Abtak Media Google News

‘તો પછી ચાંપરાજવાળો એનું ફોડી લેશે … તમારે શું કામ પારકી પછેડી ઓઢવી જોઈએ ?’ અલણદેએ પોતાનો કક્કો ચાલુ રાખ્યો

 

ભાંગેલુ દિલ !

 

માનુનીનું મન જીતવા માટે આ રીતે સહેલાઈથી સફળતા મળી જશે એવું નાગવાળાએ  કલ્પ્યું  નહોતું . એના મનને થયું , નારી ગમે તેવી તેજસ્વી હોય પણ પ્રેમ અને માર્દવતા આગળ તે સમર્પણની પ્રતિમા બન જતી હોય છે. નારીને હાથમાં ને હૈયામાં રાખવી હોય તો પુરુષે પોતાના પુરુષત્વનો આશ્રય કદી ન લેવો.

બંનેએ સાથે બેસીને વાળુ કર્યું. ખીચડીમાં ભારોભાર ઘી નાખીને ખૂબ ફીણી હતી અને રીંગણાંના ભડથાનો ને કઢીનો સ્વાદ તો બત્રીસ ભાતનાં ભોજનને પણ એક બાજુ મૂકે એવો હતો. આનંદભરી વાતો કરતાં કરતાં બંનેએ ભોજનકાર્ય પૂરું કર્યું . ચળુ કરીને ઊભા થતાં નાગવાળાએ કહ્યું :  ‘આલણ, જો આ રીતે હું રોજ તારી હાર્યે જમું તો મને લાગે છે કે હું છું એ કરતાં દોઢો થઈ જાઉં. તેં મને જ ખવડાવ્યા કર્યું છે..તારા સામે તો જોયું જ નથી.’

આલણદેએ હસીને કહ્યું :  ‘ધણી ધરાઈને જમે એટલે અસ્ત્રીનું પેટ ભરાઈ જાય ! ’ કહી આલણદે પણ ચળુ કરીને ઊભી થઈ. તેણે મીઠીને બૂમ મારી . મીઠી આવી એટલે આલણદેએ કહ્યું :  આ બધું ઉપાડી જા … ને જરા પોતું ફેરવી નાખ … મારી પેટી ક્યાં મૂકી છે ?’

‘આપું …’  કહી એક ગોખલામાં પડેલી રૂપાની પેટી લઈને મીઠીએ આલણદેના હાથમાં મૂકી.

ઢોલિયાની સામે બે ચાકળા પાથર્યા હતા … આલણદે તે તરફ જઈને બેઠી . નાગવાળો ઢોલિયે બેઠો.

નાગવાળાના મનમાં થયું, આજ ચાંપરાજવાળાની વાત કરીશ તો રજા મળી જશે.

આલણદેએ પેટી ઉઘાડી અંદરથી સૂડી ને સોપારી કાઢતાં કહ્યું :  ‘શું વચારમાં પડી ગયા ?’

‘ તને જોઉં છું ને બધા વચાર અલોપ થઈ જાય છે . મને યાદ

આવ્યું કે નીચે બાપુ પાસે ફઈબાને બેસાડીને આવ્યો છું. તે જરા જઈ આવું … બાપુને સુવાડીને તરત પાછો આવું.’

‘લ્યો ..  કહીને ફૂલની પાંખડી જેવો સોપારીનો ભુકો આલણદેએ ધણી સામે ધર્યો.’

‘નાગવાળાએ પ્રસન્ન મનથી સોપારીનો ભૂકો લઈને મોઢામાં મૂક્યો . આલણદેએ કહ્યું :  એક વાત પૂછું ?’

‘એક શું કામ ? સો પૂછને !’

‘તમે કસુંબો કોઈ દી નથી લેતા ?’

‘ ના … કોઈ વાર ડાયરાનું વેણ રાખવા ખાતર આંગળી બોળીને માથે અડકાડું છું . પણ અત્યારે તને કસુંબો ક્યાંથી યાદ આવ્યો ?’

‘ મેં સાંભળ્યું હતું કે આપને કોઈ પાંતીનું બંધારણ નથી . એટલે પૂછ્યું.’

‘કોઈ પાંતીનું બંધાણ નથી. કોઈ વાર ડાયરાનું માન રાખવા હુક્કાની નેળ મોઢે માંડું છું … પણ એનું બંધાણ નથી.’

