Abtak Media Google News

નસીબ આડેથી પાંદડું હટયું !!

પ્રથમ લીધેલી લોટરી ટિકિટનો નંબર પસંદ નહીં આવતા બીજી ટિકિટ ખરીદી અને સામાન્ય રિક્ષાચાલક બની ગયો કરોડપતિ !!

નસીબ આડેથી પાંદડું હટી જાય ત્યારે માણસ રાતોરાત રોડપતિથી કરોડપતિ બની જાય છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમના રિક્ષાવાળા અનૂપના કિસ્સામાં આ વાત સાચી પડી છે. શ્રીવરહમના રહેવાસી અનૂપે શનિવારે લોટરીની ટિકિટ ખરીદી હતી, જેનો નંબર ટીજે 750605 હતો પરંતુ તેને આ નંબર પસંદ ન આવ્યો અને તેથી ફરીથી લોટરીની ટિકિટ ખરીદી અને બીજી લોટરીની ટિકિટે તેનું નસીબ ખોલી આપ્યું. શનિવારે સાંજે અનૂપે 500 રુપિયા ખર્ચીને લોટરીની ટિકિટ લીધી હતી અને તે ભૂલી ગયો હતો અને રવિવારે સાંજે તો મેસેજ પણ મળી ગયો કે તેણે 25 કરોડની લોટરી લાગી છે.

અનૂપ રિક્ષાનો ધંધો બંધ કરીને મલેશિયા જવા માગતો હતો તેથી તેણે બેન્કમાંથી 3 લાખની લોન લેવા એપ્લાય કર્યું હતું પરંતુ લોન માટે અરજી કર્યાના બીજા જ દિવસે તેને 25 કરોડની લોટરી લાગી.   લોટરી જીત્યા બાદ ખુશીથી પાગલ થયેલા અનૂપે કહ્યું કે હવે મારે મલેશિયા જવાની કોઈ જરુર રહી નથી તેણે કહ્યું કે તે છેલ્લા 22 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદતો હતો, પરંતુ અત્યાર સુધી તે 5000 થી વધુ જીતી શક્યો ન હતો પરંતુ પહેલી વાર એકઝાટકે કોઈને પણ ન મળ્યાં તેટલા લોટરીના રુપિયા તેને મળ્યાં છે આને નસીબદાર જ કહેવાયને. અનૂપે કહ્યું કે મને આશા નહોતી એટલે હું ટીવી પર પણ રીડ્ડ જોતો નહોતો. પાછળથી, જ્યારે મેં મારો ફોન જોયો, ત્યારે મને ખબર પડી કે હું જીતી ગયો છું. હું વિશ્વાસ કરી શકતો ન હતો તેથી મેં તે સ્ત્રીનો સંપર્ક કર્યો જેની પાસેથી મેં ટિકિટ ખરીદી હતી. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે આ જીતનો નંબર છે.

અનૂપને જ્યારે પૂછવામાં આવ્યું કે તે 25 કરોડ જેટલી મોટી રકમનું શું કરશે ત્યારે તેણે જવાબ આપ્યો કે પહેલા મારે મારા પરિવાર માટે ઘર બનાવવું પડશે અને પછી લોન ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે તેમણે કેટલાક સંબંધીઓને મદદ કરવી પડશે અને કેરળમાં જ હોટલ સેક્ટરમાં કામ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેણે કહ્યું કે હું ફરીથી લોટરીની ટિકિટ ખરીદીશ. જોગાનુજોગ ગયા વર્ષે પણ 12 કરોડની ઓણમ બંપર લોટરી એક રિક્ષા ડ્રાઇવરે જીતી હતી અને હવે બીજી વાર આટલી મોટી રકમની લોટરી પણ રિક્ષાવાળાને ભાગે ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.