કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં સેંકડો લોકો ઉમટ્યાં

ચૌધરી હાઇસ્કૂલથી કલેક્ટર કચેરી સુધીની વિશાળ રેલી: ગુજરાતની ગરિમા પૂન: સ્થાપિત કરવા કાર્યકરોએ લીધા સોંગધ

બેરોજગારી, મોંઘવારી, ભરતીકાંડ, ડ્રગ્સ સહિતના અનેક મુદ્દે ઘેરાયેલી ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તનનો પવન ફૂંકવા રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ, રાજકોટ શહેર યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ તથા એન.એસ.યુ.આઈ.ના નેજા હેઠળ આજે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાંથી વિશાળ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો કાર્યકરો આ પરિવર્તન રેલીમાં જોડાયા હતાં.

કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનમાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સર્વત્ર અત્યારે અરાજકતા અને ડરનો માહોલ છે. સરકારની અને ભાજપની મનમાની સામે જનતા લાચાર બની ગઈ છે.

એક તરફ બેકારીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે બીજી તરફ ઈ-મેમો, હેલ્મટ કે અન્ય અવનવા નવા-નવા ગતકડાઓ થકી સરકાર જનતાને ખુલ્લે આમ લૂંટી રહી છે. આટલું ઓછું હોય તેમ ખાદ્ય પદાર્થોથી માંડીને પેટ્રોલ – ડીઝલ સુધી તમામ ચીઝ વસ્તુઓના ભાવ રોકેટ ગતિએ વધતા જ રહે છે. મોંઘવારીના વિષચક્રમાં મજૂરથી માંડીને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. ખેત ઉત્પાદનનાં પૂરતા ભાવો મળતા નથી. ખાતરથી માંડીને ખેત ઓઝાર સુધી તમામ વસ્તુઓના ભાવો ડબલથી પણ વધારે થઈ જવાથી ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આવી જ દયનીય હાલત નાના ઉદ્યોગકારો અને વેપારીઓની છે. જી.એસ.ટી.નાં ગાળીયામાં ફસાયેલો વેપારી વર્ગ અને નાના ઉદ્યોગકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. છતાંય ભાજપ સરકાર લાખો-કરોડોના ખર્ચ કરીને વાહ-વાહ કરવામાંથી બાકાત રહેતી નથી. જેથી સામે કોંગ્રેસની પરિવર્તન યાત્રાએ ખુલ્લો જંગ શરૂ કર્યો છે.

ગાંધીના ગુજરાતમાં અનેક લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ સામાન્ય બનવા લાગી છે. આટલું ઓછું હોય તેમ કચ્છનાં મુંદ્રા બંદરેથી કરોડોનું ડ્રગ્સ ઝડપાવવાનો શિલશિલો શરૂ થયો છે.

કોંગ્રેસની તમામ પાંખના હોદ્દેદારો – કાર્યકરોએ ખભે-ખભ્ભા મિલાવી હજારો લોકો સાથેની આ પરિવર્તના યાત્રામાં જોડાઈને ગુજરાતની ગરિમાને પુન: પરત લાવવાના સોગંદ લીધા હતા.

આ પરિવર્તન યાત્રામાં સૌરાષ્ટ્રના પ્રભારી રામક્રિષ્ન ઓઝા, કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, લલિતભાઈ કગથરા, અમરીશભાઈ ડેર, રૂત્વિકભાઈ મકવાણા, નવસાથભાઈ સોલંકી, ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત એન.એસ.યુ.આઈ. પ્રમુખ નરેન્દ્ર સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડીયા, પરિવર્તન રેલીનાં ક્ધવીનર ડો. રાજદિપસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી, રેલી સંકલન સમિતિના સભ્ય જશવંતસિંહ ભટ્ટી, મુકેશભાઈ ચાવડા, હિતેશભાઈ વોરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા અને ગાયત્રીબા વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂત, અશોક ડાંગર, ડી.પી. મકવાણા, ભરત મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, મહિલા જિલ્લા કોગ્રેસ પ્રમુખ ચાંદનીબેન, યુથ કોગ્રેસ શહેર/જિલ્લા હરપાલસિંહ જાડેજા, અલ્પેશ સાધરીયા, નરેશ સાગઠીયા, હાર્દિક રાજપૂત, આદિત્યસિંહ ગોહિલ, યુનુસ જુણેજા, રણજિત મુંધવા અને શહેર કોંગ્રેસ વોર્ડ પ્રમુખ તથા કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.