- માર્કેટીંગ યાર્ડની 14 બેઠકો માટે 36 ઉમેદવારો મેદાનમાં: ભાજપ વિરૂધ્ધ ભાજપ વચ્ચે જંગ: આવતીકાલે મત ગણતરી
વિશ્ર્વભરમાં જીરાની રાજધાની ગણાતા ઉંઝા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીના મતદાનમાં આજે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ભાજપના બે નેતાઓ વચ્ચે રોમાંચક જંગ જામી છે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે સવારથી મતદાન ચાલી રહ્યું છે. મતદાનના બે દિવસ અગાઉ જ મતદારોને અજ્ઞાત સ્થળે લઇ જવા આવ્યા હતા. દરમિયાન અજ્ઞાત સ્થળેથી મતદારોને સિધ્ધા જ બૂથ પર લઇ આવવામાં આવ્યા હતા. યાર્ડની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હોવા છતા ડખ્ખો શાંત થવાના બદલે વધુ વકર્યો છે.
14 બેઠકો માટે 36 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. આજે સાંજ સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. દરમિયાન આવતીકાલે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. કાલે બપોર સુધીમાં પરિણામ આવી જશે.
ઉંઝા માર્કેટીંગ યાર્ડ “જીરા” માટે વિશ્ર્વભરમાં ખૂબ જ પ્રસિધ્ધ છે. યાર્ડની ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. 14 બેઠકો માટે 36 ઉમેદવારો વચ્ચે રોમાંચક જંગ જોવા મળી રહ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 260 મતદારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 803 મતદારો છે. ભાજપના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને ભાજપના નેતા દિનેશભાઇ પટેલ પેનલ વચ્ચે મુખ્ય ટક્કર છે. ભાજપ દ્વારા દિનેશ પટેલની પેનલના ઉમેદવારોને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યા હોવા છતા કિરીટભાઇ પટેલની પેનલના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ન ખેંચતા યાર્ડની ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ ભાજપ જેવો જંગ જોવા મળી રહ્યો છે.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો રોમાંચક મૂકાબલો જોવા મળી રહ્યો છે. મતદાનના બે દિવસ પૂર્વ જ બન્ને પેનલોએ પોતાના સમર્થક મતદારોને અજ્ઞાત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. આજે સવારે મતદારોને અજ્ઞાત સ્થળેથી ડાયરેક્ટ બૂથ સુધી લાવવામાં આવ્યું હતું. ભારે રોમાંચકતા પ્રવર્તી જવા પામી છે. આજે સાંજ સુધી મતદાન ચાલનારૂં હોય યાર્ડની અંદર મતદાન બૂથ પર અને યાર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભાજપ હાઇકમાન્ડ દ્વારા ઉંઝા માર્કેટીંગ યાર્ડની ચુંટણી સમરસ બને તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ બે માંથી એકપણ નેતા નમતું તોળવા તૈયાર ન થતા અંતે પક્ષ દ્વારા ઉંઝા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જો કે, મેન્ડેટ આપ્યા બાદ પણ માહોલ શાંત થવાના બદલે વધુ રસપ્રદ બન્યો હતો. ખેડૂત વિભાગની 10 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો એમ કુલ 14 બેઠકો માટે 36 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બન્ને વિભાગના 1063 મતદાર છે.
ઉંઝા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું આજે મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. મંગળવારે બપોર સુધીમાં પરિણામ આવી જશે. હાલ ભાજપ દ્વારા જે પેનલને મેન્ડેટ આપવામાં આવ્યા છે. તેનું જોર વધુ દેખાય રહ્યું છે. જો કે મત ગણતરીના દિવસે ખબર પડશે કે કોણ કેટલું પાણીમાં છે.