Abtak Media Google News

યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસે વિશ્વ આખામાં ખળભળાટ મચાવ્યો

યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગંભીર કોવિડ ધરાવતા લોકોમાં છ મહિનામાં વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા થવાની શક્યતા 16 ગણી વધારે છે. જેનો સીધો અર્થ છે કે, લોકોમાં હૃદય રોગનો હુમલો આવવાની શક્યતા 16 ગણી વધી જાય છે. આ અહેવાલ જાહેર થતાં વિશ્વ આખામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજી(ઈએસસી)ની સાયન્ટિફિક ઈએચઆરએ – 2023માં રજૂ કરાયેલા સંશોધન મુજબ, ગંભીર રીતે કોરોના સંક્રમિત થયેલા દર્દીઓને યાંત્રિક વેન્ટિલેશનની જરૂર હોય છે, તેઓને છ મહિનામાં વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા થવાની શક્યતા 16 ગણી વધુ હોય છે તેવું એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

સંશોધન માટે સ્વીડિશ આઈસીયુમાં મિકેનિકલ વેન્ટિલેશન મેળવનાર ગંભીર કોરોના ધરાવતા કુલ 3,023 દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને સામાન્ય વસ્તીમાંથી 28,463 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં સહભાગીઓની સરેરાશ ઉંમર 62 વર્ષની હતી અને 30% સહભાગીઓ મહિલાઓ હતી. સહભાગીઓનું 9 મહિના સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ગંભીર કોવિડ દર્દીઓમાં અન્ય લોકો કરતા નોંધપાત્ર રીતે વધુ સંખ્યામાં કેસ જોવા મળ્યા હતા.

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગંભીર કોવિડ ધરાવતા લોકોમાં એટ્રિલ ફાઇબરિલેશનનું 13 ગણું જોખમ, અન્ય ટાચીયારિથમિયાનું જોખમ 14 ગણું અને બ્રેડીકાર્ડિયા/પેસમેકર ઇમ્પ્લાન્ટેશનનું 9 ગણું જોખમ હતું.

અભ્યાસ દરમિયાન દર્દીઓની ઉંમર, લિંગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ બ્લડ લિપિડ્સ, ક્રોનિક કિડની ડિસીઝ અને સામાજિક આર્થિક સ્થિતિ (શિક્ષણ સ્તર, વૈવાહિક સ્થિતિ અને આવક)નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા શું છે?

આ હૃદયની લયની સમસ્યા છે જે હૃદયના નીચલા ચેમ્બરના વેન્ટ્રિકલ્સમાં થાય છે. તબીબી રીતે તેને વી-ટેક અથવા વીટી તરીકે પણ ઓળખવામાં આવે છે.  વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયામાં હૃદય એક મિનિટમાં 100 કે તેથી વધુ ધબકારા લ્યે છે. કેટલીકવાર તે હૃદય બંધ થવાનું કારણ બને છે જે અચાનક કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી જાય છે.

વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયાના લક્ષણો શું છે?

વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા દરમિયાન દર્દીઓમાં સામાન્ય રીતે જે લક્ષણો જોવા મળે છે તેમાં છાતીમાં દુખાવો, ચક્કર આવવા, ધબકારા વધવા, માથાનો દુખાવો અને શ્વાસની તકલીફ છે. સામાન્ય રીતે વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા 30 સેક્ધડ સુધી ચાલે છે પરંતુ ગંભીર સ્થિતિમાં દર્દી ચેતના ગુમાવી શકે છે, બેહોશ થઈ શકે છે અને કાર્ડિયાક અરેસ્ટ પણ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.