- NGOને તેમના FCRA પ્રમાણપત્ર રદ અથવા સમાપ્ત થયા પછી વિદેશી ભંડોળના ઉપયોગ કરવા બદલ દંડની કાર્યવાહી કરાશે: ભારતીય ગૃહ મંત્રાલયે આપી ચેતવણી
NGO એ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) હેઠળ નોંધણી કરાવવાની હોય છે તેમજ FCRAના નિયમોનું ઉલ્લંઘન ન થાય અને દંડનો સામનો ન કરવો પડે તે માટે તેમના પ્રમાણપત્રને સમાપ્તિના છ મહિના પહેલા રિન્યુ કરાવવું પડે છે. ત્યારે આ અંગે ભારતીય ગૃહ મંત્રાલયે NGO ને તેમના FCRA પ્રમાણપત્ર રદ અથવા સમાપ્ત થયા પછી પણ વિદેશી ભંડોળ મેળવવા અથવા તેનો ઉપયોગ કરવા બદલ દંડની કાર્યવાહી અંગે ચેતવણી જારી કરી છે. જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો NGO તેમના FCRA પ્રમાણપત્ર રદ થયા પછી અથવા તેની માન્યતા સમાપ્ત થયા પછી વિદેશી ભંડોળ મેળવે છે અને/અથવા તેનો ઉપયોગ કરે છે તો તેઓ પર દંડનીય કાર્યવાહી કરાશે.
આ અંગેના એક સૂચનામાં, મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશી ભંડોળ મેળવતા તમામ NGOને ફરજિયાત રીતે નોંધાયેલ હોવું જરૂરી છે અથવા FCRA હેઠળ અગાઉથી પરવાનગી આપવી જોઈએ અને આવા ભંડોળનો ઉપયોગ તેઓને પ્રાપ્ત થયેલા હેતુઓ માટે જ કરવો જોઈએ. આ ઉપરાંત, NGO કે જેમને FCRA નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવે છે તેઓએ આવા પ્રમાણપત્રની માન્યતા સમાપ્ત થાય તે પહેલાં છ મહિનાની અંદર તેનું નવીકરણ કરવું આવશ્યક છે. જો નવીકરણ માટે અરજી કરવામાં આવી નથી અને તેમની નોંધણી બંધ થઈ જાય છે, તો તેઓ વિદેશી ભંડોળ પ્રાપ્ત કરી શકશે નહીં અથવા તેનો ઉપયોગ કરી શકશે નહીં.
મંત્રાલયે જણાવ્યું હતું કે, “NGO /એસોસિએશનના FCRA એકાઉન્ટ્સ/FCRA ઉપયોગ ખાતામાં કોઈપણ વ્યવહાર કે જેની FCRA નોંધણી રદ કરવામાં આવી છે અથવા બંધ થઈ ગઈ છે અથવા માન્યતા સમાપ્ત થઈ ગઈ છે તે FCRA 2010નું ઉલ્લંઘન ગણાશે જેથી તેના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે”.