માણસ દ્રઢ નિશ્ર્ચય કરે તો ધારે એ કામ કરી શકે: મંત્રી જાડેજા

ભાણવડના ધુમલીમાં સ્થાપત્યોના પુસ્તકનું વિમોચન કરતા પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

માણસ જ્યારે જે કામ માટે દ્રઢ નિશ્ર્ચય કરે તે માટે મહેનત કરે તો તે કામ પાર પાડી શકે છે તેમ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભાણવડ તાલુકાના ધુમલી ખાતે ધુમલીના સ્થાપત્યોના પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું હતું. ભાણવડ તાલુકાના ધુમલી ખાતે વિધ્યવાસીની માતાજીના મંદિરે વિરદેવસિંહ જેઠવા લિખિત ધૂમલીના સ્થાપત્યો પુસ્તકનું રાજયના અન્ન નાગરીક પુરવઠો ગ્રાહકોની બાબતો અને કુટિર ઉધોગ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિમોચન કરવામાં આવ્યું હતું.

મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જેઠવા સમાજના ભૂતકાળને વાગોળતા ઇતિહાસને ઉજાગર કરતી વાતો આ પુસ્તકમાં કરાઇ છે. વિરદેવસિંહનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતુ કે માણસ જયારે નકકી કરે કે મારે અહીં પહોંચવું છે ત્યારે તે ત્યાં પહોંચી શકે છે. કપરી પરિસ્થિતિનો સામનો કરીને લેખકે આ પુસ્તક તૈયાર કર્યું છે. આપણા વંશજોએ જે કર્યું છે તે આપણે વાંચીએ તો રૂવાડા ઉભા થઇ જાય એવા રાજપુત સમાજનો ઇતિહાસ છે. દશેરામા આપણે શસ્ત્રપુજના કરીએ છીએ ત્યારે ક્ષાત્રવૃત્તિ સમાજમાં સ્થિર થવી જોઇએ એ ઉદેશ્ય છે. બરડા ડુંગરનો ઇતિહાસ ઉજળો છે રાજય સરકાર પણ ઇતિહાસને ઉજાગર કરવા પ્રયત્નશીલ છે. આ પુસ્તકને તૈયાર કરવામાં વિરદેવસિંહને મદદ કરનાર દિલીપસિંહ પરમાર, દશરથભાઇ વારોતરીયા, લકીરાજસિંહ અને કરશનભાઇ ઓડેદરાને પણ અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે, આ સંસ્કુતિ જાળવવી આપણા માટે અગત્યની છે રાજપુત સમાજે આમાંથી શીખ લઇને ઘણું કરવાનું છે આજના મિડીયાના યુગમાં એની સાથે તાલ મીલાવતા રહિને પણ આપણી રહેણી કરણી કેવી હોવી જોઇએ, પહેરવેશ ઉપરથી ખબર પડવી જોઇએ કે આપણે કયાં સમાજના છીએ એ હજુ આવનાર કપરા કાળમાં પણ ભવિષ્યની ચિંતા સેવાઇ રહી છે ત્યારે આ યુગમાં જ્ઞાન વગર ગોષ્ઠી ન થાય ત્યારે સંસ્કૃતિ જાળવીને કામ કરવાનું છે. આ સંસ્કૃતિ જાળવવી હશે તો વિરદેવસિંહ બનવું પડશે. સંસ્કૃતિના મહેલ ચણવા અધરા છે તે કામ તેઓએ કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.