સહકાર છે તો જ સમૃદ્ધિ છે… ગુજરાતના ડેરી ઉદ્યોગનું માર્કેટ 1 લાખ કરોડને પાર : મોદી

વડાપ્રધાને સાબર ડેરીમાં 305 કરોડના ખર્ચે તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ, 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું : પાંચ એકરમાં રૂ. 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાબરકાંઠામાં સાબર ડેરીમાં પાવડર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. જેમાં આશરે 120 મિલિયન ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 300 કરોડથી વધુ છે. પ્લાન્ટનું લેઆઉટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોને પૂર્ણ કરે છે. તે લગભગ શૂન્ય ઉત્સર્જન સાથે અત્યંત ઊર્જા કાર્યક્ષમ છે. પ્લાન્ટ નવીનતમ અને સંપૂર્ણ સ્વયંસંચાલિત બલ્ક પેકિંગ લાઇનથી સજ્જ છે.પ્રધાનમંત્રી સાબર ડેરી ખાતે એસેપ્ટિક મિલ્ક પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ એક અત્યાધુનિક પ્લાન્ટ છે જેની ક્ષમતા દરરોજ 3 લાખ લિટર છે. આ પ્રોજેક્ટ લગભગ રૂ. 125 કરોડના કુલ રોકાણ સાથે અમલમાં આવ્યો છે. પ્લાન્ટમાં અત્યંત ઊર્જા કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી સાથે નવીનતમ ઓટોમેશન સિસ્ટમ છે. આ પ્રોજેક્ટ દૂધ ઉત્પાદકોને વધુ સારું મહેનતાણું સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. વડાપ્રધાને  જીલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનીટ વાર્તાલાપ કર્યો હતો. સાથે જ વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સાબર ડેરીનો વિસ્તાર થઇ રહ્યો છે ત્યારે નવો ચીઝ પ્લાન્ટ સાબર ડેરીને મદદ કરશે. આ પ્રસંગે તેમણે તમામ પશુપાલકો અને ડિરેક્ટરોને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સાબર ડેરીની વાતમાં ભૂરાભાઇ પટેલની યાદ આવે જ. તેમણે વર્ષો પહેલાં શરૂઆત કરી હતી અને તેમણે લાખો પશુપાલકોનું જીવન સુધાર્યું હતું. સાબરકાંઠામાં કંઇ જ નવું જોવા નહી મળે કારણ કે ભાગ્યે જ એવો કોઇ ભાગ હશે જ્યાં ગયો નહી હોવ.

આજે પણ એ અવાજ કાનમાં ગૂંજે છે. આજથી બે દાયકા પહેલાં અહીં શું સ્થિતિ હતી એ તમને મને બંનેને ખબર છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતે બદલાવ કર્યો છે, અર્થ વ્યવસ્થાને ડેરીએ મજબૂત કરી. પશુપાલક બહેનો સાથે વાત કરતાં કહ્યું કે વધારો મળે એટલે બહેનો સોનું ખરીદે. ગુજરાતનું ડેરી માર્કેટ 1 લાખ કરોડને પાર પહોંચ્યું છે. મને ખુશી છે કે દૂધ સમિતિઓમાં મહિલાઓને સ્થાન મળ્યું છે. કેટલીક જગ્યાએ મહિલાઓ જ બધુ કામ સંભાળે છે. મેં એ વખતે નિયમ કર્યો કે દૂધના રૂપિયા ભાઇઓને નહી પણ મહિલાઓને મળવા જોઇએ. જેનાથી મહિલાઓની તાકાત વધી. સહકાર છે એટલે જ સમૃદ્ધિ છે

ખેડૂતોના ઉત્થાન માટે 10 હજાર એફપીઓ શરૂ કરવાનું કાર્ય પ્રગતિમાં

પીએમ મોદીએ સાબરકાંઠાના પોતાનાં જૂના સાથીઓને યાદ કર્યા હતા. તેમણે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ જ્યેન્દ્રસિંહ રાઠોડ અને હિંમતનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ શ્રીરામ સંખલાને યાદ કર્યા હતા. તેમણે પ્લાસ્ટિકના ઉપયોગને લઈને જણાવ્યું હતું કે પશુઓની સારવાર માટે ઓપરેશન કરીએ એટલે તેમના પેટમાંથી 15-20 કિલો પ્લાસ્ટિક નીકળતું હતું. દૂધનો પૈસો મહિલાઓ પાસે જ જવો જોઈએ જેની તેમણે શરૂઆત કરાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં 10 હજાર એફપીઓ શરૂ કરવાનું કાર્ય ચાલુ છે. ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે. નાની જમીન ધરાવતા ખેડૂતોની આવક વધી છે. સાબરડેરી હવે સમગ્ર જિલ્લામાં મધમાખીની પેટી ખેડૂત પશુપાલકોને આપી રહી છે. 3500ની યુરિયા થેલી 300 રૂપિયામાં સરકાર આપે છે.

આદિવાસી સમાજની દીકરી પ્રથમ વખત સર્વોચ્ચ પદ પર પહોંચી તે દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ

પીએમે 15 નવેમ્બર ભગવાન બીરસા મુંડાના જન્મદિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઘોષીત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય પણ બનાવી રહી છે. આદિવાસી સમાજમાંથી આવનારી દેશની દીકરી પ્રથમ વખત ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચી છે. દેશે શ્રીમતી દ્રૌપદી મૂર્મુને પોતાના રાષ્ટ્રપતિ બનાવ્યા છે. 130 કરોડથી વધુ ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે.

સરકારે 3 કરોડથી વધુ ખેડૂતોને આપી કિસાન ક્રેડિટ કાર્ડની સવલત

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો છે. આજે મહિલાઓ દુધ-મંડળીઓ ચલાવી રહી છે, મધનું ઉત્પાદન બમણું થયું છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા 3 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે.