પોતે કામ કરે નહીં અને બીજા કરે તો કાયદાનો દંડો ઉગામે; નેશનલ હાઈ-વેની હદમાં પડેલા ખાડા રાજકોટ કોર્પોરેશને પુર્યા અને હવે…

લોકોની સમસ્યા હલ કરવા માટે પોતે કોઈ જ પ્રકારનું કામ કરે નહીં અને જો કોઈ અન્ય વિભાગ કરે તો તેની સામે કાયદાનો દંડો ઉગામે તેવો ઘાટ નેશનલ હાઈવે ઓથોરીટીએ અપનાવી લીધો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં નેશનલ હાઈવેની હદમાં આવેલા વિસ્તારમાં વરસાદના કારણે પડેલા ખાડાઓ લોકોને પડતી સમસ્યાને ધ્યાને લઈ તાત્કાલીક અસરથી કોર્પોરેશને બુરાવ્યા હતા. હવે તંત્ર પર નોટિસનું જોખમ જળુબી રહ્યું છે. બીજી તરફ સંકલનના અભાવે થતી ઢીલને દૂર કરવા માટે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા આગામી દિવસોમાં નેશનલ હાઈવે ઓર્થોરીટીને અધિકારીઓ સાથે એક બેઠક બોલાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપભાઈ ડવે જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓ પુરવા માટે તાજેતરમાં સિટી એન્જીનીયર અને તમામ વોર્ડના ડેપ્યુટી ઈજનેરો સાથે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખાડામાં મેટલીંગ કરવા સુચના આપવામાં આવી છે. ગોંડલ રોડ પર રિધ્ધી-સિધ્ધીના નાલાથી ગોંડલ તરફ જવાનો રસ્તો ખુબજ બિસ્માર હોવાના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદ મળી હતી. દરમિયાન આ રોડ નેશનલ હાઈવે ઓર્થોરીટીની અંડરમાં આવતા હોય જો આ કામ માટે તે વિભાગને જાણ કરવા પત્ર વ્યવહાર કરવામાં આવે તો ઘણો સમય પસાર થઈ જાય તેમ હોય, આ કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તેવી સુચના મળતા આજે ખાડા બુરી દેવામાં આવ્યા છે. અહીં ભારે વાહનોની અવર-જવર ખુબજ રહેતી હોય બોક્ષ કટીંગ કરી મેટલીંગ કરવામાં આવ્યું જેના કારણે ખાડા બુરવા જે મેટલીંગ કરવામાં આવ્યું છે તે બહાર નીકળી ન જાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે ઓથોરીટીની હદમાં આવતા રોડ-રસ્તાના રીપેરીંગની કામગીરી જો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવે તો તંત્ર દ્વારા કોર્પોરેશનની સરાહના કરવાના બદલે તેની સામે કાયદાનો દંડો ઉગામી નોટિસ ફટકારવામાં આવે છે. આ વર્ષો જૂની પરંપરા દૂર થાય તે માટે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા ટૂંક સમયમાં નેશનલ હાઈવે ઓર્થોરીટીના અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવશે અને સમસ્યા હલ થાય તે દિશામાં કામ કરાશે.