મારા સિનિયર-જુનિયર પાસેથી ઘણું શીખ્યો છું : અભિનેતા ફિરોઝ ઈરાની

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઇજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંઘ સિઝન 3 માં ગઈકાલે ગુજરાતી રંગભૂમિના સુપ્રસિદ્ધ કલાકાર ફ્રી ફિરોઝ ઈરાની પધાર્યા હતા.

ગુજરાતી તખ્તાથી માંડીને ગુજરાતી અને હિન્દી ફિલ્મ સુધી જેમણે અવિરત સફર કરી છે. સાથેે દરેકે મોટા નામાંકિત કલાકારો સાથે કામ કર્યું છે. તેવા ખુબજ અનુભવી કલાકાર ફિરોઝ ભાઈ ઈરાની નો વિષય હતો “કલાકારની દીર્ધ દ્રષ્ટિ” પોતાના વક્તવ્યની શરૂઆત કરતા પહેલા ફિરોઝ ભાઈ એ જણાવ્યું કે હું આઠ વર્ષનો હતો ત્યારથી મેં નાટકમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મારા પિતાજી ની નાટક  કંપની હતી.

જેનું નામ હતું “લક્ષ્મી કલા કેન્દ્ર” જે 1940 થી 1965 સુધી લક્ષ્મી કલા કેન્દ્ર તરીકે ચાલી. જેમાં આઠ વર્ષની ઉંમર મેં સૌપ્રથમવાર સ્ટેજ ઉપર પગ મૂક્યો. પ્રેક્ષકોને જોઈને હું ગભરાઈ બેકસ્ટેજ માં ભાગ્યો ત્યારે મારા પપ્પાએ મને કહ્યું કે જા પાછો જા અને તરત સ્ટેજ પર પાછો આવ્યો. ફરી ઓડિયન્સને જોઇને હું ગભરાઈ ગયો ત્યારે ઘનશ્યામ નાયક આજના નટુકાકાના પિતા પ્રભાકર નાયકે મને ઉપાડી લીધો. અને મારી સાથે રમવા લાગ્યા અને મને ધીરે ધીરે કાનમાં કહ્યું કે તારે આમ કહેવું હતું..તારે તેમ કહેવું હતું એમના કહેવાથી મને હિમ્મત આવી અને ત્યાંથી નાટકની શરૂઆત થઈ.

ત્યાર બાદ 14 વર્ષે રામની સુમતિ નામના નાટકમાં બીજીવાર અભિનય કર્યો જેમાં મારી સાથે બેન અરુણા ઈરાની, દિપક ઘીવાલા વગેરે કલાકારો હતા. એમની સાથે કામ શીખવા મળ્યું .ત્યારબાદ વણઝારી વાવ નામના નાટકમાં એક જ દિવસમાં નાટકના બીજા કલાકારનું રિપ્લેસમેન્ટ કર્યું. જે નાટક 300 શો સુધી ચાલ્યું. અને જેના પરથી ફિલ્મ પણ બની. ચંદ્રકાંત સાંગાણી સાથે કામ કર્યું. અબોટ યૌવન નામના નાટકમાં મારી સામે ઝંખના દેસાઈ હતા. અને હું મેઈન રોલમાં. નિર્માતા હતા  જરીવાલાના પપ્પા સમતભાઈ જરીવાલા.

ત્યારબાદ ઘૂંઘટ નામનું નાટક કર્યું જે નાટક પરથી ફિલ્મ બની ખિલૌના જેમાં સંજીવકુમાર અભિનય કર્યો હતો નાટકમાં ખલનાયક તરીકે હું સફળ થયો ત્યારબાદ પરણ્યા એટલે પ્યારા લાડી નામના નાટકમાં સત્યેન કપ્પુ જે કલાકાર તરીકે સ્ટેજ પર શાયરીઓ બોલતા જે ખૂબ વખણાતી. એ જોઇને હું જીગર અને અમી નામના નાટકમાં વૃદ્ધ ખલનાયક કલાકાર નું પાત્ર ભજવવા નું હતું ત્યારે પ્રથમવાર સ્ટેજ પર  હિંમત કરીને સંવાદની સાથે હું શાયરી બોલ્યો. જે પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી અને મારું પાત્ર ખૂબ જ વખાણાયું હતુ.

નાટકોના અજબ અનુભવો અને ગજબ સમયની વાત  ફિરોઝભાઈએ કરી અને નામાંકિત કલાકારો પાસેથી ખુબ શીખવા અને જાણવા મળ્યું. જે આજેય જીવનમાં કામ આવે છે. આજનું આ સેશન ખરેખર જોવા જેવું છે જેમાં ફિરોઝ ભાઈએ પોતાના અનુભવોની સાથે સાથે પ્રેક્ષકોના સવાલોના જવાબ પણ આપ્યા. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

આજે જાણીતા લેખિકા અર્પિતા ધગત લાઈવ આવશે

ગુજરાતી તખ્તા-રંગમંચ સાહિત્ય  સર્જન ક્ષેત્રે લેખિકા અર્પિતા ધગતનું નામ મોખરે છે. તેઓ એક  સારા પરફોર્મર  અને પરફોર્મન્સ મેકર છે. કોકોનટ થિયેટરની આજની ચાય-વાય રંગમંચ શ્રેણીમાં સાંજે 6 વાગે તેઓ લાઈવ  આવીને ‘ઈમ્પ્રેસીવ   થિયેટર’ વિષયક ચર્ચા  અને અનુભવો  શેર કરશે.

ગુજરાતી તખ્તાના  ઘણા અનુભવી કલાકારોના માર્ગદર્શન  કારણે ઘણા કલાકારો તૈયાર થયા છે. એકેડેમીક સેશનના  કારણે નાટ્ય કલા તથા રંગભૂમિના વિવિધ ભાષાનું શિક્ષણ  યુવા કલાકારો  મેળવી રહ્યા છે. લેખિકા અર્પિતા ધગતને ઘણા એવોર્ડ સન્માન મળેલ છે.