‘કોઈ ભાઈબંધ તમને દારૂનો આગ્રહ કરે તો ?’

આલણ , મારે એવો કોઈ ભાઈબંધ છે નહિ … વળી , મેં દારૂ ને અફીણ અગરાજ કરેલ .. છે પણ આ તને અટાણે કેમ યાદ આવ્યું ?’

‘તમારી નરવાઈનું સાચું કારણ જ મને આ લાગે છે …’

‘નાગવાળો દ્વા2 ત2ફ જતાં જતાં બોલ્યો : ‘હું જરા બાપુ પાસે જઈ આવું . તારે ફઈબા પાસે જવું હોય તો જઈ આવ … હવે તો ટાઢ્યું યે પડવા માંડી . ને આજ મારે તને એક આનંદની વાત કરવી છે.’

‘તે અત્યારે જ કરતા જાઓને ! ’

‘નિરાંતે કરવા જેવી વાત છે.  કહી નાગવાળો ઓરડા બહાર નીકળી ગયો.

આલણદે પણ ઊઠીને નીચે જવા ઓરડા બહાર નીકળી.

લગભગ બેક ઘડી પછી નાગવાળો પિતાને સુવાડીને પાછો આવી ગયો. એ વખતે આલણદે આવી ગઈ હતી … પાંચ વાટયની દીપમાળા ઝળાંહળાં પ્રકાશ વેરી રહી હતી . એ પ્રકાશમાં આલખ઼દે ખૂબ જ સુંદર દેખાતી હતી. એની આછા જાંબુડિયા રંગની જીમી જે સુરતી અતલસની હતી તે દીપમાળાના પ્રકાશમાં ચળકી રહી હતી … કેસરી રંગનું ફૂલગોટાથી

શોભતું તસતસતું કાપડું એના ઉન્નત ઉરોજને જાણે માંડ માંડ સાચવી રહ્યું હોય એમ લાગતું હતું. અને લીલા રંગનૌ ભાતીગળ ચોરસો કોઇ રૂપાળી કાયાનો રખવાળ બન્યો હોય એમ મલપતો હતો, કાંબી , કુલર, હાંસ, કટેસરી, ઝૂમખાં , તોડા વગેરે અલંકારો આલણદેના યૌવનન હિંચોળી રહ્યા હતા . બધા અલંકારોમાં હૈયાની ઊર્મિઓ સાંભળતો નવસેરો હાર ખૂબ જ ઓપતો હતો.

નાગવાળો સ્થિર નજરે પત્ની સામે જોઈ રહ્યો. નાગવાળાને થયું, આલણદે આજ ખૂબ જ પ્રસન્નચિત્ત લાગે છે.

આલણદેએ કહ્યું :  તમે કઈ વાત કરવાના હતા ?’

‘નિરાંતે કહીશ.’  કહી નાગવાળાએ પાસાબંધી કિંડયું કાઢીને ખીંટીએ મૂક્યું. કલ્લીવાળો ચોરણો કાઢીને પંચિયું પહેર્યું, એના ગળામાં તુલસીની એક માળા રહેતી હતી … એ સિવાય , હાથમાં સોનાનાં કડાં શોભતાં હતાં . બે હાથની બબ્બે આંગળીએ સોનાના વેઢ હતા …. કાનમાં હીરામાણેક જડતરનાં ઠોળિયાં હતાં.

આલણદેએ ઓરડાનું બારણું અંદરથી બંધ કરીને કહ્યું :  શું કે’તા’તા ? મારો જીવ ક્યારનો તમારી વાતું સાંભળવા ધલવલી રીયો છે!’

નાગવાળો પત્ની સામે મીઠી નજરે જોતો જોતો ઢોલિયે બેઠી . આલણદે પણ એની પડખે બેસી ગઈ. નાગે પત્નીનો મશરૂ જેવો હાથ પોતાના બંને હાથ વચ્ચે લઈને કહ્યું : ‘ તું એક વચન આપ તો વાત  કહુયં…’

‘વાત કહેવામાં વચન ? ’

‘વચન વગર વાતની ઊંડાઈ નહિ સમજાય !’

