Abtak Media Google News

42 હજાર લિટર ક્ષમતાની ટાંકી હોવા છતાં વધુ 20 હજાર લિટરની ટાંકી નાખવા નિર્ણય: કોરોના દર્દીઓના પ્રાણ બચાવવા સિવિલ હોસ્પિટલમાં રોજનો 29 હજાર લિટર ઓક્સિજનનો વપરાશ 

રાજકોટમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર રૂપ ધારણ કરી રહી છે. એક તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓ પ્રાણવાયુ માટે દોડી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં પ્રાણવાયુનો વપરાશ પણ વધ્યો છે. સિવિલમાં હાલ ઓક્સિજન વાયુના સ્ટોરેજ માટે 42,000 લિટરની ટાંકી હોવા છતાં વધુ 20,000 હજાર લિટરની ક્ષમતા વધારવામાં આવી રહી છે. શહેરમાં માત્ર સિવિલ હોસ્પિટલમાં જ રોજનો 29,000 લિટર પ્રાણવાયુનો વપરાશ નોંધાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ કાબુ બહાર વધી રહ્યું છે.

કોરોનામાં દર્દીઓ હવે પ્રાણવાયુ માટે તડફડી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. કોરોનાના દર્દીઓના ધસારા સામે પહોંચી વળવા પણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં પણ ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેના માટે ગઈ કાલે રાત્રે નોડલ ઓફિસર તરીકે ચૂંટાયેલા રાહુલ ગુપ્તા પણ સિવિલ હોસ્પિટલમાં વિઝીટ માટે આવ્યા હતા. તેઓએ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વિભાગ અને ઓક્સિજન પ્લાન્ટની મુલાકત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

રાજકોટમાં કોરોના સ્થિતિ પર કાબુ મેળવવા રાજ્ય સરકાર દ્વારા નોડલ ઓફિસર તરીકે રાહુલ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. રાહુલ ગુપ્તા દ્વારા સતત પરિસ્થિતિ પર ધ્યાન આપી દર્દીઓની સારવાર અને સુવિધામાં વધારો કરવા માટે ના પગલાં લેવામાં આવી રહ્યા છે. નોડલ ઓફિસર સતત સિવિલ હોસ્પિટલના તબીબો અને ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજી સૂચનો આપતા રહે છે. ગત રાતે પણ રાહુલ ગુપ્તા અને તેમની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં સૌથી જરૂરી પ્રાણવાયુ ઓક્સિજન પ્લાન્ટની વિઝીટ કરી તેમાં હજુ ક્ષમતા વધારવા માટે પણ સૂચનો કર્યા હતા.સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટમાં હાલ 42,000 લિટરની ક્ષમતા છે. પરંતુ તેમાં હજુ પણ વધુ 20,000 લિટરની કેપેસિટી વધારવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ પ્રાણવાયુના વપરાશમાં સતત વધારો થઈ રહ્યો છે.

સિવિલમાં રોજ 29,000 લિટર જેટલો પ્રાણવાયુનો વપરાશ પહોંચ્યો છે. રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં જ 10,000 વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે અડધા એટલે કે 5000 એક્ટિવ કેસ છે જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. કોરોનાના મોટા ભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી પ્રાણવાયુનો વપરાશ પણ બમણાથી પણ વધ્યો છે. રાજકોટમાં ઓક્સિજનની સપ્લાયનો મુદો હાલ મહત્વનો બન્યો છે. આ મામલે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઓક્સિજનની સપ્લાય માટે નાઈટ્રોજનના ટેન્કરને કામે લગાડવા માટે વિનંતી કરવામાં આવી છે. જેથી ઓક્સિજનની સપ્લાય ચેઈન વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.