Abtak Media Google News

અફઘાનની મધ્યસ્થ બેંકની 10 અબજની સંપત્તિ વિદેશમાં , હવે તે સંપત્તિ પરત લેવા માટે વૈશ્વિક માન્યતા મળવી ખૂબ જરૂરી

ઈસ્લામિક આમીરાત ઓફ અફઘાનિસ્તાનને માન્યતા નહિ મળે તો અફઘાનનું દેવાળીયુ ફૂંકાઈ જશે તે નક્કી છે. કારણકે અફઘાનની મધ્યસ્થ બેંકની 10 અબજની સંપત્તિ વિદેશમાં છે. હવે તે સંપત્તિ મેળવવા માટે ઈસ્લામિક આમીરાત ઓફ અફઘાનિસ્તાનને વૈશ્વિક માન્યતા મેળવવી ખૂબ જરૂરી બની છે.

તાલિબાને ભલે અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે પણ અફઘાનિસ્તાનની 10 અબજ ડોલરની રકમ મેળવવી મુશ્કેલ બની છે. અફઘાનિસ્તાનની મધ્યસ્થ બેંકે મોટાભાગની સંપત્તિ અફઘાનિસ્તાનમાંથી બહાર રાખી છે. આ સ્થિતિમાં તાલિબાની શાસક અફઘાનની મધ્યસ્થ બેન્કની 10 અબજ ડોલરની સંપત્તિ પર સરળતાથી નિયંત્રણ કરી શકશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વહિવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાન સરકારના મધ્યસ્થ બેન્કના અમેરિકામાં જે પણ સંપત્તિ છે તે તાલિબાનને આપવામાં આવશે નહીં. અફઘાનિસ્તાનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે દેશની મધ્યસ્થ બેન્ક- ધ અફઘાનિસ્તાન બેન્કએ પોતાની તિજોરીમાં વિદેશી ભંડોળ, સોનુ અને અન્ય ખજાનાને છૂપાવી રાખ્યો છે.

જોકે, બેન્કના કુલ ખજાની ચોક્કસ માહિતી મળી શકી નથી.અફઘાનિસ્તાનની મોટાભાગની સંપત્તિ દેશની બહાર રાખવામાં આવી છે. આ સંપત્તિ તાલિબાની લડાકૂની પહોંચથી દૂર છે. ડીએબીના ગવર્નર અજમલ અહમદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમણે રવિવારે બેન્કનું પદ છોડી દીધુ છે. અફઘાનિસ્તાનનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને અન્ય મુખ્ય અધિકારીઓ અગાઉથી દેશ છોડી બહાર જતા રહ્યા છે. તાલિબાને શરિવારે એક નિવેદનમાં કહ્યું કે સંપત્તિ, જાહેર સુવિધાઓ અને સરકારી કાર્યાલય રાષ્ટ્રની સંપત્તિ હતી. તેની ઉપર ચાંપતી નજર રાખવી જોઈએ.

તાજેતરના નિવેદનથી જાણવા મળ્યું છે કે ડીએબી પાસે 10 અબજની કુલ સંપત્તિ છે. તેમા 1.3 અબજ ડોલર સોનાનો ભંડાર અને 36.2 કરોડ ડોલરનું વિદેશી હૂંડિયામણ છે. વિકાસશીલ દેશોની મોટાભાગની મધ્યસ્થ બેન્ક મોટાભાગે ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્ક અથવા બેન્ક ઓફ ઈંગ્લેડ જેવી સંસ્થા પાસે વિદેશોમાં પોતાની સંપત્તિ ધરાવે છે.

ડીએબીના મતે એફઆરબીએનવાય પાસે અફઘાનની મધ્યસ્થ બેન્કના 101.77 અબજ અફઘાની કરન્સીની કિંમત ધરાવતી સોનાની ઈંટ છે. આ સાથે 1.32 અબજ ડોલર તિજોરીમાં હતા. ડીએબીના જૂનના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બેન્ક પાસે 6.1 અબજ ડોલરનું રોકાણ પણ છે. વર્ષના અંત ભાગના અહેવાલમાં જાણવા મળ્યું છે આ પૈકી મોટાભાગનું રોકાણ અમેરિકાના ટ્રેઝરી બોન્ડ્સ અને બિલ્સમાં કરવામાં આવ્યું છે.

તાલિબાને ભારત સાથેની આયાત- નિકાસ બંધ કરી દીધી

અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થતાં હવે તેની સાથે પાડોશી કે અન્ય દેશોના સંબંધો પણ બદલાવા લાગ્યા છે. ભારત અને અફઘાનિસ્તાન ગાઢ મિત્રો છે, પરંતુ તાલિબાને સત્તા પર આવતાની સાથે જ ભારત સાથે આયાત અને નિકાસ બંને બંધ કરી દીધા છે. ફેડરેશન ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડો.અજય સહાયે આ વાતની પુષ્ટિ કરી છે. ડો.અજય સહાયે કહ્યું કે તાલિબાને હાલ તમામ કાર્ગો અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમારો માલ મોટાભાગે પાકિસ્તાન મારફતે જ સપ્લાય થતો હતો, જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. અમે અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, જેથી અમે સપ્લાય શરૂ કરી શકીએ. પરંતુ હાલમાં તાલિબાને આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

તોડેંગે દમ મગર તેરા સાથના છોડેંગે અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાને ભારતની જરૂર પડી

હવે અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાને ભારતની જરૂર પડવાની જ છે. એટલે હવે અમેરિકા યે દોસ્તી હમ નહિ તોડેંગે, તોડેંગે દમ મગરનું રટણ કરી રહ્યું છે.  કાબુલની જમીન પર યુએસએએ તેના કબ્જામાં રહેલા એરપોર્ટ પર ભારતીય વિમાનને પ્રાથમિકતા આપી હતી. જેથી ભારત તેના દૂતાવાસના કર્મચારીઓ અને અધિકારીઓને બહાર કાઢી શકે.  સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાના અફઘાનિસ્તાન સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો હોઈ શકે છે. પરંતુ બદલાયેલા વાતાવરણમાં વધુ સંમતિ બની રહી છે. બદલાતા ભૌગોલિક રાજકીય સંદર્ભમાં ખાસ કરીને વિસ્તૃત ક્ષેત્રમાં, રશિયા, ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતા રાજકીય સંયોગો, ખાસ કરીને કેન્દ્રમાં તાલિબાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાન સામે અમેરિકા અને ભારત વધુ નજીક આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.