‘તમને અવિશ્વાસ હોય તો વચન આપું … ’

‘ તારા ઉપર અણવિશ્વાસ ? ’ કહીને નાગવાળાએ પત્નીને બંને ભુજાઓના બંધ વચ્ચે ઝકડી લીધી અને ઉપરાછાપરી ચાર છ ચુંબન લઈને પછી કહ્યું :  ‘તને આંઈ ગમે તો છે ને ? ’

‘તમે નો આવો તો મનમાં કાં’ક થયા કરે …’

‘ એમ નહિ … તારા બાપુના ઘર માફક તને અહીં …’

વચ્ચે જ આલગ઼દેએ કહ્યું :  નવુંસવું હોય એટલે જરા લાગે … પણ

હવે બધાં હારે ઓળખાણ થઇ ગઈ છે … ગામમાંથી પણ રોજ પાંચસાત સ્ત્રીઓ મળવા આવે છે….’

‘ ત્યારે તો તારું મન ગોઠી ગયું છે !’ કહી નાગવાળાએ પત્નીને પુન: હૈયાસરસી લીધી.

જુવાન હૈયા….!

ઊગતી જુવાની ! ફાટકટ થતું બ્રેન !

નાગવાળો પણ ચાંપરાજવાળાના નિયંત્રણની વાત વીસરી ગયો … આલણદે પણ મસ્તીમાં આવી ગઈ …

ગળતી શિયાળુ રાત ઠંડી ધીરે ધીરે જામતી જતી હતી . હાડ અબડાવે એવી ટાઢ પડતી હોવા છતાં આ બંને જુવાન હૈયાને ટાઢયની કલ્પના જ નહોતી આવતી.

લગભગ બે ઘટિકા પછી નાગવાળાએ કહ્યું :  ‘હરે સૂઈ જઈએ.’

‘તને જોઉ છું ને હું ભુલાઈ જાય છે …  ‘કહી બાજુમાં સૂતેલી પત્નીને પડખામાં દબાવતાં નાગે કહ્યું.

‘હરે નિરાંત છે.કીયો….’

‘જેતપરના ચાંપરાજવાળાનું નામ તે સાંભળ્યું છે ?’

‘હા…  એક વાર મારા બાપુના મૈ’ માન પણ થીયા ’તા …’

‘ અને ઓલ્યા મામદ બેગડાનું નામ સાંભળ્યું છે ?’

‘ હા … મોટા રાક જેવો તકો છે ને ?’

‘ ઈ પરદેશીએ જૂનાગઢ લઈ લીધો છે ને કરે આખા કાઠિયાવાડનો કરી થવા માગે છે.’

‘સાંભળ્યું છે કે એની પાસે કટક ઘણું મોટું છે.’

‘ હા … ઈ કટક થોડા દિવસ પછી જેતપર ઉપર ત્રાટકવાનું છે … ચાંપરાજવાળાનો સંદેશો આવ્યો હતો અને બાપુએ ચાંપરાજવાળાની ભેરે જુવાનો મને હુકમ કર્યો છે ’  આ શબ્દો સાંભળતાં જ આલણદે વીજળી માફક બેઠી થઈ ગઈ અને બોલી :  ‘તે શું તમે જવાના છો ?’

‘હા આલણ … આમ તો બાપુ પોતે જ જાત … મને મોકલત … પણ મોટા બાપુ પથારીએ પડ્યા છે ને ધરતીનો સાદ પડ્યો છે….’

‘સાદ ગમે  તેનો પડ્યો હોય તમે જુઓ ઈ મને નઈં પાલવે!’

નાગવાવાળા મૃદુ હાસ્ય વેરીને  પત્નીનો હાથ પકડીને પંપાળતા કહ્યુંં: ‘તું આમ અથરી કા થા ? પૂર્રી વાત તો સાંભવ હું  એકલો નથી જવાનો મારા ભેગા અઢીસો જુવાનિયાઓ આવવાના છે.’

‘હુૂં બધુંય સમજું છું…. પણ તમારે ચાંપરાજવાળા સુધી જવાની જરૂર શી? તરકડાનું કટક સવિયાણા પર નથી ત્રાટકતું પારકી ધરતી માટે આપણે શું કામ જાવું જોઈએ?’ ?  આલણદેએ જરા તીવ્ર સ્વરે કહ્યું.

