- જૈન ધર્મનો પાલન કરતી વ્યક્તિ હિન્દૂ નથી: છૂટાછેડાની અરજીમાં અદાલતનું મહત્વપૂર્ણ તારણ
તાજેતરમાં ઇન્દોરની અદાલતે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. જૈન દંપતીએ કરેલી છૂટાછેડાની અરજીની સુનાવણી કરતા અદાલતે નોંધ્યું હતું કે, જૈન ધર્મના લોકોને હિન્દૂ મેરેજ એક્ટ હેઠળ આવરી શકાય નહિ. જૈન ધર્મએ હિન્દૂ ધર્મથી અલગ છે. આઝાદી સમયે જ જૈન ધર્મ પાળતા લોકોને લઘુમતીનો દરજ્જો આપવાની માંગણી કરવામાં આવી હતી જે માંગણી વર્ષ 2014માં કેન્દ્ર સરકારે ગ્રાહ્ય રાખી હતી અને ગેઝેટ પ્રસિદ્ધ કરીને જૈન ધર્મને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
ફેમિલી કોર્ટના ન્યાયાધીશે જૈન સમુદાયના બે પક્ષકારોની છૂટાછેડાની અરજી ફગાવી દેતા કહ્યું કે, કેન્દ્ર સરકારે 27 જાન્યુઆરી 2014ના રોજ ગેઝેટ પ્રસિદ્ધ કરીને જૈન સમુદાયને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યો છે. જૈન સમુદાયના અનુયાયીઓ, જેમણે હિન્દુ ધર્મની મૂળભૂત વૈદિક માન્યતાઓને નકારી કાઢી છે અને બહુમતી હિન્દુ સમુદાયથી અલગ થઈને પોતાને લઘુમતી સમુદાય તરીકે સ્થાપિત કર્યા છે, તેમને હવે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ રાહત મેળવવાનો કોઈ અધિકાર નથી.
જૈન ધર્મનો કોઈપણ અનુયાયી જે હજારો વર્ષ જૂની સુસ્થાપિત ધાર્મિક અને સામાજિક પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે, તે ફેમિલી કોર્ટ એક્ટની કલમ 7 હેઠળ તેના કોઈ પણ વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે ફેમિલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકે છે.
ઇન્દોર ફેમિલી કોર્ટના પહેલા એડિશનલ ચીફ જસ્ટિસ ધીરેન્દ્ર સિંહે આ નિર્ણય જારી કર્યો છે. ઇન્દોરના એક દંપતીએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટમાં ચર્ચા દરમિયાન વકીલોએ દલીલ કરી હતી કે, જૈન સમુદાય પાસે વૈવાહિક વિવાદોના ઉકેલ માટે કોઈ અલગ કાયદો નથી. આનો ઉકેલ ફક્ત હિન્દુ લગ્ન કાયદા હેઠળ જ આવી રહ્યો છે. હિન્દુ લગ્ન કાયદામાં મુસ્લિમો સિવાય હિન્દુઓ, શીખો વગેરેનો સમાવેશ થાય છે. કોર્ટે પોતાના ચુકાદામાં પંડિત જવાહરલાલ નહેરુના પુસ્તક “ભારત એક શોધ”નો પણ ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું કે જૈન ધર્મ ચોક્કસપણે હિન્દુ ધર્મ કે વૈદિક ધર્મ નથી અને જૈન ધર્મનો પાલન કરતી વ્યક્તિ હિન્દુ નથી. ઉપરાંત લોકોને વિરોધી વિચારધારાના ધર્મના ધાર્મિક વિધિઓનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવા એ બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે.
1947માં જૈન ધર્મના અનુયાયીઓએ કરેલી લઘુમતી દરજ્જાની માંગણીનો 2014માં સ્વીકાર કરાયો’તો
કોર્ટે પોતાના નિર્ણયમાં લખ્યું છે કે, 1947માં જ જૈન સમુદાયે બંધારણ સભા સમક્ષ સમુદાય માટે લઘુમતી દરજ્જાની માંગણી કરી હતી. જે બાદ આ માંગ યથાવત રહી હતી. આ કારણોસર, 2014 માં કેન્દ્ર સરકારે તેમને લઘુમતીનો દરજ્જો આપીને અલગ માન્યતા આપી હતી. જૈનોને તેમની ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાનો બંધારણીય અધિકાર છે. કોઈને વિરુદ્ધ વિચારધારાના ધર્મના ધાર્મિક વિધિઓનું પાલન કરવા માટે દબાણ કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.
ફક્ત બંધારણ જ નહિ હિન્દૂ સંહિતાએ પણ જૈન ધર્મને અલગ તારવ્યો છે: કોર્ટ
આર્ય સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ કેસમાં 1976ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને કોર્ટે લખ્યું કે, માત્ર બંધારણ જ નહીં પરંતુ હિન્દુ સંહિતાએ પણ જૈન ધર્મને અલગ ધર્મ તરીકે માન્યતા આપી છે. જૈન ધર્મ વેદ અને મૂળભૂત વૈદિક માન્યતાઓનો વિરોધ કરે છે. જૈન ધર્મના કોઈપણ અનુયાયીને એવા ધર્મના પર્સનલ લોનો લાભ આપવો યોગ્ય લાગતું નથી જેની માન્યતાઓ તેમનાથી વિપરીત હોય.
જૈન ધર્મમાં લગ્નની નિર્ધારિત પદ્ધતિ હિન્દૂ ધર્મથી જુદી
વકીલોએ દલીલ કરી હતી કે જૈન અનુયાયીઓના લગ્નમાં સપ્તપદીની હિન્દુ પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ અંગે કોર્ટે 10મી સદીમાં આચાર્ય વર્ધમાન સુરીશ્વર દ્વારા લખાયેલ આચાર્ય દિનકર ગ્રંથનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ઉપરોક્ત પુસ્તકમાં જૈન લગ્ન માટે નિર્ધારિત પદ્ધતિ હિન્દુ લગ્ન પદ્ધતિથી અલગ છે. આ આધારે પણ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી.