સૌરાષ્ટ્રમાં જિલ્લા દીઠ ર0 ઇંચ વરસાદ નહીં પડે તો વરસ ‘આકરૂ’

કોરોના સામે બાથ ભરી રહેલી રૂપાણી સરકાર સામે વધુ એક પડકાર

ભર ચોમાસે જ જળાશયોના તળીયા દેખાવા લાગ્યા જેમ તેમ કરી શિયાળો નીકળી જશે પરંતુ ઉનાળામાં સૌરાષ્ટ્રના ગામે ગામેથી કટોકટી સર્જાવાની દહેશત

છેલ્લા દોઢ વર્ષથી કોરોના સામે મજબૂતાઇથી લડી રહેલી રૂપાણી  સરકાર સામે વધુ એક પડકાર મોઢુ ફાડીને ઉભો છે. આગામી દિવસોમાં જો સૌરાષ્ટ્રમાં જીલ્લા દીઠ કમસેકમ ર0 ઇંચ જેટલો વરસાદ નહી પડે તો આખુ વરસ કાઢવું આકરુ બની જશે પાણી અને ઘાસચારાની તિવ્ર અછત ઉભી થશે. ભર ચોમાસે હાલ જળાશયોના તળીયા દેખાવા લાગ્યા છે. જો એક સપ્તાહમાં સાર્વત્રિક અને સંતોષકારક વરસાદ નહી વરસે તો પાક પણ નિષ્ફળ જવાની ભીતી ઉભી થવા પામી છે.

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં  આ વર્ષ મેઘરાજા જાણે હાથતાળી આપી ને જતા રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો ચોકકસ જામે છે પરંતુ આ વાદળો મન મૂકીને વરસતા નથી. વરસાદ ખેંચાવાના કારણે જળાશયો ખાલી ખમ્મ થઇ જવા પામ્યા છે. જેના કારણે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 48 ટકા જળ જથ્થો ઉપલબ્ધ છે. જેમાં ડેડવોટરને બાદ કરતા માત્ર 44 ટકા પાણી જ ઉપયોગમાં લઇ શકાય તેમ છે. કચ્છના જળાશયોમાં માત્ર રર ટકા જ પાણી છે. જેમાંથી ડેડ વોટરને બાદ કરતા માત્ર 14 ટકા જ પાણી ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

પાણી ઉપરાંત ઘાસચારાની પણ જબરી અછત સર્જાશે, હવે એકાદ સપ્તાહમાં સંતોષકારક વરસાદ નહીં વરસે તો પાક નિષ્ફળ જશે

સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 48 ટકા જ પાણી જેમાંથી ડેડવોટરને બાદ કરતા માત્ર 44 ટકા પાણી ઉપયોગમાં લઇ શકાશે: સરદાર સરોવરની હાલત પણ સારી નથી

ઉતર ગુજરાતની સ્થિતિ પણ કંઇક આવી જ છે. અહીં જળાશયોમાં ર4 ટકા પાણી છે જેમાંથી માત્ર 19 ટકા પાણી ઉપયોગમાં લઇ શકાય તેમ છે મઘ્ય ગુજરાતના જળાશયોમાં 4ર ટકા પાણી છે. જેમ)ં જીવંત જળજથ્થો 39 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના ડેમોની સ્થિતિ પ્રમાણમાં થોડી સારી છે. અહી જળાશયોમાં પ0 ટકા પાણી છે. જેમાંથી 46 ટકા પાણી ઉપયોગમાં લઇ શકાય તેમ છે. રાજયના સૌથી મોટા જળાશય એવા સરદાર સરોવર ડેમમાં માત્ર 46 ટકા જળ જથ્થો ઉપલબ્ધ છે. જેમાંથી માત્ર 11 ટકા પાણી ઉપયોગમાં લઇ શકાય તેમ છે રાજયના જળાશયોમાં માત્ર 47 ટકા જ પાણી છે. જેમાંથી 34 ટકા જ પાણી ઉપયોગમાં લઇ શકાય તેમ છે. આ વર્ષ આજ સુધીમાં ગુજરાતમાં માત્ર 37 ટકા વરસાદ પડયો છે. ગત વર્ષ આ સમય ગાળામાં રાજયમાં 77 ટકા વરસાદ વરસી ગયો હતો. જયારે 2019માં 86 ટકા વરસાદ પડયો હતો. ઓગષ્ટ માસમાં સરેરાશ 14 મીમી વરસાદ પડયો છે.

વરસાદ માટે ઘોરી મનાતા જુલાઇ માસમાં માત્ર સરેરાશ 177 મીમી પાણી પડયું છે. નૈત્રત્વના પહેલા આગમન બાદ વરસાદે લાંખો વિરામ લેતા રાજયભરમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. આજથી ચોમાસુ ફરી સક્રિય થશે તેવી આગામી આપવામાં આવી છે. આગામી એક સપ્તાહ સુધી રાજયમાં મેઘાવી માહોલ રહેશે તેવી સંભાવના પણ છે.

પરંતુ સૌરાષ્ટ્ર માટે હવે હળવાથી મઘ્યમ વરસાદથી ચાલે તેમ નથી ભારેથી અતિ ભારે વરસાદથી સૌરાષ્ટ્રની જળ જરુરીયાત સંતોષી શકે તેમ છે. સૌરાષ્ટ્રના 11 જીલ્લાઓમાં ર0 ઇંચથી પણ વધુ વરસાદ પડે તો જ જળાશયોમાં આખુ વર્ષ ચાલે તેટલા પાણીની આવક થાય અને આવતા વર્ષ  ચોમાસા સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા ઉભી ન થાય જો સૌરાષ્ટ્રમાં જીલ્લા દીઠ ર0 ઇંચ વરસાદ નહી પડે તો જળાશયોમાં પાણીની આવકની સંભાવના જ નહિવત છે કારણ કે હજી નાના ચેકડેમો પણ છલકાયા નથી જેના કારણે મોટા જળાશયોમાં પાણીની આવક થતી નથી.

છેલ્લા દોઢ વર્ષથી કોરોના સામે તમામ મોરચે લડી રહેલી રૂપાણી સરકાર સામે હવે પાણીની સમસ્યા મોઢુ ફાડીને ઉભી છે જો વરસાદ નહી પડે અથવા અપુરતો પડશે તો જ શિયાળો તો જેમ તેમ કરી પસાર થઇ જશે પરંતુ ઉનાળો કાઢવો સૌરાષ્ટ્રવાસીઓમાં આકરો બની જશે. પાણીના વાંકે સૌરાષ્ટ્રવાસીઓએ હિજરત કરવી પડે કે દિવસો ભૂતકાળ બની ગયા છે. પરંતુ આ વર્ષ મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા ફરી આવા કપરા દિવસો આવશે તેવસ કલ્પના પણ લોકોને ધ્રુજાવી દે છે. સૌરાષ્ટ્રમા આજ સુધીમાં મૌસમનો 34.13 ટકા વરસાદ વરસ્યો છે કટકે કટકે પડેલા વરસાદના કારણે જળાશયોમાં નોંધ પાત્ર પાણીની આવક થવા પામી નથી. જો પાછોતરાો વરસાદ અનરાધાર નહીં રહે તો સ્થિતિ વધુ ચિંતાજનક બનશે.

સૌરાષ્ટ્રમાં ગુરૂવારથી ફરી મેઘરાજાનું આગમન શનિવારથી વરસાદનું જોર વધશે

ચોમાસુ ફરી સક્રિય: બંગાળની ખાડીમાં બનેલું સાયક્લોનીક સરક્યુલેશન લો-પ્રેશરમાં ફેરવાયું

છેલ્લા દોઢ માસથી મેઘરાજાની ચાતક નજરે રાહ જોઇ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે હૈયે ટાઢક આપતા વાવડ મળી રહ્યાં છે. બંગાળની ખાડીમાં એક નવુ સાયક્લોનીક સરર્ક્યુલેશન સર્જાયુ છે જે આગામી કલાકોમાં લો-પ્રેશરમાં પરિવર્તીત થશે. જેની અસર તળે ગુજરાતમાં આવતીકાલથી ચોમાસુ ફરી સક્રિય થશે. કાલે દક્ષિણ ગુજરાતમાં અને 19 થી 21 દરમિયાન સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઓગષ્ટ માસના અંત સુધીમાં રાજ્યભરમાં સંતોષકારક વરસાદ પડી જશે. તેવી આશા બંધાય છે.

આજથી વાતાવરણમાં પલ્ટો આવશે. લોકલ ફોર્મેશનના કારણે આજે છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષ નૈઋત્યના ચોમાસાના વહેલા આગમન બાદ મેઘરાજાએ લાંબો વિરામ લઇ લીધો છે. છેલ્લા બે માસથી રાજ્યમાં મેઘ વિરામ જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. વચ્ચે એક સામાન્ય રાઉન્ડમાં બે-ત્રણ દિવસ વરસાદ પડ્યો હતો. જેના કારણે મુરજાતી મોલાતને જીવનદાન મળ્યું હતું. વરસાદના બે રાઉન્ડ બાદ પણ હજી રાજ્યના અનેક જળાશયોમાં પાણીની આવક થવા પામી નથી. વરસાદ ખેંચાવાના કારણે હવે સિંચાઇ તો ઠીક પીવાના પાણીની પણ ખેંચ વર્તાવા લાગી છે.

નર્મદાના નીર પર નિર્ભર રાજકોટ સહિતના શહેરો અને ગામોની સ્થિતિ ચિંતાજનક બની જવા પામી છે. આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 12 તાલુકાઓમાં હળવા ઝાંપટાથી લઇ અર્ધો ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ઓગષ્ટ માસ અડધો વિતી જવા છતા રાજ્યમાં માત્ર 37.12 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે. બે તાલુકાઓ તો એવા છે જ્યાં હજી સુધી બે ઇંચ વરસાદ પણ પડ્યો નથી. બંગાળની ખાડીમાં સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયુ છે જે આગામી 24 કલાકમાં લો-પ્રેશરમાં પરિવર્તીત થશે.

ગુજરાતમાં આજથી ચોમાસુ ફરી સક્રિય થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બુધવારે અને ગુરૂવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદ પડશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, આણંદ, સાંબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. શુક્રવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર વધે તેવી શક્યતા જણાઇ રહી છે. લાંબા સમય બાદ મેઘરાજાનું ફરી આગમન થવાના સુખદ એંધાણ વર્તાય રહ્યાં છે.