‘આપ’ની સરકાર બનશે તો ગૌસેવા માટે રૂપિયાની કમી ક્યારેય નહીં પડવા દઈએ : ઇન્દ્રનીલ રાજગુરૂ

ભાજપ સરકારે ગૌશાળા માટે 500 કરોડનું બજેટ બહાર પાડ્યું હતું પરંતુ આપ્યું નથી

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ એક મહત્વ પૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, બનાસકાંઠા સમગ્ર દેશમાં ગૌવંશની રાજધાની ગણાય છે. ગૌ સેવાનું જેટલું કામ અહીંનાં લોકોએ કર્યું છે એટલું આખા દેશમાં ક્યાંય નથી થયુ અને અહીંની વિશાળ જન સંખ્યા ગૌમાતાની સેવા પર નિર્ભર છે. પરંતુ આ ખૂબ જ દુર્ભાગ્ય પૂર્ણ છે કે જ્યારે લમ્પી વાયરસ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ફેલાઈ રહ્યો હતો ત્યારે ગુજરાત સરકાર લમ્પી વાયરસ પ્રત્યે કોઈ જવાબદારી લઇ રહી નહોતી. ગૌશાળામાં કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી. હજારો ગૌશાળાઓ અને બીજા તમામ ગૌપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, સરકાર તરફથી કોઈ મદદ કરવામાં આવી રહી નથી.

બીજી તરફ ગુજરાતની ભાજપ સરકારે ગૌશાળા માટે 500 કરોડનું બજેટ જાહેર કર્યું હતું, પરંતુ હજુ સુધી આપવામાં આવ્યું નથી. આપણા સમાજમાં ગૌદાનની પ્રથા રહી છે. માણસ ખોરાક પણ ખાય છે, કંઈક કમાય છે અને પછી સૌથી પહેલા ગાયનું દાન કરે છે. આ કેવી સરકાર છે જેણે જાહેર કર્યું કે અમે ગાય સેવા માટે 500 કરોડ રૂપિયા આપીશું, પરંતુ જેઓ ગૌશાળાના સેવક છે, ગૌપાલકો તેઓ દરેક જગ્યાએ ઠોકર ખાઈ રહ્યા છે, પરંતુ સરકારે 500 કરોડ માંથી 1 રૂપિયો પણ આપ્યો નથી. સરકારે તાળીઓ મેળવવા માટે 500 કરોડની વાત કરી હતી પરંતુ આજે આપણે સપ્ટેમ્બર આવી ગયો તો પણ આજદિન સુધી એક પણ ગૌશાળાને ₹1 આપવામાં આવ્યો નથી. ગૌમાતાના નામ પર ક્યાંય કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી અને સરકાર તેનાથી પાછીપાની કરી રહી છે જે ખૂબ જ ચિંતાજનક છે.

હું  સરકારને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે સરકારે નક્કી કરેલું ગૌશાળાનું બજેટ, ગૌશાળાઓને આપી દેવું જઇએ, તે તેમનો હક છે. ગાય દીઠ જે પણ ખર્ચો થાય છે એ પણ આપવો જોઇએ. બીજું એ કે લમ્પી વાયરસ માટે સરકારે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે ગૌસેવા ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે, ગૌસેવા જીવનનો એક ભાગ છે, તો સરકારે ગૌસેવા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.