નજીવી બાબતે ઝઘડો થતાં પતિએ લીધો પત્નીનો જીવ: રસોઈ બનાવતી પત્નીને પાછળથી આવી ઝીંકી દીધા છરીના ઘા

પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડાઓ તો થતાં જ હોય છે પરંતુ દ્વારકામાં એક પતિ-પત્નીના સામાન્ય ઝઘડામાં પતિએ પોતાની પત્નીને છરીના ઘા ઝીંકી દીધા. ઘટના દ્વારકા જિલ્લાના મીઠપૂરની છે જ્યાં પત્ની રસોડામાં રસોઈ બનાવતી હતી અને પતિએ પાછળથી આવીને છરીના ઘા મારીને પત્નીની ક્રુરતાથી હત્યા કરવામાં આવી છે.

આ બંને પતિ-પત્ની મીઠાપુરમાં આવેલી બાલમુકુંદ પાંજરાપોળ પાસે રહેતા હતા. પતિનું નામ પ્રવીણભાઈ કંકોડિયા અને પત્નીનું નામ નીતાબેન પ્રવીણભાઈ કંકોડિયા હતું. નીતાબહેનની ઉંમર 34 વર્ષના હતી. ગતરાત્રે આ મહિલા પોતાના ઘરે રસોઈ બનાવી રહી હતી, ત્યારે તેનો પતિ ઘરમાં આવ્યો અને પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બંનેની આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને નિતાબેનના પતિએ મગજ ગુમાવતાં પોતાની પત્નીનો જીવ લઈ લીધો. તેણે પોતાની પાસે રહેલી છરીના બેફામ ઘા નીતાબેનને ઝીંકી દીધા હતા.

નિતાબહેનને લોહિલોહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડા સમય બાદ તેમને સ્થાનિક તબીબોએ મૃત જાહેર કર્યા. મૃતક મહિલાના મામા નાનાભાઈ નાથાભાઈ કંકોડીયા પ્રવીણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે પ્રવીણ જેસંગભાઈ કંકોડીયા સામે હત્યા કરવાના ગુનામાં કલમ 302 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ સ્થાનિક પી.આઈ. જે.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવ બનતા ડી.વાય.એસ.પી નીલમબેન ગોસ્વામી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતકનું પોસ્ટમોર્ટમ સહિતની વિવિધ દિશાઓમાં જરૂરી કાર્યવાહી કરી હતી. પતિ દ્વારા પત્નીની નિર્મમ હત્યાના બનાવે આ વિસ્તારમાં ચકચાર જગાવી છે.