Abtak Media Google News

અબતક, રાજકોટ

નીચલી અદાલત દ્વારા ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળની ફરિયાદ રદ કરવા સામે પરિણીતાએ દાખલ કરેલી અપીલ પણ રદ કરતો મહત્વનો ચુકાદો સેશન્સ અદાલત દ્વારા આપવામાં આવ્યો છે.રાજકોટમાં નવલનગર વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેતા પરિણીતાએ તેમના પતિ રાજુ ઉર્ફે મનોજભાઈ ભુપેન્દ્રભાઈ ત્રિવેદી અને તેના  કુટુંબીજનો   મેણાંટોણા  મારી ઢીકાપાટુંનો માર મારી પહેરેલ કપડે કાઢી મૂકી  રૂ.5 લાખ લીધા વગર નહીં આવવા જણાવેલ અને  ભાડાના મકાનમાં રહેવા માટે ફરજ પાડેલી.પત્નીએ  પતિ તથા કુટુંબીજનો પાસે વિવિધ કલમો હેઠળ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ દાદ માંગતી ફરિયાદ દાખલ કરી હતી.

ઘરેલુ હિંસાની ફરિયાદ રદ કરવાના નીચલી અદાલતના હુકમ સામેની અપીલ સેશન્સ કોર્ટે ફગાવી

આ કામમાં  પત્ની તરફે એવી રજૂઆત કરેલી કે, આ કામના પતિ ગ્લાસ એન્ડ ગ્રાફિક્સના નામે  મોટા પાયે કામ કરી દર માસ રૂ. દોઢ લાખથી વધુની આવક મેળવે છે, કાર પણ છે, તેમજ સાસુ કેટરિંગનો ધંધો કરીને રૂ. 5 લાખ ઉપર આવક ધરાવે છે,  ઘરમાં ભૌતિક સુખ સગવડના તમામ સાધનો છે,  ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ દાદ માંગી હતી.

આ કામમાં પતિ દ્વારા  પત્નીની અરજીના વિગતવારના વાંધા રજુ કરેલી અને દલીલમાં જણાવેલ કે, આ કામના પરિણીતાના અગાઉ લગ્ન થયેલા અને ત્યાંથી છૂટાછેડા લઈ મોટી રકમ મેળવેલી છે,  પત્ની દ્વારા તે હકીકત છૂપાવવામાં આવી છે. પત્નીનું માત્ર 25 દિવસનું લગ્નજીવન થી એવું શું દુ:ખ ત્રાસ આપેલુ કે પત્ની ઘર છોડીને જતું રહેવું પડે તેવો કોઇ પુરાવો રજુ કર્યો નથી,  પત્ની તા. 30/03/2018ના રોજ સવારના 10.30 વાગ્યે ઘરેથી સ્વેચ્છાએ નીકળી ગયેલ છે, સાંજ સુધી પરત નહીં આવતાં  ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુમશુદાની જાહેરાત કરેલી અને બાદ સી.સી.ટીવી ફૂટેજ ચેક કરતા પત્ની તેના મિત્ર સાથે ઘરમાંથી તમામ ચીજવસ્તુઓ લઈને સ્કૂટર પર જતાં રહેલી છે, તેવી હકીકત આવતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પત્ની તથા તેના મિત્ર સામે  ઠગાઇનો ગુનો પણ નોંધાયેલ.

પત્નીના કહેવા મુજબ  કુટુંબીજનોએ માર મારી કાઢી મુકેલની હકીકત સ્વીકારવાલાયક નથી.આ કામમા  પત્નીએ પોતાના પિતાનું ઘર હોવા છતાં નવલનગરમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું જણાવેલ છે, જેના મકાન માલિકે  અદાલતમાં સોગંદ પર જાહેર કરેલ છે કે,  મારા ઘરે ભાડે રહેતા નથી, પરંતુ તેના મિત્ર સાથે રેલનગરમાં રહે છે, આ કામના સામાવાળા પતિ તરફે એવી રજૂઆત પણ કરવામાં આવેલ કે,  પત્ની તેમના માતા-પિતા સાથે કેમ નથી રહેતા તે સંબંધનો કોઈ ખુલાસો  પત્ની આપી શકેલ નથી.ઉપરોક્ત રજુઆત ધ્યાનમાં લઇ  અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે,  પતિએ  પત્નીનો વિના કારણે ત્યાગ કરેલ હોવાનું પુરવાર કરવામાં  પત્ની નિષ્ફળ ગયેલ હોય  પત્ની સામાવાળા પતિ પાસેથી ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળની કોઈપણ કલમ હેઠળ દાદ મેળવવા હકકદાર બનતા ન હોય દલીલો તેમજ   દસ્તાવેજી પુરાવાઓ તેમજ ઉચ્ચ અદાલત તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને દયાનમાં રાખી રાજકોટના એડિશનલ સેશન્સ જજ બી.બી. જાદવે  પત્ની દ્વારા ફાઇલ કરવામાં આવેલ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળની અપીલ રદ કરવાનો હુકમ ફરમાવેલો છે.

આ કામમાં રાજુભાઈ ઉર્ફે મનોજભાઈ ભુપેન્દ્રભાઈ ત્રિવેદી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરિયા, હર્ષિલભાઈ શાહ, વિશાલભાઈ સોલંકી, વિજયભાઈ પટગીર, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, રાજેન્દ્રભાઈ જોષી, પરાગભાઈ લોલારીયા અને કિશનભાઈ ચાવડા, રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.