Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

મુખ્યમંત્રી પદ ત્યજી દીધા બાદ હવે કેપ્ટન અમરિન્દર સિંઘે મંગળવારે પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. એક મહિના સુધી પક્ષ સામે નારાજી જાહેરમાં વ્યક્ત કર્યા બાદ વલણ તેમણે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો છે. કેપ્ટન અમરિન્દર સિંઘે પહેલા જ અલગ પાર્ટી બનાવી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી પદેથી હટ્યા પછી કેપ્ટન અમરિન્દર સિંઘના સૂર અલગ જ હતા. જોકે, પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પર નવજોત સિંઘ સિદ્ધુની વરણીએ તેમને ઘણા નારાજ કર્યા હતા. તે પછી સિદ્ધુ તેમજ કેપ્ટન અમરિન્દર વચ્ચે તલવારો ખેંચાઈ હતી. બાદમાં કેપ્ટન અમરિન્દર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે, તેમણે પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે.  પહેલા જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, વિધાનસભા ચૂંટમી 2022માં તે પોતાની પાર્ટીની સાથે ચૂંટણી જંગમાં ઉતરશે. તેમણે પોતાની પાર્ટીનું નામ પંજાબ લોક કોંગ્રેસ રાખ્યું છે. પંજાબ લોક કોંગ્રેસ રાજ્યની બધી બેઠકો પર પોતાના ઉમેદવાર ઊતારી શકે છે. કેપ્ટન અમરિન્દર સિંઘે પહેલા જ તેના સંકેત આપ્યા હતા.

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામામાં કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંઘ સિદ્ધુ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, નવજોત સિંઘ સિદ્ધુને અધ્યક્ષ બનાવવાનું નુકસાન પાર્ટી ભોગવશે. કેપ્ટન અમરિન્દર સિંઘના વલણથી કોંગ્રેસને રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓમાં ઝટકો લાગી શકે છે. મંગળવારે દિવસ દરમિયાન સિદ્ધુ અને ચરણજીત સિંઘ ચન્ની એકસાથે કેદારનાથ ધામ પહોંચ્યા પછી સ્થિતિ સુધરવાના સંકેત મળી રહ્યા હતા. તો, સાંજ થતા-થતા કેપ્ટન અમરિન્દર સિંઘે મોટો ઝટકો આપી દીધો.

સોનિયા ગાંધીને મોકલેલા પોતાના રાજીનામામાં કેપ્ટને કહ્યું કે, 52 વર્ષના લાંબા રાજકીય જીવનમાં તમે મને કે મારા ચરિત્રને યોગ્ય રીતે સમજ્યું નથી. હું આટલા વર્ષોથી કોંગ્રેસની સેવા કરી રહ્યો છું અને તમે મને એકલો પાડવાનો પ્રયાસ કર્યો તેમણે કહ્યું કે, હું ટાયર નથી થયો કે રિટાયર નથી થયો. મને લાગે છે કે, પંજાબને આપવા માટે મારી પાસે હજુ ઘણું છે. હું એક સૈનિકની જેમ આગળ વધવા ઈચ્છું છું અને હું પીછેહટ ન કરી શકું.

તેમણે સ્પષ્ટ રીતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, હું તમારા બાળકોના આચરણથી ઘણો દુ:ખી છું. તેમન હું અત્યારે પણ એટલો જ પ્રેમ કરું છું, જેટલો મારા બાળકોને કરું છું. પૂર્વ પીએમ રાજીવ ગાંધી સાથેની યાદોને વાગોળતા કેપ્ટન અમરિન્દરે લખ્યું છે કે, અમે લોકો વર્ષ 1954માં એક સાથે એક સ્કૂલમાં ભણતા હતા. આજથી 67 વર્ષ પહેલા તેમના પિતા સાથેની યાદો તાજી છે. તેમણે ગત મહિનામાં થયેલા અપમાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોઈ અન્ય સીનિયર કોંગ્રેસી આજ સુધી આ પ્રકારે અપમાનનો ભોગ નથી બન્યું, જેટલો હું બન્યો છું. મને અડધી રાતે કાવતરૂ ઘડીને પદ ઉપરથી હાંકી કઢાયો હતો. જે હું ક્યારેય નહીં ભૂલું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.