કોરોનામાં શાળા બંધ તો શું પ્રત્યક્ષ શિક્ષણ બંધ..? નહીં… સાબરકાંઠામાં શરૂ થઈ આવી પહેલ

હિતેશ રાવલ,સાબરકાંઠા: કોરોના મહામારીનું દિન-પ્રતિદિન સંક્રમણ ઘટી રહ્યું છે. આ સાથે નવા સત્રમાં અભ્યાસની શરૂઆત પણ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં બાળકોને અભ્યાસ માટે શેરી શિક્ષણ આપવાની સાબરકાંઠાથી શરૂઆત થઈ છે. સાથોસાથ વનમાં વિસ્તાર હોવાના પગલે ‘ઘરે શીખીએ’ નામની મુહિમ પણ શરૂ કરાઈ છે.

સાબરકાંઠાના અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા શેરી શિક્ષણ આપવાની શરૂઆત કરાઈ છે. જેના પગલે સ્થાનિક વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશીનો માહોલ છવાયો છે. તેમજ સમગ્ર ગુજરાત માટે અભ્યાસ ક્ષેત્રે આ એક નવીન પહેલ છે.

આ પહેલમાં તંત્ર દ્વારા ‘ઘરે શીખીએ’ નામની પુસ્તિકા પ્રત્યેક વિદ્યાર્થીના ઘરે પહોંચાડવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીને પોતાના અભ્યાસક્રમ મુજબ પોતાની શેરીમાં જ ભણાવવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓ ઘરે શીખે નામની પુસ્તિકા થકી ઘેરબેઠાં શિક્ષણ મેળવવાની શરૂઆત થઈ છે.

સામાન્ય રીતે ઓફલાઈન શિક્ષણમાં એક સાથે તમામ વિદ્યાર્થીઓને એક જ ખંડમાં ભણાવવામાં આવે છે. જ્યારે સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં શરૂ કરાયેલા શેરી શિક્ષણ અંતર્ગત એક શેરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓની એક જગ્યાએ ભેગું થવાનું હોય. બધા વિધાર્થીઓને શિક્ષણ આપવામાં આવે. જેના પગલે દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધે કે ઘટે પરંતુ વિદ્યાર્થીઓનું ભાવિ સુરક્ષિત બની રહે.

જોકે સાબરકાંઠાના વનવાસી વિસ્તારથી શરૂ થયેલો આ પ્રયાસ આગામી સમયમાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અપનાવવામાં આવશે. જેથી કરીને દિનપ્રતિદિન શૈક્ષણિક કાર્ય ઉપર થઈ રહેલી વિઘાતક અસરો ઘણા અંશે ઘટાડી શકાય. આગામી સમયમાં ગુજરાતના કેટલા વિસ્તારમાં શેરી શિક્ષણ સહિત ‘ઘરે શીખીએ’ પદ્ધતિ અપનાવવામાં આવશે.