Abtak Media Google News

કોંગ્રેસ દ્વારા અંબાજીમાં સમાંતર મોહનથાળ વિતરણ કરવાની પણ જાહેરાત

અંબાજી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ  દ્વારા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના અધિકારીઓને મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું  હતુ.  આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, સ્થાનિકો અને મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીમાં કામ કરતી આદિવાસી મહિલાઓના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા અને સત્તાવાળાઓને સદબુદ્ધિ મળે એ હેતુથી અંબે માતાજીની ધૂન અંબેમાંના ચાચરચોકમાં બોલાવવામાં આવી હતી.

હેમાંગ રાવલે  જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજી મંદિર એ લાખો – કરોડો ભક્તોની આસ્થાનું એક પવિત્ર સ્થાન છે. આ મંદિરનો વહિવટ ગુજરાત સરકાર હસ્તક કલેક્ટર બનાસકાંઠા કરી રહ્યાં છે. એજ પ્રમાણે ગુજરાતના પ્રતિષ્ઠિત જુદા જુદા મંદિરોનો વહિવટ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ઉપરોક્ત દેવસ્થાન ટ્રસ્ટોમાં વારંવાર ગેરરીતિ, અણવહિવટ અને ધાર્મિક પરંપરા તોડતા અધિકારીઓ પોતાની રીતે મનસ્વિ નિર્ણયો લઈ રહ્યાં છે.

અંબાજી મંદિરમાં દોઢ વર્ષ પહેલાં જે મોહનથાળ પ્રસાદનું પેકેટ 10 રૂપિયામાં મળતું હતું તેના પર ક્રમશ: ભાવવધારો કરી અત્યારે 18 રૂપિયા અને 25 રૂપિયા સુધી કરી નાંખવામાં આવ્યો. એટલે કે 150% નો તોતીંગ ભાવ વધારો મોંઘવારીનું બહાનું કરીને વસૂલવામાં આવી રહ્યો હતો. આ સાથે છ-આઠ મહિના પહેલા ચીકીનો પ્રસાદ પણ વેચવાનું ચાલુ કરવામાં આવ્યું. એક તરફ વીસ કરોડનો મોહનથાળ પ્રસાદ વેચાય અને બીજી તરફ એક-દોઢ કરોડનો ચીકી પ્રસાદ વેચાતો હતો. ભારતમાં જેમ અવિચારી નોટબંધી અચાનક લાગુ કરવામાં આવી તેમ અવિચારી રીતે છેલ્લા છ દાયકાથી પરંપરાગત અને કરોડો ભક્તોની આસ્થા સમાન મોહનથાળનો પ્રસાદ વેચવાનો બંધ કરી દેવામાં આવ્યો. સ્વાભાવિક છે કે, ચીકી પ્રસાદમાં કમાણી ખુબ જ હોવાથી આ પ્રકારનો અવિચારી નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં 25 રૂપિયામાં વેચાતો ચીકી પ્રસાદ એક બોક્ષમાં આપવામાં આવે છે

અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા 61 મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે.

આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે ભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. થાળ તો ઠીક પરંતુ માતાજીની સાડીઓ પણ રોજ શણગારીને બદલવામાં નથી આવતી. ઉપરોક્ત 61 મંદિરોમાં માત્ર 35 પુજારી સેવા આપી રહ્યાં છે. મુખ્યમંદિરમાં રોજ સરેરાશ 100 થી વધારે સાડીઓ ભેટમાં શ્રધ્ધાળુઓ આપી રહ્યાં છે. માત્ર વહિવટી કુશળતા હોય તો આજ સાડીઓ એ બાકીના મંદિરમાં માતાજીને ચઢાવી શકાય. એજ પ્રમાણે ગબ્બરમાં લાઈટ અને સાઉન્ડ શો દરમ્યાન માતાજીની દિપ આરતી માટે 10 રૂપિયા કોઈપણ જાતના ઠરાવ કે આદેશ વિના ‘શક્તિ સેવા કેન્દ્ર ટ્રસ્ટ’ દ્વારા વસુલવામાં આવી રહ્યાં છે.

આ ટ્રસ્ટને અંબાજીની ઘણીખરી મોકાની જમીનો પણ આપી ફાળવી દેવામાં આવ્યાં છે અને તેમાં પણ એક મોટુ કૌભાંડ હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા અંબાજી મંદિરના પટાંગણમાં આવેલી યજ્ઞશાળામાં માઈક પર બોલાતા શ્લોક ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે એમ કહીને માઈક અને સ્પીકર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેનો પણ ઉગ્ર વિરોધ થયો હતો અને અધિકારીઓએ પાછીપાની કરવી પડી હતી. લાખો – કરોડો ભક્તોની આસ્થા સમાન અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો અવિચારી નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો સ્થાનિકો, વિવિધ પગપાળા મંડળો અને શ્રધ્ધાંળુઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન – ધરણાં – પ્રદર્શન અને આશ્ચર્યજનક દેખાવો કરવામાં આવશે. અંબાજી મંદિરમાં સમાંતર મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.