નાગવાળાના મનમાં થયું વાત કરવામાં જરા ઉતાવળ થઈ ગઈ જવાના દિવસે જ કરી હોત તો વાંધો નો’તો . પણ હવે બીજો કોઈ ઉપાય નહોતો … આલણદેને સમજાવ્યા વગર ચાલે તેમ નહોતું. તે મુુદુ મધુર સ્વરે બોલ્યો :  ‘આલણ, તને બીજી વાતનો ખબર નથી … આ ધરાઈ ને પોતાની ધરતીના વાદમાં જ તરકડાંએ જૂનાગઢ લઈ લીધો….  મંદિરો  ંહતર ત્વરય  મસીદો કરીને ભારે દાળોવાટો કરો વાળ્યો ! રાજપૂત ઉપર વખત આવે તઈ કાઠી દાંત કાઢતો રીયે , ને કઠી ઉપર વખત આવે તઈ રાજપૂત મૂછમાં હસતો જાય … આપણો મલક કમજોર નથી … એની ભુજાયું આભને થોભ આપે એવી છે … પણ મન પાંગળાં બની ગયાં છે … જે આમ ન હોત તો એક શું, સૌ બેગડા સામટા આવ્યા હોય તોય આ ધરતીના ખાતર બની જાત ! પણ થાય શુ? પોતાનું ને પાકું માનીને એકતા ભાંગી નાખી છે. આલણ, આજ માનવતા ધમરોળાઈ ગઈ છે. બેન – દીકરીયુંની આબરૂ ઉપર પણ ટિપાય છે. ધરમ ને ધરતી કોઈ દિ પરાયાં હતાં નઈં ને છે નઈં … એને પરાયાં માનનારાઅોં કાળની ચક્કીમાં પિસાઈ જતા હોય છે !’

‘મારી વાત તો સાંભળો …’

‘તે બોલને ….. મારે જાવું તો પડશે જ … ચાંપરાજવાળાને વેણ મોકલાઈ ગીયું છે … તું મને હસતાં નેણે રાજીપાથી વિદાય આપ એટલે મારા હૈયે ધરપત રીયે ને .. ’ કહેતાં નાગવાળાએ બેઠા થઈ પત્નીને હૈયાસરસી લઈ લીધી.

‘આવા લટુડા કર્યે મારા મનમાં વાત નઈં ઊતરે . તરકડાંનું કટક સવિયાણા પર આવ્યું હોત તો હું તમને હસતાં નેણે વિદાય આપત … એટલું જ નઈ પણ, હાથમાં તલવાર લઈને તમારી પડખે ઊભી

રે’ત. આમ, પારકે પાદર હું તમને નઈં જવા દઉં.’

‘આલણ  પરધર્મીઓ ને પરદેશીઓ સામે આપણો આખો મલક પારકું પાદર છે જ નઈં.’

‘ તો પછી દલ્લીમાં તરકડો જ બાદશાહ બનીને બેઠો છે ને ? આખા દેશનો હાકમ થઈ ગીયો છે.  ઈ ને રોકવા કેમ કોઈ જાતું નથી ?’

‘  મેં તને પે’લાં નોં કીધું કે આપણાં મન પાંગળાં થઈ ગીયાં છે ! આપણાં પાંગળાં મનના લીધે જ આપણા માથે તરકડાંનું છતર આવી પડ્યું છે. જો આપણાં મન ચોખ્ખાં હોત , ઘરના ઝઘડા ને પારકા પાદરનાં તૂત નોં હોત તો આ દેશમાં કોઈ પરદેશીનો પગદંડો થાત નઈ પણ શું કરીએ ? આપણાં જ પાપનું આ બધું પરિણામ છે.’

‘ તો પછી ચાંપરાજવાળો એનું ફોડી લેશે … તમારે શું કામ પારકી પછેડી ઓઢવી જોઈએ ?’   અલણદેએ પોતાનો કક્કો ચાલુ રાખ્યો.

નાગવાળો ઢોલિયેથી નીચે ઊતર્યો ને એક તરફ પડેલા જળપાત્રમાંથી જળ ભરીને પીધું. ત્યાર પછી આલણદે સામે જોઈને બોલ્યો :  ‘આલણ, તું એક મરદની દીકરી છે … વળી , વેણની કિંમત પણ તું સમજે છે.’

હું બધું સમજું છું. આવેશનું વેણ ઈ વેણ ન કહેવાય . વિચારીને આપેલાં વચન ઈ જ વચન કે’વાય .. ’

‘આગ લાગે તઈં કૂવો ખોદવા બેસીએ તો ઘર સળગી જાય . વેણ આપવામાં વાટ ન જોવાય..વચન તો જીવ કરતાં ય મોંઘાં હોય. વળી , મારી હાર્યે અઢીસો જણ ખભે ખાંપણ ભેરવીને આવવાના છે. ઈ બધા કાંઈ ઘરબાર વનાના નથી … સહુના ઘીરે માબાપ છે … ભાઈબોન છે..લાડકવાયાં છોકરાં છે … એની સોડ્યને અજવાળતી ઘરવાળીયું પણ છે….’

‘ઈ ગમે તી હોય ! હું તમારી ઘરવાળી છું … મારો ચૂડલો ને ચાંદલો તમારાથી છે … મારાં સપનાં બધાંય હજી મનમાં જ પડ્યાં છે. આવેશમાં આવીને મારાં સપનાં ભાંગું એટલી હું કાચી નથી. તમે વેણ મોકલ્યું હોય કે કે’ણ મોકલ્યું હોય ! હું તમને હસતાં નેણે વિદાય ન આપું . અને મારા ઉપરવટ થઈને જાશો તો …’

‘હં … કાઠિયાણી , ઉતાવળી થા મા … હું કંઈ કાલે તો જાવાનો નથી . તું નિરાંતે વિચાર કરીને જ તારા ધણીનું ગૌ2વ શેમાં છે ને તારી શોભા શેમાં છે એનો તોડ મનથી કાઢીને મને જવાબ આપજે. આ તો મરદ માટે એક લાખેણો લા’વો છે … અને તારો ધણી તરકડાં વચ્ચે બે હાથમાં તલવાર લઈને ઘૂમતો હોય ને જેમ ગાજર વાઢે તેમ દશમનને વાઢતો હોય ઈ શું તારા માટે પોરહની વાત નથી ?   નાગવાળો ઢોલિયા પાસે આવ્યો અને પત્નીનો એક હાથ પકડ્યો.

આલણદેએ તરત છણકો કરીને હાથ છોડાવી લીધો અને ઢોલિયાના એક ખૂણે ભરાઈને સૂઈ ગઈ.

નાગવાળો પણ પડખે સૂતો અને આલણદેની પીઠ પર હાથ ફેરવતાં બોલ્યો :  ‘આલણ , આવી વાતનો હરખ હોય, રિસામણાં ન હોય !’

‘આલણદેએ કંઈ ઉત્તર ન આપ્યો.

થોડી પળો પછી નાગવાળો પત્નીનાં ધ્રુસકાં સાંભળવા માંડ્યો. નાગવાળાના મનમાં થયું કે અત્યારે મનાવવા જતાં નઈંરે વધારે ઉગ્ર બનશે એટલે તે પણ ચૂપચાપ સૂઈ ગયો.

નાગવાળો આંખો મીંચીને વિચાર કરવા માંડ્યો : આવી કાયામાં આવું સાંકડું દિલ કેવી રીતે સચવાયું હશે ? આને કેવી રીતે સમજાવવી ?

વિચારમાં ને વિચારમાં છેક પાછલી રાતે બંને નિદ્રાધીન બની ગયાં …

અને નિત્યનિયમ પ્રમાણે ભળકડું થયું ને નાગવાળો જાગી ગયો … આલણદે રોઈને જંપી ગઈ હતી.

નાગવાળો નદીએ જવા ઓરડા બહાર નીકળી ગયો.

બીજી બે રાત આવીને ગઈ ત્રીજે દિવસે પો’2 દી ચડ્યે નાગવાળો પોતાની પ્રિય માણકી ઘોડી પર અસવાર થઈ અઢીસો કાઠી વીરો સાથે જેતપર જવા વિદાય થઈ ગયો.

વિદાય થતાં પહેલાં તેણે પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માનુનીએ અબોલા જ લીધા હતા …

કંઈક ભાંગેલા હૈયા નાગવાળો પિતાના ને ફઈબાના આશીર્વાદ લઈને નીકળી ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.