ન હોય… 1 ટકા લોકો 22 ટકા વસ્તીની આવક ’હડપ’ કરી જાય છે..!

અબતક, નવી દિલ્હી:

ભારતમાં જેમ ગરીબી, બેરોજગારી અને ભૂખમરો જેવા પ્રશ્નો આઝાદી કાળથી જટિલ પ્રશ્નો રહ્યા છે. તેવી જ રીતે આવકની અસમાનતા પણ એક ઘેરો અને અતિગંભીર મુદ્દો પહેલેથી જ બનતો રહ્યો છે. તાજેતરમાં વિશ્વ અસમાનતા રિપોર્ટ- 2022 રજૂ થયો જેમાં જણાવાયું છે કે ભારત ગરીબ અને આવકની અસમાન વહેચણીમાં ટોચના દેશોમાંનો એક બની ગયો છે. માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ આવકની અસમાનતા એક મોટી ચિંતાનું કારણ છે. તાજેતરના અહેવાલમાં એ ઘટસ્ફોટ થયો છે કે વિશ્વના માત્ર 1 ટકા લોકો પાસે 22 ટકા વસ્તીની આવક છે. એટલે કે ટોચના 1 ટકા લોકો જે અન્ય 22 ટકા લોકોની આવક ’હડપ’ કરી જાય છે..!! જ્યારે ભારતમાં ટોચની 10 ટકા વસ્તી કુલ રાષ્ટ્રીય આવકના લગભગ 57 ટકા કમાણી કરે છે.

ઈન્કમ ઈનઈક્વાલીટી રિપોર્ટ-2022: ગરીબ વધુને વધુ ગરીબ અને અમીર વધુ અમીર બનતો જઈ રહ્યો છે

ગરીબ સતત ગરીબને ગરીબ બનતો જાય છે… જ્યારે અમીર વધુ અમીર બની રહ્યા છે… જે ગંભીર સમસ્યા છે. મંગળવારના રોજ જારી થયેલા વિશ્વ અસમાનતા અહેવાલ 2022 મુજબ, વિશ્વના એક ટકા લોકો 22 ટકા લોકોની આવક મેળવે છે, જ્યારે નીચલા 50 ટકા લોકો કે જેઓએ માત્ર 13 ટકા કમાણી કરી છે. વિસ્તૃત રીતે આ અહેવાલ દર્શાવે છે કે આ વર્ષ દરમિયાન પુખ્ત વસ્તીની સરેરાશ રાષ્ટ્રીય આવક રૂ. 2,04,200 રહી. જ્યારે નીચલા 50 ટકા લોકોએ સરેરાશ માત્ર રૂ. 53,610ની કમાણી કરી, જ્યારે ટોચના 10 ટકાએ 20 ગણી વધુ (રૂ. 11,66,520) કમાણી કરી. ભારતની સ્થિતીને લઈ રિપોર્ટમાં જણાવાયું છે કે સરેરાશ 66,280 રૂપિયાની સંપત્તિ સાથે, વસ્તીના 50 ટકા લોકો પાસે લગભગ કંઈ જ નથી. જે કુલ સંપત્તિના માત્ર 6 ટકા સંપત્તિ ધરાવે છે.

આવકની અસમાન વહેચણીમાં ભારત ટોચના દેશોમાં સામેલ, ટોચની 10 ટકા વસતીએ કુલ રાષ્ટ્રીય આવકના 57 ટકા કમાણી  કરી

આ ઉપરાંત, મધ્યમ વર્ગ પણ પ્રમાણમાં ગરીબ રહ્યો છે, જેઓ કુલ સંપત્તિના 29.5 ટકા માલિકી ધરાવે છે. જ્યારે ટોચના 10 ટકા અને 1 ટકા જેઓ કુલ સંપત્તિના અનુક્રમે 65 ટકા અને 33 ટકા ધરાવે છે. અહેવાલમાં વધુમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં મહિલા મજૂર આવકનો હિસ્સો 18 ટકા છે. જે ચીનને બાદ કરતા એશિયાના સરેરાશ 21 ટકા કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. સ્ત્રી મજૂર આવકનો હિસ્સો 1990માં 10.6 ટકાથી વધીને 2020માં 18.3 ટકા થયો હોવા છતાં, શ્રમ આવકના હિસ્સાને પ્રાદેશિક સરેરાશ સુધી લઈ જવા માટે 8 ટકાનો ઉછાળો નજીવો રહ્યો છે. આમ, આવકની અસમાન વહેચણીમાં ભારત વધુ એક વખત ટોચના દેશોમાં સામેલ થઈ ગયો છે.