Abtak Media Google News

અનેક ગુન્હાઓમાં વર્ષ ૨૦૧૮ની સાપેક્ષે ઘટાડો નોંધાયો જ્યારે સાયબર ક્રાઈમના ગુનામાં ૬૩.૫ ટકાનો ધરખમ વધારો નોંધાયો

દર વર્ષમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા આખા વર્ષ દરમિયાન નોંધાયેલા ગુન્હાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં અલગ અલગ કેટેગરીવાઈઝ ગુન્હાઓના આંકડાકીય માહિતીનો સમાવેશ કરવામાં આવતો હોય છે. જે મુજબ વર્ષ ૨૦૧૯માં ૬૩.૫ ટકાના ઉછાળા સાથે સાયબર ક્રાઈમના ગુન્હામાં ધરખમ વધારો નોંધાયો છે. સોશિયલ મીડિયાના વધતા વ્યાપને કારણે સાયબર ક્રાઈમના ગુન્હાનો વ્યાપ ખુબ ઝડપથી વધી રહ્યો છે. જે પોલીસ તંત્ર માટે પડકારરૂપ સાબીત થઈ રહ્યું છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં કુલ ૫૧.૫૬ લાખ જામીનપાત્ર ગુન્હાઓ નોંધાયા છે. જેમાં ૩૨.૨૫ લાખ ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) હેઠળ નોંધાયેલા ગુના છે અને ૧૯.૩૦ લાખ સ્પેશિયલ એન્ડ લોકલ લો (એસએલએલ) હેઠળ નોંધાયેલા ગુન્હાઓ છે. આંકડાકીય માહિતી મુજબ કહી શકાય કે, વર્ષ ૨૦૧૮ની સાપેક્ષે વર્ષ ૨૦૧૯માં ગુન્હાઓનું પ્રમાણ ૧.૬ ટકા જેટલું વધ્યું છે. વર્ષ ૨૦૧૯ દરમિયાન આઈપીસી હેઠળ નોંધાતા ગુન્હામાં ૩ ટકાનો વધારો થયો છે. જ્યારે એસએલએલ હેઠળ નોંધાતા ગુન્હામાં ફકત ૦.૬ ટકાનો જ વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં કુલ ગુન્હાઓમાં આઈપીસી હેઠળ કુલ ૬૨.૬ ટકા જ્યારે એસએલએલમાં ૩૭.૪ ટકા ગુન્હાઓ નોંધાયા છે. વર્ષ ૨૦૧૯માં માનવ શરીરને ઈજાઓ પહોંચવાની ઘટનાઓનો આંકડો જાહેર કરતા એનસીઆરબીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં કુલ ૧૦.૫ લાખ ગુન્હાએ પ્રકારના નોંધાયા છે કે જેમાં માનવ શરીરને એક અથવા બીજી રીતે ઈજા પહોંચી હોય જેનું પ્રમાણ કુલ ઘટનાના પ્રમાણમાં ૩૨.૬ ટકા છે. ૫.૪૫ લાખ કેસમાં ગંભીર રીતે ઘવાયા હોવાનું સામે આવ્યું છે જે કુલ ગુન્હાના ૫૧.૯ ટકાનો હિસ્સો ધરાવે છે અને આ ઘટનાઓમાં ૧૩.૮ ટકા લોકોના મોત પણ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૮ની સાપેક્ષે વર્ષ ૨૦૧૯માં શારીરિક ઈજાના ગુન્હામાં ૧ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ૨૦૧૮ની સાપેક્ષે ક્રાઈમ રેટ ૭૮.૬ ટકાની સાથે એક સરખો રહ્યો હતો.  વર્ષ ૨૦૧૯માં કુલ ૨૮૯૧૮ હત્યાના ગુના નોંધાયા છે જે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮ની સાપેક્ષે ૦.૩ ટકા ઓછા છે. હત્યાના ગુન્હામાં ૯૫૧૬ કેસ ફકત અંગત દુશ્મનીના કારણે છે. જ્યારે ૨૫૭૩ કેસ આર્થિક લાભ મેળવવા હેતુસર કરાયેલી હત્યાઓ છે. ૨૦૧૯માં અપહરણના ગુન્હામાં પણ ઘટાડો નોંધાયો છે. કુલ ૧.૦૫ લાખ અપહરણના ગુન્હા વર્ષ ૨૦૧૯માં નોંધાયા છે જે ૨૦૧૮ની સાપેક્ષે ૦.૭ ટકા ઓછા છે.

