયું તો ત્યાં પૃથ્વીલોકમાં ક્યારનુંયે બળીને રાખ થઇ ગયું છે…અને તારા મનમાં ઉદ્ભવતા સવાલોનું નિરાકરણ કરવા જ હું અહીં આવ્યો છું…બોલ શું પૂછવું છે તારે?”.

આખીયે ઘટનાથી મૂંઝાયેલા શાંતિલાલે સવાલ કર્યો કે “આ હું મર્યો કઇ રીતે?”. પેલા ગેબી અવાજે શાંતિલાલની માન્યતાને અનુરુપ જ જવાબ આપ્યો કે “તું ગુંગળામણથી મર્યો છે”… શાંતિલાલથી આ સાંભળી બોલી જવાયું કે “આ કોરોનાની ભલી થાય..આખરે જીવ લઇ ગયો મારો”..

શાંતિલાલની આ વાતને નકારતાં પેલા ગેબી અવાજે હસીને કહ્યું કે “પૃથ્વી પરની ન્યુઝચેનલોની જેમ કોરોનાને કારણ બતાવી; મૃત્યુના આંકડા વધારવાની જરુર નથી..તું માસ્કથી થયેલી ગૂંગળામણથી મર્યો છે”..આ સાંભળી શાંતિલાલ બોલી ઉઠ્યા કે “મને હતું જ કે આ માસ્કથી;  ગૂંગળામણને કારણે જ હું મરીશ”.

ગેબી અવાજે સ્હેજ કડક શબ્દમાં શાંતિલાલને કહ્યું કે ” મૂર્ખ માણસ..આ કોરોનાના માસ્ક તો બચાવે ..પણ તું એ માસ્ક પહેરવાથી ગૂંગળાઇ ગયો જે તું સમજણો થયો ત્યારથી પહેરતો આવ્યો છે…..માસ્કની ઉપર માસ્ક…પછી તો ગુંગળાઇ જ જવાય ને?”.. આ સાંભળી શાંતિલાલે મૂંઝાયા કે પોતે કોરોના પહેલાં ક્યારેય કોઇ માસ્ક પહેર્યાં જ નથી તો કયા માસ્કની વાત થઇ રહી છે જેને લીધે પોતાનું મૃત્યુ થયું.

શાંતિલાલની આ મૂંઝવણ કળી લઇ પેલા ગેબી અવાજે સ્પષ્ટતા કરી કે ” જૂદા જૂદા સંબંધોમાં, જૂદા જૂદા સંજોગોમાં, જૂદા જૂદા સંઘર્ષોમાં અને જૂદા  સંદર્ભોમા…. દંભ,ક્રોધ ,લાલાચ,ઇર્ષા,કપટ,વાસાના,તિરસ્કાર, અભિમાન અને અહમ્ જેવા માસ્ક..કંઇક કેટલાયે માસ્ક , માસ્ક ઉપર માસ્ક પહેરતો જ ગયો …આખરે ગઇકાલે રાત્રે તારા શ્વાસની સાથે સાથે તારો આત્મા પણ ગૂંગળાયો,મૂંઝાયો અને તું માણસમાંથી ફોટોફ્રેમ બની ગયો.”

શાંતિલાલ હવે મૂંઝાયા છે, પોતાના મૃત્યુની વાતે ગભરાયા છે એટલે આખી વાતને આડેપાટે ચડાવવા હજી દલીલો કર્યા જ કરે છે કે” કોઇ રોગોને કારણે કોઇ મરે જ નહી?  આ દંભ ને વાસના ને ઇર્ષા એવા બધા માસ્કથી જ મરે બધા?..

શાંતિલાલના આ પ્રશ્નના ઉત્તરમાં પેલા ગેબી અવાજે શાંતિલાલાને અંતિમ સમજણ આપી દીધી “ભાઇ બધા નહીં, પણ તારા જેવા બધા..જે અહીંયા સ્વર્ગલોકના દરવાજે ઉભા રહી પૃથ્વી પર પાછા જવા માટે રિટર્ન ટિકીટ માગે…ત્યારે સમજી જવાનું કે એ આ દંભ,ક્રોધ ,લાલાચ,ઇર્ષા,કપટ,વાસાના,તિરસ્કાર, અભિમાન અને અહમ્ જેવા માસ્ક પહેરી ને જ મર્યા છે…અમારી ભાષામાં એને અવગતિયા જીવ કહેવાય”..

શાંતિલાલ પાસે હવે પાછા જવા માટે વિનંતી કર્યા સિવાય કોઇ છૂટકો જ નહોતો..એણે પેલા ગેબી અવાજની દિશામાં હાથ જોડી દીધા “જુઓ, આમ જાણબહાર અચાનક તમે મરી જાઓ તો કેટલાં બધાં કામ અધૂરાં રહી જાય….હજી મારે મારા  મારો આ ફ્લેટ દિકરાને નામે કરવાનો છે, ટાટાના શેરસ્માં નોમીની નું નામ નાખવાનું છે, મારી પત્નીનો જન્મદિવસ છે…ગીફ્ટ લેવી પડશેને..ટૂંકમાં ઘણા કામ બાકી છે..પ્લીઝ જાઉં???”

એક મીઠા હાસ્ય સાથે પેલા ગેબી અવાજે કહ્યું કે ” જા..પણ મારી એક વાત માનજે..એકવાર નીચે જાય પછી આ કોરોના માટેનું માસ્ક ચોક્કસ પહેરજે..પણ આ દંભ,ક્રોધ ,લાલાચ,ઇર્ષા,કપટ,વાસાના,તિરસ્કાર, અભિમાન અને અહમ્ જેવા માસ્ક ફંગોળીને ક્યાંય દૂર ફેંકી દેજે.. અને પછી જોજે તારા બધા કામ પતાવી; પૂર્ણતા  સાથે પાછો અહીંયા આવીશ ત્યારે રિટર્ન ટિકીટ નહીં માગે એની ખાત્રી આપું છું…વીશ યુ અ માસ્ક ફ્રી લાઇફ..”….

આ શબ્દોના પડઘાઓ વચ્ચે અચાનક ઘડિયાળની એલાર્મથી શાંતિલાલની આંખો ઉઘડી ગઇ..બાજુના ટેબલ પર પડેલી ગણપતીની ટચૂકડી મૂર્તિ  જોઇ શાંતિલાલની આંખોમાં ઝળહળિયાં અને હોઠો પર સ્મિત ચિતરાઇ ગયું.

ત્યાં જ રસોડામાંથી શાંતિલાલના ધર્મપત્નીનો અવાજ આવ્યો…”કહું છું સાંભળો છો…આજે નીચે ઉતરો ત્યારે બીજા એક ડઝન માસ્ક લેતા આવજો…” હકીકતમાં આજની સવારે શાંતિલાલની આંખો ખૂલી નહોતી ઉઘડી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.