મેગાવેકસીન ડ્રાઈવ હેઠળ રાજકોટમાં કેટલા લોકોને અપાઈ રસી ?

જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ: વીજળી, પાણી, રસ્તા, આરોગ્યના પ્રશ્ર્નો ત્વરીત ઉકેલવા અધિકારીઓને તાકીદ કરાઈ

રાજકોટ જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ ઉપસ્થિત સરકારી અધિકારીઓને વીજળી-પાણી-રસ્તા-આરોગ્યના પ્રશ્નો નિયત સમય મર્યાદામાં ઉકેલવા તાકીદ કરી હતી.

કોરોના કાળ બાદ પ્રથમ વખત કલેકટર કચેરી ખાતે યોજાયેલી ફરિયાદ સહ સંકલન સમિતિની  બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગઈ કાલે યોજાયેલી મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત સમગ્ર રાજકોટ જિલ્લામાં 1 લાખ 17 હજાર રસીના ડોઝના  આપવામાં આવેલ છે. અને ડિસેમ્બર-21 પહેલા રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

કલેકટરએ વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટ જિલ્લાના 12 ડેમ પૈકી પ ડેમો પૂરેપૂરા ભરાયા છે અને 4 ડેમ ઓવરફલો થયા છે, આથી  પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ ચૂકી છે. લોધિકા અને પડધરી તાલુકામાં વરસાદથી થયેલા નુકશાન માટે 187 ટીમો સર્વે કરી રહી છે. રાજકોટ જિલ્લાના તમામ રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાઇ ચૂક્યા છે,  18 મકાનોને થયેલા નુકશાન અને 18 પશુઓના થયેલા મોત અંગે સરકારી સહાય ચૂકવાઈ ગઈ છે.નિવાસી અધિક કલેકટર  કેતન ઠક્કરએ ઉપસ્થિત અધિકારીઓને બેઠકના પ્રારંભે આવકાર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ  ભૂપતભાઈ બોદર, ધારાસભ્યો લાખાભાઈ સાગઠીયા, લલિતભાઈ વસોયા અને લલિતભાઈ કગથરા, પોલીસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા વન અધિકારી રવિ પ્રસાદ, વન સંરક્ષક ચિરાગ અમીન, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ , સિદ્ધાર્થ ગઢવી અને વીરેન્દ્ર દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડા, જીલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.