વિદ્યાર્થીઓએ કેટલી ટ્રાયલે પરીક્ષા પાસ કરી તે યુનિવર્સિટીની માર્કશીટમાં દર્શાવાશે

studentexam | result
studentexam | result

કુલપતિ ડો.ચૌહાણની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સિન્ડીકેટની બેઠક મળી: નવા શૈક્ષણિક વર્ષથી આંતરીક પરીક્ષામાં એમસીકયુ રદ કરવા અને પ્રીલીમ્સ પરીક્ષા ફરજીયાત કરવા નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક બિલ્ડીંગની છત ઉપર સોલાર પેનલ મુકાશે: વર્ષ ૨૦૧૭-૧૮નું રૂ.૧૫૫ કરોડનું બજેટ અને કોલેજોના ચાલુ તેમજ વધારાના જોડાણને સિન્ડીકેટની મંજુરી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સિન્ડીકેટની મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં હવેથી વિદ્યાર્થીઓની માર્કશીટમાં તેને કેટલી ટ્રાયલે પરીક્ષા પાસ કરી છે તે પણ દર્શાવવામાં આવશે. જયારે બીજીબાજુ નવા શૈક્ષણિક વર્ષથી આંતરીક પરીક્ષામાં એમસીકયુ રદ કરવા અને પ્રીલીમ્સ પરીક્ષા ફરજીયાત કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત યુનિવર્સિટીના દરેક બિલ્ડીંગની છત ઉપર સોલાર પેનલ મુકવા સહંમતી થઈ છે. સિન્ડીકેટમાં વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૧૫૫ કરોડનું બજેટને પણ બહાલી આપવામાં આવી છે. જયારે કોલેજોના ચાલુ અને વધારાના જોડાણને પણ સિન્ડીકેટની મંજુરી મળી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં યુનિવર્સિટીના વિવિધ સતાધિકાર મંડળો, ફાયનાન્સ કમિટી, એસ્ટેટ કમિટી, ઈડીઆઈસીની બેઠકોની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એસ્ટેટ અને ફાયનાન્સ કમિટીની પ્રપોઝલોને પણ સિન્ડીકેટમાં મંજુરીની મ્હોર મારવામાં આવી હતી. પારિતોષીક આપવા અંગેની શરતોમાં પણ સુધારો કરવા અને નવી શરતો મંજુર કરવા સિન્ડીકેટ સહમંત થઈ હતી. ગોલ્ડ મેડલ આપવાની નવી શરતો મંજુર કરી છે.

સિન્ડીકેટની બેઠકમાં સંલગ્ન કોલેજોના ચાલુ અને વધારાના જોડાણોની અરજીઓની ચર્ચા-વિચારણા કર્યા બાદ સર્વાનુમતે ચાલુ અને વધારાના જોડાણને મંજુર કરવામાં આવ્યા હતા. તબીબી વિદ્યાશાખાના ડીન દ્વારા રજુ થયેલ શૈક્ષણિક વર્ષ ૧૬-૧૭ના દિવાળી વેકેશન તથા ઉનાળુ વેકેશનની ભલામણને મંજુર કરવામાં આવ્યું છે. હ્યુમન રાઈટસ ભવનના અધ્યક્ષ ડો.બી.એલ.શરમાણી રાજસ્થાનની યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણુક થતા તેઓને લીયન આપવાના બહાલીના કાર્યને સિન્ડીકેટે મંજુર કર્યો છે.

યુનિવર્સિટી વર્ષ ૨૦૧૭-૧૮ના રૂ.૧૫૫ કરોડના બજેટ અને ૨૦૧૫-૧૬ના વાર્ષિક હિસાબોના સિન્ડીકેટમાં ચર્ચા-વિચારણાના અંતે સુધારા સાથે મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે વિદ્યાશાખામાં હાલ ગોલ્ડ મેડલ જાહેર થયો નથી તેમાં પણ યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પછીના વર્ષોથી વિદ્યાર્થીઓની ફાઈનલ પરીક્ષાની માર્કશીટમાં તેમના પરીક્ષાના પ્રયત્નો (ટ્રાયલ)નો ઉલ્લેખ કરવા માટે પણ સિન્ડીકેટમાં સૈદ્ધાંતિક નિર્ણય કરાયો છે. યુનિવર્સિટીમાં કાર્યરત ચેર માટે કોમન બિલ્ડીંગ ફાળવવા નિર્ણય કરાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક બિલ્ડીંગમાં છત ઉપર સોલાર પેનલ મુકવાનો સૈદ્ધાંતિક સ્વિકાર કરી જે માટે જ‚રી નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી શૈક્ષણિક વર્ષથી આંતરીક પરીક્ષામાં એમસીકયુ રદ કરવા અને પ્રીલીમ્સ પરીક્ષા ફરજીયાત કરી તેનું વેઈટેજ આંતરીક ગુણના ૫૦ ટકા શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી રાખવા માટે નિર્ણય કરાયો છે. સિન્ડીકેટની બેઠકમાં સિન્ડીકેટ સભ્યો ડો.ભાવિન કોઠારી, ડો.મેહુલ ‚પાણી, ડો.નેહલ શુકલ, ડો.અનીરુઘ્ધસિંહ પઢીયાર, ડો.વર્ષાબેન છીછીયા, ડો.વિજય પટેલ, ડો.પ્રશાંત ચ્હાવાલા, ડો.પ્રવિણસિંહ ચૌહાણ, ડો.મનીષ મહેતા, ડો.ધરમ કાંબલીયા, ડો.અમિત હપાણી, હરદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

 

કોપીકેસમાં પકડાયેલા ૧૧૦ વિદ્યાર્થીઓની બે પરીક્ષા રદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટની સાથે એકઝામીનેશન ડીસીપ્લીનરી એકશન કમિટીની બેઠક પણ મળી હતી. જેમાં કુલ ૧૧૩ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભમાં રૂબરૂ સુનાવણી માટે બોલાવાયા હતા. જેમાંથી માત્ર ૪૯ વિદ્યાર્થીઓ હાજર અને ૬૪ છાત્રો ગેરહાજર રહયા હતા.

હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓમાં કુલ ૧૧૦ વિદ્યાર્થીઓને બે પરીક્ષા એટલે કે આપેલી પરીક્ષા અને આગામી પરીક્ષા રદ કરવાની સજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઈડીઆઈસી કમિટી દ્વારા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થી અગ્રાવત દિવ્યેશ ઘનશ્યામભાઈને પરીક્ષા ખંડમાંથી ઉતરવહી લઈને નાસી જવા બદલ ૧+૮ પરીક્ષા રદ કરવાની સજા ફટકારાઈ છે. આ ઉપરાંત કોમર્સ ભવનના એમ.કોમ સેમ.૧ના વિદ્યાર્થી જાડેજા રાઘવેન્દ્રસિંહને પરીક્ષા ખંડમાં સુપરવાઈઝર સાથે ગેરવર્તનુક બદલ ૧+૨ પરીક્ષા રદ કરી છે. તેમજ થાનગઢની કોલેજના વિદ્યાર્થી ખાંભલા હિતેશ મોતીભાઈને પરીક્ષાની ઉતરવહીમાં બિભત્સ ગાળો લખવા બદલ ૧+૨ પરીક્ષા રદ કરવાની સજા ફટકારવામાં આવી છે.