Abtak Media Google News

પડતર પ્રશ્ર્નોના ઉકેલ પ્રત્યે સરકારે હકારાત્મક અભિગમ ન દાખવતા સંગઠન હડતાલ માટે મક્કમ : 8500 તલાટીઓના હળતાલમાં જોડાવાથી 18 હજારથી વધુ ગામોનો વહીવટ ખોરવાશે

પડતર પ્રશ્ર્નો ઉકેલવાની માંગણી સાથે તલાટી કમ મહામંડળ દ્વારા આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવનાર છે. આ હડતાલને કારણે 8500 જેટલા તલાટી કમ મંત્રીઓ કામથી અળગા રહેશે.જેને પરિણામે રાજ્યના 18700 ગામોનો વહીવટ ખોરંભે મુકાશે.

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી અને  ઉપપ્રમુખ ચિરાગભાઇ ગેરૈયાએ જણાવ્યું હતું કે, તલાટી મહામંડળે આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે જેમાં વર્ષ 2004થી 2006 સુધીની ભરતીના તલાટી મંત્રીઓની 5 વર્ષની ફિકસ નોકરી સળંગ ગણવા, સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવામાં આવતા તારીખ 1/1/2016 ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારું પરીક્ષા રદ કરવા, રેવન્યુ તલાટીને પંચાયત તલતીમાં મર્જ કરવા અથવા તો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે, તા.1/1/2016 બાદ મળવાપાત્ર પ્રથમ તથા દ્વિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવી, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અને જો સોંપવામાં આવે તો વધારાનું ભથ્થું આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

તલાટીઓની વણઉકેલ માગણીઓ અંગે સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હકારાત્મક પગલાં લેવામાં આવતા ન હોવાથી તા.2જી ઓગસ્ટથી તલાટીઓ દ્વારા અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાલનું એલાન અપાયું છે.

રાજ્યમાં હાલ 8500 તલાટી કમ મંત્રીઓ કાર્યરત છે, જે હડતાલ અંતર્ગત કામગીરીથી અલિપ્ત રહશે જેથી કુલ 18700 ગામડાંઓમાં સરકારી સ્તરે ખેડૂતોના વિવિધ દાખલા સહિતની તમામ કામગીરી ખોરવાઇ જશે. હડતાલ પાડવાને એક દિવસનો સમય બાકી છે, તેમ છતાં હજુ સરકાર દ્વારા કોઇ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો નથી જેના કારણે તલાટીઓ હડતાલ પાડવા મક્કમ છે.

 તલાટીઓ હર ઘર તિરંગા અભિયાન અને ડિઝાસ્ટરને લગતી કામગીરી કરશે

તલાટી કમ મંત્રીઓ આવતીકાલથી હડતાલ ઉપર ઉતરવાના છે. પણ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાવાનું છે. આ અભિયાન રાષ્ટ્રભાવના સાથે સંકળાયેલુ હોય હડતાલ હોવા છતાં તલાટીઓ તેની કામગીરીમાં જોડાશે. આ ઉપરાંત ડિઝાસ્ટરને લગતી કોઈ કામગીરી હશે તો તેમાં પણ તલાટીઓ જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.