Abtak Media Google News

જળ એ જ જીવન….. વરસાદી પાણીનો બગાડ અટકાવી શકાય તો જલ સમસ્યાનો 100 ટકા ઉકેલ આવી જાય. જળ સંચેયથી ક્રાંતિકારી પરિણામો મેળવી શકાય છે અને અવ્યવસ્થાથી અધોગતિ થાય છે. ઇઝરાયેલમાં મૌસમના કુલ વરસાદ આંગળીના ટેરવે ગણી શકાય એટલા મિલી મીટરમાં પડે છે. ત્યાં જળ સંવર્ધન સંચેય અને પાણીના વિજ્ઞાનીક ઉપયોગ કરીને કૃષિક્ષેત્રે અનેક ક્રાંતિકારી પરિણામો મેળવવામાં આવે છે જ્યારે ચેરાપુંજીમાં વિશ્ર્વમાં સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ નવાઇની વાત એ છે કે ચેરાપુંજી વિસ્તારમાં પીવાના પાણીની ખેંચ આખુ વરસ રહે છે. કેવી આશ્ર્ચયજનક વિરોધાભાષની પરિસ્થિતિ !! દિવસે દિવસે પાણીનો વપરાશ વધતો જાય છે ભૂગર્ભ જળની સપાટી નીચી ઉતરતી જાય છે તેની સામે વરસાદના પાણીના સંગ્રહ માટેની જાગૃતિ ઓછી થતી જાય છે.

વરસાદનું 90 ટકાથી વધુ પાણી દરિયામાં વહીને ખારૂ થઇ જાય છે. તેની સામે જો માત્ર 10 થી 15 ટકા પાણીનું ઉચીત રીતે સંચેય કરવામાં આવે તો ભૂગર્ભ જળ ઉલેચાય જવાની સમસ્યા લઇને ખેતીમાં ઘટતા સિંચાઇના પાણીની સમસ્યાનો ઉકેલ આવી જાય. વરસાદી પાણીનો બગાડ અટકાવવા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ આગળ આવવું જોઇએ. ગ્રામ પંચાયતથી લઇ કોર્પોરેશનની સંસ્થાઓ જો જાગૃત થાય અને પોતાના પ્રિમાઇસિસમાં વરસતું પાણી વહી ન જાય અને જમીનમાં ઉતરી જાય તો સ્થાનિક ધોરણે ક્યારેય બહારથી પાણી લાવવાની જરૂર જ ન પડે. શહેરી અને ગ્રામ્ય વિકાસમાં હવે રસ્તા અને શેરીઓ પાકી કરવામાં આવે છે. તેની સીધી અસર પાણીનું સંચેય ઘટાડો થાય છે. વિકાસની સાથે સાથે પાણી જમીનમાં ઉતરે તે માટે બોર અને કુવા રિર્ચાજ જેવી પ્રવૃતિને વેગ આપવાની જરૂર છે.

ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રાખવાની ઝુંબેશ અગાઉ શરૂ કરવામાં આવી હતી. ગીરના જામકા ગામમાં એક સમયે સિંચાઇ અને પીવાના પાણીની ભારે અછત પ્રર્વતતી હતી અને પીવાના પાણી માટે મહિલાઓને દૂર જવું પડતું હતું. પાણીની અછતથી ગામમાં કોઇ દીકરી દેવાં તૈયાર ન હતું. આ અભિષાપ દૂર કરવા જામકામાં ચેક ડેમ નિર્માણની ઝુંબેશ ઉપાડીને લોક ભાગીદારીથી 101 ચેકડેમ બની ગયાં. પ્રથમ વર્ષે ગામની હજારો એકર જમીનમાં પ્રથમ વખત શિયાળુમોલાત પાકી, જળક્રાંતિથી કૃષિ ક્રાંતિ પણ આવી આજે જામકા ગામમાં ગૌ સંવર્ધન, ઓર્ગેનિક ખેતી અને જળ સંચેય થકી એવો બદલાવ આવ્યો કે જામકાનું ઘી-દૂધ અને ઓર્ગેનિક ઘઉં સમગ્ર દેશમાં વેંચાઇ છે.

વરસાદનું પાણી જો જમીનમાં ઉતારી લેવામાં આવે તો ક્યારેય પાણીનું અછત ન સર્જાય. વરસાદી પાણી અટકાવવા માટે જેટલા પૈસા ખર્ચવામાં આવે તેનાથી અનેકગણું વળતર કુદરત આપી દે જ છે. જળ સંચેય માટે સરકારના આયોજન-પ્રાયોજનની જરૂર નથી. દરેક પરિવાર પોતાના ઘર પર કે ફળીયામાં વરસતાં વરસાદના પાણી જમીનમાં ઉતારવા માટે જાગૃત થાય તો પણ મોટા ફાયદા થાય.

કુવા રિચાર્જ કરવાની સાથેસાથે જ બોરમાં પાણી ઉતારવું જોઇએ. ખંભાત અને જૂનાગઢ જેવા પ્રાચિન શહેરોમાં દરેક ઘરમાં ભૂગર્ભ ટાંકામાં વરસાદનું પાણી સાચવવાની વ્યવસ્થા હતી. ચોમાસાનું આ પાણી એટલું જમા થઇ જાય કે પરિવારને ક્યાંય બહાર પાણી ભરવા જવું ન પડે. વરસાદની સિઝન પૂર્વે કૃત્રિમ જળાશયો, ડેમ, તળાવોમાંથી કાપ કાઢી વધુ પાણી સમાય તેવી આગોતરી વ્યવસ્થા અને ચોમાસામાં વરસાદના પાણીના એક-એક ટીપાંનું જો સંચેય થાય તો પાણીની ખેંચ ક્યારેય ન જ પડે. આ માટે જરૂર છે સામાજીક જાગૃતિ અને પ્રત્યેક વ્યક્તિની ‘સમજદાર’ થવાની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.