Abtak Media Google News

કોઠારીયા સ્ટેટના લેખના આધારે જમીનનો દસ્તાવેજ કરી આપવાની ગોંડલના રાણીસાહેબાની અરજી અપીલના બોર્ડમાં

મામલો ઉચ્ચ ન્યાયાલય સુધી પહોંચવાના એંધાણ, આ કેસનો ચુકાદો અનેક જુના ગુંચવણમાં પડેલા કેસો માટે નિર્ણાયક સાબિત થશે

1948માં સ્ટેટે કરેલા જમીનના લેખની માન્યતા કેટલી ? કલેકટરમાં આ મામલે સુનાવણી શરૂ થઈ છે. કોઠારીયા સ્ટેટના લેખના આધારે દસ્તાવેજ કરી આપવાની ગોંડલના રાણીસાહેબાની અરજી અપીલના બોર્ડમાં લેવામાં આવી છે. જો કે આ કેસ ઉચ્ચ ન્યાયાલય સુધી પહોંચે તેવા એંધાણ મળી રહ્યા છે.

બીજી તરફ આ કેસનો ચુકાદો અનેક જુના ગુંચવણમાં પડેલા કેસો માટે નિર્ણાયક સાબિત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગોંડલના રાણી સાહેબા કુમુદકુમારી જ્યોતિન્દ્રસિંહ જાડેજા કે જેઓ પાસે વર્ષ 1948નો સ્ટેટનો કોઠારીયાની જમીનની સર્વે નં.352નો લેખ છે. આ લેખના આધારે દસ્તાવેજ કરી આપવાની સબ રજિસ્ટ્રાર કચેરી ખાતેથી પ્રક્રિયા કરી આપવામાં આવતી ન હોય, કલેકટરની મંજૂરી મેળવવા તેઓએ અરજી કરી હતી. જો કે કલેકટર દ્વારા આ જમીન સરકારી હોવાનું જણાવીને સરકારના પરિપત્ર વિરુદ્ધ દસ્તાવેજ બનાવવાની પ્રક્રિયા ન થઈ શકતી હોવાનું જણાવ્યું હતું.

બાદમાં આ પ્રકરણ હાઇકોર્ટમાં પહોંચ્યું હતું. જેમાં કોર્ટે રાણી સાહેબાના પક્ષને સાંભળ્યો હતો. બાદમાં હાઇકોર્ટે પ્રોપર ચેનલમાં આવવાનું જણાવી પ્રથમ કલેકટરના અપીલ બોર્ડમાં જવાનું કહ્યું હતું. જે મુજબ રાણી સાહેબા દ્વારા કલેકટરના અપીલ બોર્ડમાં આ પ્રકરણ મુકવામાં આવ્યું છે.

એટલે 1948ના સમયના સ્ટેટના લેખના આધારે દસ્તાવેજ કરી આપવો કે કેમ તે અંગે કલેકટરમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે.

સરકારની નજરે 1947 બાદના તમામ લેખો અમાન્ય!

વર્ષ 1947માં દેશ આઝાદ થયો હતો. એટલે ત્યારબાદના સ્ટેટના લેખો સરકાર અમાન્ય ગણે છે. જો કે આ મામલે સ્ટેટનું કહેવું છે કે બંધારણનો અમલ 1950થી શરૂ થયો હતો. એટલે ત્યાં સુધીના તમામ સ્ટેટના લેખો માન્ય ગણાય. આ ગડમથલમાં ખાસ તો કોઠારીયા સ્ટેટના અનેક લેખો અત્યારે ગૂંચવણમાં પડ્યા છે.

કોઠારીયા અને વિરાણી અઘાટની અબજોની જમીનો માટે આ પ્રકરણ નિર્ણાયક

ખાસ કરીને કોઠારીયા અઘાટ અને વીરાણી અઘાટની અબજોની કિંમતની જમીનના રાજાશાહી વખતના લેખો છે. જે હાલ ગુંચવણમાં છે. જો રાણીસાહેબા લડત આપીને પોતાના તરફે ચુકાદો લઈ આવે છે તો અબજોની જમીનની ગૂંચવણ દૂર થાય તેમ છે.

સ્ટેટના 1948ના લેખવાળી જમીનના સરકારે પણ કબજા લીધા નથી

રાજકોટ જિલ્લામાં સ્ટેટના 1948ના લેખવાળી અનેક જમીનો છે. જેના દસ્તાવેજ થઈ શકે તેમ નથી. તંત્રની ભાષામાં આ જમીનને સરકારી ગણવામાં આવે છે. પણ બીજી તરફ એ પણ હકીકત છે કે આવી જમીનના સરકારે કબજા પણ લીધા નથી. એટલે કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ સરકાર આ મુદ્દે હકારાત્મક નિર્ણય લ્યે તો નવાઈ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.