Abtak Media Google News

પહેલા તો વિવિધ બાળકાર્યક્રમો-સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો થકી બાળકોના સંર્વાગી વિકાસ માટે સંસ્થા કાર્યરત હતી જે આજે : હાલમાં વિવિધ ધંધાદારી કલાસીઝમાં બાળક કશું જ શીખતો નથી : દરેક શહેરમાં બાલ-ભવન સ્થાપવા જરૂરી

નાનાકડા બાળકમાં વિશિષ્ટ તાકાત પડેલી હોય છે. બાળક આપણું ભાવી નાગરીક છે તેથી તેના સંર્વાગી વિકાસમાં તેને આજથી જ તાલિમબધ્ધ કરીને તેમના પડેલી વિવિધ સ્કીલને પ્રોત્સાહિત કરીને તજજ્ઞોના માધ્યમોથી નિપુણ બનાવવો જરૂરી છે. ૧૯૮૦ના દાયકા સુધી વિવિધ બાળ સંસ્થાઓ દર માસે વિવિધ કાર્યક્રમો યોજતી હતી પણ આજે તેની અછત છે. મહિલા અને યુવાનો માટે ઘણી સંસ્થા કામ કરે છે પણ ખાટલે મોટી ખોટની જેમ બાળકો માટે બાળ કાર્યક્રમોની જ સૌથી મોટી ખોટ છે.

પહેલા તો વક્તૃત્વ-ચિત્ર-સંગીત-સ્પોર્ટસ અને ગાયન-વાદન જેવી વિવિધ સ્પર્ધા યોજાતીને બાળકો હોંશભેર ભાગ લેતા પણ આજે ખાનગી શિક્ષણની બોલબાલા વચ્ચે વિવિધ બાળકલાના કહેવાતા કલાસીઝો ખૂલ્યા જેમાં મસમોટી ફી લેવાય છે, પણ વિકાસના નામે મીંડુ જ હોય છે. પહેલા તો તમે ભાગ લો એટલે પ્રોત્સાહનરૂપે બધા બાળકોને ઇનામ અપાતા હતાં. ૧૯૯૦ના ગાળામાં બાળ મનોવિજ્ઞાન થઇ અસરકર્તા કેટલાય તજજ્ઞોએ પ્રથમ ત્રણ નંબર આપવાનું પણ બંધ કરીને બધાને ઇનામો અપાતા હતા જે એક શ્રેષ્ઠ બાબત હતી.

Adhd Kidsc1

સારી બાળ ફિલ્મો પણ બાળકોને બતાવવી જોઇએ સાથે સારા બાળ નાટકો પણ જોવાની ટેવ પાડવી જોઇએ. પહેલા તો સર્કસ કે જાદુ શો જોવાની બાળકોને મજા પડતી આજે ક્યાંય જોવા મળતું નથી. સવાર ભણતો બાળક બપોરે જમીને વિવિધ કલાસીઝમાં જોતરાય જાયને મોડી રાત્રી સુધી વિવિધ કલાના શિક્ષણ મેળવવા મજુરની જેમ અહીંથી તેમ ઢસરડા કરતો જોવા મળે છે. આજ રીતે બપોરે ભણતો બાળક સવાર-સાંજ આજ કામમાં ઢસરડા કરે છે. આટલુ કર્યા પછી પણ તેને કશું જ આવડતું નથી.

આજના શિક્ષણમાં પણ સંગીત-ચિત્ર કે રમત-ગમત જેવા મહત્વના અને બાળકને ગમતા વિષયોનો જ છેદ ઉડાડી દીધો છે ત્યાં તમે તેના સર્વાંગી વિકાસ આશા ક્યાંથી રાખી શકો છો. આજના મા-બાપો પણ પોતાના બાળકમાં બધા ગુણો જોવે છે, તેની તાલિમ માટે વધારાના વર્ગો કરાવે પણ ક્યારેય બાળકના રસ-રૂચી-વલણોને ધ્યાને લીધા નથી જે નગ્ન સત્ય છે. ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ચાલે તે કેટલાને ખબર છે તે મોટો પ્રશ્ન છે. બાળકોને રમવા ક્રિડાંગણો-રમતનાં સાધનોમાં મોટી વયના કબજો જમાવીને બેઠા હોય ત્યાં ટબૂકડાનો શારીરીક વિકાસ ક્યાંથી થાય.

