Abtak Media Google News

ભારતનું પરિપક્વ લોકતંત્ર ચાર સ્થંભો પર ઉભુ છે. લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર, સુરક્ષા તંત્ર, ન્યાય તંત્ર અને અખબાર/સમાચાર માધ્યમોરૂપી આ ચારેય સ્થંભ સ્વાયતતાના ધોરણે પરંતુ એકબીજાને પુરક રહી લોકતંત્રને સંતુલીત અને સુદ્રઢ રાખે છે ત્યારે ચારમાંથી એકપણ સ્થંભમાં જરા સરખી પણ ચૂક, નબળાઈ, અસંતુલન કે એકબીજા સાથે સંકલન જાળવવામાં ચૂક રહી જાય તો લોકતંત્ર ડગમગી જાય છે. લોકતંત્ર માટે આ ચારેય સ્થંભ એકબીજાને પુરક અને વિશ્ર્વસનીયતા ધોરણે કામ કરતા રહેવા જોઈએ.

સંવિધાનને સર્વોપરી ગણી દેશનો વહીવટ ચલાવતી ચૂંટાયેલી સરકાર માટે બંધારણ અને ન્યાયતંત્ર સર્વોપરી હોય છે પરંતુ સાથે સાથે દેશના સંતુલીત સંચાલન માટે ચૂંટાયેલી સરકારની સ્વાયતતા પણ એટલી જ અનિવાર્ય છે.

છેલ્લા કેટલાક સમયથી એક યા બીજા મુદ્દે ક્યારેક-ક્યારેક કે વારંવાર લોકતંત્રના આ ચારેય સ્થંભોમાં આંતરીક મત મતાંતર અને ક્યાંક સંઘર્ષની સ્થિતિ સર્જાય છે. સરકાર, ન્યાયતંત્ર, અખબારી આલમ અને સુરક્ષા તંત્ર વચ્ચે ખેંચતાણના બનાવો વધી રહ્યાં છે ત્યારે સવાલ એ થાય છે કે, ચૂંટાયેલી સરકાર પર સુચારૂ વહીવટ માટે લોકશાહીના અન્ય ત્રણેય સ્થંભોનું પૂરેપુરૂ ધ્યાન હોવું જરૂરી છે પરંતુ સરકારી તંત્ર પર બિનજરૂરી ચંચૂપાત યોગ્ય નથી. તાજેતરમાં કોરોના મહામારીમાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે જરા વધુ પડતું તાણ આવતું રહ્યું છે. ચૂંટણીપંચે પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશની ચૂંટણી યોજી અને બાદમાં કોરોના સંક્રમણ વધવાના બનાવમાં મદ્રાસ હાઈકોર્ટે આ લહેરમાં મૃત્યુ પામનારની જવાબદારી પંચની ઠેરવતી ટીપ્પણી કરી હતી. હાઈકોર્ટો અને વડી અદાલત કેન્દ્ર સરકાર પર ઓક્સિજનની અછત, ઈંજેકશનોના કાળા બજાર, વધતા જતા મૃત્યુદરને લઈને વારંવાર પસ્તાળ પાડતી રહી છે. આજે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કરી એક વાતની બાંહેધરી માંગી છે કે, ચૂંટાયેલી સરકાર પર વારંવારનું ન્યાયતંત્રનું દબાણ જરા પણ ઉચિત નથી.

કોરોના કટોકટીમાં અત્યારે આભ ફાટ્યું હોય ત્યાં થીંગડુ ક્યાં દેવા જવા જેવી પરિસ્થિતિમાં સરકારનો ઉદ્દેશ્ય એક જ હોય છે કે, પરિસ્થિતિ જેમ બને તેમ જલ્દી કાબુમાં આવી જાય. આ કામગીરીમાં કોઈપણ પ્રકારનો અન્ય ઉદ્દેશ વગર માત્રને માત્ર જનહિતમાં કામગીરી થતી હોય છે તેવા સંજોગોમાં વારંવારની ટીપ્પણી અને ચંચૂપાત જરા પણ યોગ્ય ન હોવાનું કેન્દ્ર સરકારે મત વ્યકત કર્યો છે.

દિલ્હી અને ગુજરાતની વસ્તીમાં 2:3 જેટલો તફાવત છે. વસ્તીની દ્રષ્ટિએ બન્ને રાજ્યોની ગેસની જરૂરીયાતો અલગ અલગ હોય, દિલ્હીને ગુજરાત સાથે સરખાવી સરકારની નિષ્ઠા સામે પ્રશ્ર્ન ન ઉઠાવવો જોઈએ. ન્યાયતંત્ર, બંધારણ, કાયદાના નિયમોનું પાલન કરાવવા માટે માર્ગદર્શક છે જ પરંતુ સરકાર ચલાવવી, તંત્ર સાચવવું તે અલગ બાબત છે. સરકારની કામગીરીની કોઈ સીમા હોતી નથી. સમગ્ર દેશનું સંચાલન કરવા માટે સતત સતર્કતા જોઈએ તેવા સંજોગોમાં ન્યાય તંત્રનો દિશા નિર્દેશ આવકાર્ય છે પરંતુ ચંચૂપાત ન ચલાવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.