ઉપરોકત ગુન્હાઓમાં વત્તા-ઓછા અંશે ઘટાડો નોંધાય છે જ્યારે ઘરેલું હિંસા અને મહિલાઓ સાથે મારામારીના ગુન્હામાં ૭.૩ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૮માં આ પ્રકારની ગુન્હાની સંખ્યા ૩.૭૮ લાખ નોંધાઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૯માં ૪.૦૫ લાખ કેસ સાથે ૭.૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. મહિલાઓ સાથેના આ પ્રકારના ગુન્હામાં સામાન્ય રીતે પતિ અથવા સાસરીયા પક્ષ દ્વારા મહિલાઓ સાથે ઘરેલું હિસાના ગુન્હા વધુ નોંધાયા છે. જે વિવિધ પોલીસ મથકો સાથે આઈપીસી હેઠળ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, વર્ષ ૨૦૧૮માં પ્રતિ લાખ જે આંકડો ૫૮.૮ ટકાનો હતો તે ૨૦૧૯માં ૭.૩ ટકાના વધારા સાથે ૬૨.૪ સુધી પહોંચ્યો હતો.

વર્ષ ૨૦૧૯માં રાયોટીંગના ગુન્હામાં ૧૭.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યો પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર વર્ષ ૨૦૧૮માં પ્રિવેન્શન ઓફ પબ્લિક પ્રોપર્ટી એકટ (જાહેર સંપતિને નુકશાની)ના ગુન્હામાં કુલ ૧૭.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે જે મુજબ વર્ષ ૨૦૧૮માં ૮૫૩૬ કેસ નોંધાયા હતા. જે વર્ષ ૨૦૧૯માં ઘટીને ૭૫૬૯ સુધી પહોંચ્યા છે. જાહેર સંપતિના નુકશાન તેમજ અસામાજિક પ્રવૃતિ અટકાવવાના કાયદા હેઠળ આ પ્રકારના ગુન્હાઓ નોંધવામાં આવતા હોય છે જેમાં ઘટાડો નોંધાયો છે.

સૌથી ઉલ્લેખનીય બાબત છે કે, સોશિયલ મીડિયાનો જે રીતે હાલના સમયમાં વ્યાપ વધી રહ્યો છે તેના કારણે લોકોમાં ગુનાહીત પ્રવૃતિનું માનસ પણ વધતું જઈ રહ્યું છે. લોકો સોશિયલ મીડિયા મારફતે ગુન્હા આચરવાનું વધુ પસંદ કરતા હોય તે પ્રકારનો ઘાટ હાલ ઘડાય રહ્યો છે. સોશિયલ મીડિયા મારફત છેતરપિંડી, બ્લેકમેઈલીંગ સહિતના ગુન્હાઓનું પ્રમાણ ખુબ વધ્યું છે. સાયબર ક્રાઈમના વર્ષ ૨૦૧૯માં કુલ ૪૪૫૪૬ ગુન્હાઓ નોંધાયા છે જેમાં ૭.૪ ટકા એટલે કે ૩૬૮૯૧ ગુન્હાઓ છેતરપિંડીના નોંધાયા છે. એ ઉપરાંત ૨૨૬૬ એટલેકે ૫.૧ ટકા સાયબર ક્રાઈમના ગુના જાતીય સતામણીના નોંધાયા છે. વર્ષ ૨૦૧૯માં સાયબર ક્રાઈમ હેઠળ નોંધાતા ગુન્હાઓમાં ૬૩.૫ ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. ઉપરોકત તમામ આંકડાઓ જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે, અન્ય ગુન્હાઓની સાપેક્ષે સાયબર ક્રાઈમ હેઠળ નોંધાતા ગુન્હા હેઠળ પોલીસે ધ્યાન વધુ કેન્દ્રીત કરવાની જરૂરીયાત છે. તેમજ લોકોમાં સોશિયલ મીડિયાનો વધતો વ્યાપ કેટલું ગંભીર સાબીત થઈ શકે છે તે અંગેની જાગૃતતા આવે તેની તાતી જરૂરીયાત વર્તાઈ રહ્યી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.