શાળા શિક્ષણમાં ઇત્તર પ્રવૃતિનું વિશેષ મહત્વ હોય છે જે આજે ક્યાંય દેખાતું નથી. બાળકની વય-કક્ષા અનુરૂપ વિવિધ આયોજનો સાથે વિનામૂલ્યે કોચિંગ આપતી સંસ્થાઓ શરૂ થાય તો દેશનાં ભાવી નાગરિકોનું શ્રેષ્ઠ ઘડતર કરી શકીએ. બાળકને શ્રેષ્ઠ પર્યાવરણ આપવું મા-બાપની ફરજ છે. જેને કારણે તે વધુ શીખી છે. પરંતુ આજે વિવિધ વર્ગોમાં સવાર થી સાંજ બાળકને સતત પ્રવૃતિ શિલ રાખીને મા-બાપ સંતોષ માને છે. મા-બાપને પણ બાળ આહાર-ઉછેર-વિકાસ માટે તાલિમબધ્ધ કરવાની જરૂર છે.

આજના બાળકો પાસે બધી જ ભૌતિક સુવિધા છે પણ તેની સાથે રમવાવાળું કોઇ નથી, મા-બાપને પણ સમય નથી. તેથી તમે જોયુ હકે કે બાળક તેની જેવડા સાથે શેરીમાં મસ્ત રીતે રમે છે. આજના મા-બાપે પોતે પણ ઘણું ત્યાગ કરીને બાળક સાથે બાળક બની જઇને તેનો સંર્વાગી વિકાસ કરવો જરૂરી છે.

ઇશ્ર્વરે માનવજાતને લખેલો પ્રેમપત્ર એટલે ‘બાળક’ આજ બાળકને પ્રેમ-હૂંફ-લાગણી જ મળતી નથી જેને કારણે આપણાં દેશમાં બાળ ગુનેગારો વધ્યા છે. આજના બાળક તેના માસપટમાં રમતા હજારો વિચારો બાબતે ઘણુ કરવું છે પણ તેને કોઇપૂંછતુ નથી, સાંભળતું નથી કે કરવા દેતુ નથી જે ચિંતા અને ચિંતનનો વિષય છે.

૦ થી ૮ વર્ષ સુધીના બાળકો મગજનો ૯૦ ટકા ઉપયોગ કરીને બધુ જ યાદ રાખવાની ક્ષમતાવાળો હોય છે. તેની આ વિશિષ્ટ શક્તિનો કોઇ મા-બાપે, શાળ સંકુલોએ ઉપયોગ કર્યો નથી. બાળવયે તેને જેમ વાળો તે તરફ તે વળે છે અર્થાત નવું નવું ઝડપથી શીખે છે.

બાળકને થોડો સપોર્ટ મળે તો તે મહાન બની શકે છે. પણ દુ:ખએ વાતનું છે કે આવી મહત્વની વાત માટે પણ આપણી પાસે સમય નથી.

આજે કાર્ટૂન ચેનલ અને મોબાઇલમાં બાળકો ગુચવાય ગયા !!

બાળકો સાથે રમે-હરે-ફરેને સતત નવું નવું શીખે તો બાળકોનો વિકાસ થાય છે. ઘરની ચાર દિવાલમાં બંધિયાર બાળપણ આજે જોવા મળી રહ્યું છે ત્યારે દરેક મા-બાપે તેના સંતાનોના વિકાસ માટે તકેદારી લઇને તેના રસ-રૂચી-વલણોને પ્રોત્સાહન આપવું જોઇએ. ચાર દિવાલોની કેદમાં આજનું બચપણ કાર્ટૂન ચેનલો અને મોબાઇલમાં ગુંચવાઇ ગયું છે. ઓનલાઇન શિક્ષણના છેલ્લા સવા વર્ષના માહોલમાં બાળકો શિક્ષણમાં નહીં મોબાઇલમાં પાવરધા થઇ ગયા છે. મોટા બાળકો તો બીજા સર્ચીગ અને સર્ફીગનાં રવાડે પણ ચડી ગયાનું જાણવા મળ્યું છે. પરિવર્તનની સદીએ બાળકોનું બાળપણ સાથે ભાવી પેઢીનું ઘણું બધુ છીનવી લીધું છે. આજના મા-બાપો પણ પોતાની અધુરી ઇચ્છાઓ-સપનાઓ પોતાના બાળકમાં જોતા હોવાથી તેને તે બનવા સતત પ્રેશર કરી રહ્યાં છે. નાનકડા બાળકની મુઠ્ઠીમાં કેટલું સમાય તે વિચાર્યા વગર આપણે એક પછી એક બધું ઠાંસી ઠાંસીને ભરી દઇએ છીએ. આજે બાળક સાથે રમવાવાળું કોઇ ન હોવાથી બાળક એકલું પડી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.