Abtak Media Google News

વર્ષ 2018-19થી છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન (PMAY-U) અંતર્ગત ગુજરાતમાં ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે કુલ 4,75,366 લો-કોસ્ટ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકોના આવાસ નિર્માણ માટે કુલ રૂ. 9034.17 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોરએ આ માહિતી 28 જુલાઈ,2021ના રોજ રાજ્યસભામાં આપી હતી.
કેન્દ્રીય મંત્રીના નિવેદન મુજબ, દેશમાં અંદાજે 33,510 ઝુંપડપટ્ટીઓ આવેલી છે અને વર્ષ 2021માં થયેલી વસ્તી ગણતરી મુજબ 6,54,94,604 જેટલી વસ્તી ઝુંપડપટ્ટીઓમાં રહે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના 69મા રાઉન્ડ મુજબ, ગુજરાત રાજ્યમાં 2,923 ઝુંપડપટ્ટી વિસ્તારો આવેલા છે, જેમાં 16,80,095 જેટલા લોકો રહે છે.

પરિમલ નથવાણી જાણવા માગતા હતા કે દેશમાં કેટલા સ્લમ વિસ્તારો છે અને તેમાં કેટલા લોકો આશરો લઈ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે ઓછા ખર્ચે તૈયાર થયેલા આવાસો માટે કેટલી નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. તથા છેલ્લાં ત્રણ વર્ષમાં તેમના માટે કેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ રૂ. 71,445.79 કરોડની સહાય પૂરી પાડી છે, જેમાં આ સમયગાળા દરમિયાન દેશમાં કુલ 41,13,844 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમ કેન્દ્રીય મંત્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.