જો શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે: કાલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિઘ્ધા, હોમિયોપેથી જેવી વિવિધ ચિકિત્સા પઘ્ધતિઓને જાળવવા તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે લોક જાગૃતિ લાવવાનો સરકારનો પ્રયાસ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ઠઇંઘ) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ કરીને એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા,કોરોના જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.

આજે જયારે આપણે કોરોના જેવી મહામારીનો ભોગ બની રહ્યા છીએ ત્યારે સ્વાસ્થ્ય જાળવવું એ અતિ મહત્વનું કાર્ય થઈ ગયું છે. દેશમાં પહેલો કોવીડ કેસ આવ્યો એને એક વર્ષથી પણ ઉપર થઈ ગયું છે ત્યારે જો પ્રથમ લોકડાઉનની જાહેરાતને યાદ કરીએ તો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ પહેલી જ વાર લોકડાઉનની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે જાન હૈ તો જહાન હૈ ત્યારથી લઈને આજ સુધી અને હજુ ભવિષ્યમાં પણ સૌ કોઈએ પોતાના જીવનનું મહત્વ સમજી લીધુ છે. કોરોના મહામારીની ઘણી ગંભીર અસરો થઈ છે પરંતુ કેટલાક સારા પરિણામો જેવા કે પર્યાવરણની જાળવણી, લોકડાઉનમાં સૌ કોઈને પરિવાર સાથે માણવા મળેલો સમય તેમજ આપણો દેશ સ્વાસ્થ્ય ક્ષેત્રે જેટલી ઝડપથી આધુનિકતા તરફ વધ્યો હતો તેનાથી બમણી ઝડપે શરીર સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે પ્રાચીન ભારતમાં સ્વાસ્થ્ય જાળવણી માટે ઇસ્તેમાલ થતા વિવિધ આયુર્વેદિક નુસખાઓ અપનાવવા માંડ્યા છીએ.

કોરોના કાળ દરમિયાન શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ માઠી અસરો પડી છે. શરીર અને મન એકબીજા સાથે સંકળાયેલા છે. જો શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક જીવન શૈલીનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે પ્રાચીન કાળથી ચાલી આવતી યોગ,પ્રાણાયામ કરવાની આપણી સંસ્કૃતિને જાળવતા રહીને આજે સમગ્ર દેશ કઈ રીતે સ્વસ્થ રહેવા માટે નવા નવા ઉપાયો પાછળ દોરાય રહ્યો છે ત્યારે એક વાત નોંધવા જેવી છે કે લોકો પાસે આ દિશામાં યોગ્ય માર્ગદર્શન કરી શકે એવા કોઈ શ્રેષ્ઠ માર્ગદર્શક ઉપલબ્ધ નથી અથવા છે તો લોકો તેમની પાસે જતા નથી. મિત્રો, આડોશ-પાડોશ કે સગા સંબંધીઓ પાસેથી જે સલાહો મળે તે સમજ્યા વગર બેફામ ફોલો કરવામાં આવે છે જેનાથી એક યા બીજી તકલીફો સર્જાય છે માટે સ્વાસ્થ્યની બાબતમાં કોઈ પણ નિર્ણય પર વિશેષ માર્ગદશન મેળવ્યા બાદ જ આગળ વધવું જોઈએ. આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધા, હોમિયોપેથી જેવી વિવિધ ચિકિત્સા પદ્ધતિઓને જાળવવા તેમજ એ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે લોક જાગૃતિ લાવવાનાં હેતુથી સરકાર પણ આયુષ મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય જાળવણીની જુદી જુદી પદ્ધતિઓને લોકો સુધી પહોચાડવા અગ્રેસર છે.

 

 

Loading...