Abtak Media Google News

સરકારની જાહેરાત છતાં પીજીવીસીએલ તંત્રનો આગ્રહ

૧૦૦ યુનિટ માફ કરાવવા જતા જનતાના પગલે ઉતરે છે પાણી: કોંગ્રેસ આગેવાનોનો આક્રોશ

રાજયમાં ૧૦૦ વીજ યુનિટ માફ કરવા અંગે સરકાર દ્વારા બુધવાર સુધીમાં પરિપત્ર જાહેર કરવામાં નહી આવે તો આંદોલન છેડવાની કોંગ્રેસ આગેવાનોએ ચીમકી આપી છે.

રાજકોટ સહિત રાજયભરમાં લોકડાઉન બે મહિના રહ્યા પછી લોકો આર્થિક મંદીમાં સપડાઈ ગયા છે.ત્યારે ગરીબ પરિવારોને ૨૦૦ યુનિટ વીજબીલમાં માફી આપવા અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા આંદોલન આચર્યા બાદ સરકારે ૧૦૦ યુનિટ સુધી માફી આપવામાં આવ્યા પછી પણ આ બીલ માફ કરવા અંને રીફંડ મેળવા સરકારનો પરિપત્ર જે તે પીજીવીસીએલ કચેરી સુધી પરિપત્ર પહોચાડવામાં સરકારે ઠાગાઠૈયા કર્યા છે. જેની સામે લાખો ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આગામી બુધવાર સુધીમાં સરકાર પરિપત્ર જાહેર નહી કરે તો જનજાગૃતિ અર્થે બુધવારથી કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ફરીથી લડત શરૂ કરવામાં આવશે તેમ કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, ગોપાલભાઈ અનડકટ, રણજીતભાઈ મુંધવાએ જણાવ્યું છે.

કોરોનાની મહામારી વચ્ચે બે મહિના સુધી લોકડાઉન જાહેર કર્યા પછી સરકારની ગરીબ વિરોધી નીતિને પગલે લોકોની કમર તૂટી ગઈ છે. અનલોક થયાપછી પણ લોકો હજુ પગભર થાય તે પૂર્વે જ પીજીવીસીએલ તંત્ર દ્વારા બે મહિનાના બીલની ઉઘરાણી ચાલુ કરી દેવામા આવતા કોંગ્રેસ દ્વારા લોકોની સુખાકારી માટે લડત શરૂ કરવામાં આવી હતી.

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઘર દીઠ ૧૦૦ યુનિટ વીજ બીલમાં માફીની જાહેરાત એક સપ્તાહ પૂર્વે કરી હતી જેને અઠવાડીયું વીતી ગયું હોવા છતાં આજ દિન સુધી તેની અમલવારી કરવામા સરકાર ઠાગાઠૈયા કરી રહી છે. એક સપ્તાહ પછી પણ રીફંડ મેળવવા અને બીલમાં ૧૦૦ યુનિટ માફી કરાવવા લાખો ગ્રાહક વીજ કચેરીના ધકકા ખાઈ રહી છે. પરંતુ સરકારના ઈશારે કામ કરતા પીજીવીસીએલનાં કર્મચારીઓ સરકારનો પરિપત્ર નહી મળ્યો હોવાથી તેઓ વીજ બીલમાં માફી નહી આવે તેવા જવાબો આપતા હોવાથી રાજયનાં લાખો ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

દરરોજ વીજ કચેરીના ધકકા ખાતા લોકોએ ભાજપ સરકાર સામે ભારે રોષ ઠાલવ્યો છે. આવી પરિસ્થિતિમા ગરીબ પરિવારોને કોણીએ ગોળ ચોટાડતી ભાજપ સરકાર સામે ફરીથી કોંગ્રેસ દ્વારા લડતના મંડાણ કરવામાં આવશે.

આગામી બુધવાર સુધીમાં રાજયભરમાં ૧૦૦ માફી અંગે પરિપત્ર જો નહી પહોચાડવામાં આવે તો રાજયભરમાં ગાંધી ચિંધ્યા માર્ગે લડતની શરૂઆત કરવામાં આવશે.તેમ જસવંતસિંહ ભટ્ટી ડી.પી. મકવાણા ગોપાલભાઈ અનડકટ અને રણજીતભાઈ મુંધવાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.