મિલકત લેનાર-વેંચનાર એક જ કોમના હશે તો તપાસ વગર ફટાફટ મંજૂરી અપાશે

અશાંતધારાને લઈને કલેકટર તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય

મિલ્કતની લેતી- દેતી કરનાર અલગ અલગ કોમના હશે તો મહેસુલ અને પોલીસ તંત્ર તપાસ કરી રિપોર્ટ તૈયાર કરશે, ત્યારબાદ મંજૂરી અંગે નિર્ણય લેવાશે

અશાંતધારામાં મિલકત લેનાર- દેનાર જો એક જ કોમના હશે તો ફટાફટ મંજૂરી આપી દેવાનું કલેકટર તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જો મિલ્કતની લેતી-દેતી કરનાર અલગ અલગ કોમના હશે તો મહેસુલ અને પોલીસ તંત્ર તપાસ કરી રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ મંજૂરી અંગેનો નિર્ણય લેવાશે તેવુ કલેકટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરની 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં છોટુનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈ નગર સોસાયટી, આરાધના સોસાયટી, સ્વસ્તિક સોસાયટી, પ્રગતિ સોસાયટી, ઈન્કમટેક્ષ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી, દિવ્યસિધ્ધિ સોસાયટી,જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, કુષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી,રેસકોર્ષ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતાજનાર્દન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્ર્વર પાર્ક, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરુનગર સોસાયટી, રાજાનગર અને અલ્કાપુરી સોસાયટીનો સમાવેશ થાય છે. કલેકટર તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ 28 સોસાયટીમાં મિલકત લેનાર કે વેચનાર જો એક જ કોમના હશે તો તેમને કલેકટર તંત્ર જ ફટાફટ મંજૂરી આપી દેશે. જો આ મિલકત લેનાર કે વેચનાર અલગ અલગ કોમના હશે તો મહેસુલ તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે અને આ તપાસનો રિપોર્ટ તૈયાર કરી તેને આધારે નિર્ણય લેવામાં આવશે. ટૂંકમાં એક જ કોમના ખરીદદાર અને વેચનાર હશે તો તપાસ નહિ કરવામાં આવે અને જો અલગ અલગ કોમના હશે તો તપાસ હાથ ધર્યા બાદ મંજૂરીનો નિર્ણય લેવામાં આવશે.

કલેકટર તંત્રને અત્યાર સુધીમાં મિલકત વેચાણની 30 અરજીઓ મળી

જ્યાં અશાંતધારો લાગુ પડ્યો છે. તે 28 સોસાયટીઓમાંથી મિલકત વેચાણ અંગેની 30 અરજીઓ જિલ્લા કલેકટર તંત્રને મળી છે. જેમાંથી એક અરજદારને તેની મિલકત દીકરીને ભેટમાં આપવાની હોય તેઓની અરજીને મંજૂરી આપી દેવામાં આવી છે. અન્ય 10 જેટલી અરજીઓમાં પણ ખરીદનાર અને વેચનાર એક જ કોમના હોય તેઓને આવતીકાલે નિવેદન અર્થે બોલાવવામાં આવ્યા છે. તેઓને પણ નિવેદન બાદ તુરંત જ મિલ્કત વેચાણની મંજૂરી આપી દેવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.