Abtak Media Google News

આજથી સોશિયલ મીડિયા દ્વારા આંદોલનનો પ્રારંભ: ગ્રેડ પે સહિતની માંગને લઇને એસટી નિગમના કર્મચારીઓએ આંદોલન જાહેર કર્યું: જો માંગણી નહી સ્વિકારાય તો લાખો મુસાફરો રઝળી પડશે

ગ્રેડ પે સહિતની વિવિધ પડત્તર માંગણીઓને લઇ એસટી નિગમના કર્મચારીઓ ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યાં છે. આવતીકાલથી સોશિયલ મિડીયા દ્વારા આંદોલનનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને જો આગામી દિવસોમાં આ પડત્તર માંગણીઓ સંતોષવામાં નહી આવે તો 23મી સપ્ટેમ્બરની મધ્ય રાત્રિથી માસ સીએલ ઉપર ઉતરવાની પણ ચીમકી આપી છે. એટલે હવે પડત્તર માંગણીઓ નહી સ્વિકારાય તો 23મીથી એસટીના પૈડાં થંભી જશે અને લાખો મુસાફરો રઝળી પડશે.

એસટી નિગમના વિવિધ સંગઠનો દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ડ્રાઇવર-કંડક્ટરના ગ્રેડ પેના સુધારા માટે 07/06/2022ના રોજ નિગમના મેનેજમેન્ટ સાથે સમાધાન તો થયું પરંતુ હજુ સુધી તેનું નિરાકરણ સામે આવ્યું નથી. રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓને ચુકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના નિગમના કર્મચારીઓને હજુ સુધી ચુકવવામાં આવ્યા નથી. નિગમના કર્મચારીઓને પગાર ધોરણને આનુસાંગિક મળતા વિવિધ ભથ્થાઓમાં વર્ષ-1997 બાદ આજ દિન સુધી કોઇ સુધારો કરવામાં નથી આવ્યો. એસટી નિગમના ડ્રાઇવર-કંડક્ટર, મિકેનીક એન્જીનીંયર તેમજ ઓ.ટી. મેળવતાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ મળવાપાત્ર પગાર ધોરણ ઓ.ટી.ના દરમાં સુધારો કરી આપવામાં આવે, આવી વિવિધ માંગણીઓને લઇ કર્મચારીઓએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. આવતીકાલથી તેનો પ્રારંભ થશે અને જો માંગણીઓ નહી સ્વિકારાય તો 23મીની મધ્ય રાત્રિથી એસટી બસના પૈડાંઓ થંભી જશે.

એસટી કર્મચારી યુનિયનના લીડરના જણાવ્યા મુજબ સરકાર દ્વારા તાત્કાલીક માંગો પૂરી કરવામાં નહી આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.