સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાં વાહન વેરામાં વધારો મંજૂર કરાશે તો લોકો વાહનની ખરીદી અન્ય શહેરોમાંથી કરતા થઈ થશે !

કોરોનાકાળમાં બે વર્ષથી મંદિ વેઠી રહેલા વાહનના શો-રૂમ સંચાલકોને માર પડશે: 15 કરોડની સૂચિત આવક રળવાનો કોર્પોરેશનનો નિર્ણય વેપાર ઉદ્યોગ માટે ઘાતક સાબિત થશે

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ-2022-2023નું રૂા.2334.94 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગત્ બીજી ફેબ્રુઆરીના રોજ દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વાહન વેરામાં 150 થી 300 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. હાલ ખડી સમિતિ દ્વારા બજેટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે બજેટને લીલીઝંડી આપી દેવામાં આવશે. જો શાસકો દ્વારા વાહન વેરામાં વધારો માન્ય રાખવામાં આવશે તો સૌરાષ્ટ્ર તો ઠીક રાજકોટવાસીઓ પણ અન્ય શહેરોમાંથી વાહનોની ખરીદી કરતા થઇ જશે. જેની અસર શહેરના વેપાર-ઉદ્યોગ પર પડશે. માત્ર 15 કરોડની સુચિત આવક રખવાનો નિર્ણય વાહન શો-રૂમના સંચાલકો માટે ઘાતક સાબિત થશે.

કોર્પોરેશન દ્વારા આજથી છ વર્ષ પૂર્વ વાહન વેરાના નામે લોકો પર નવો કરબોજ લાદવામાં આવ્યો હતો. છેલ્લા છ વર્ષથી 1 લાખ સુધીની કિંમતના વાહનો પર 1 ટકો અને એક લાખથી વધુની કિંમતના વાહનો પર 2 ટકા લેખે વાહન વેરો વસૂલવામાં આવે છે. જેના થકી વર્ષ દહાડે 19 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ટેક્સની આવકમાંથી હવે પગાર ખર્ચ પણ નિકળતો નથી, આવામાં આવક વધારવા માટે વાહન વેરામાં 150 થી 300 ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં સ્કૂટર, મોટર સાયકલ, દ્વીચક્રિય વાહન, ઓટો રિક્ષા, લોડીંગ રીક્ષા, ફોર વ્હીલ, લોડીંગ ટેમ્પો, મીની ટ્રક પર એક્સશોરૂમ પ્રાઇઝના અઢી ટકા, મોટર કાર અને જીપ પ્રકારના વાહનો કે જેની કિંમત 4 લાખ સુધીની છે. તેના પર 2 ટકા લેખે, 4 લાખથી લઇ આઠ લાખ સુધીના વાહનો પર 2.50 ટકા મુજબ, 8 લાખથી લઇ 15 લાખ સુધીના વાહનો પર 2.75 ટકા મુજબ, 15 લાખથી લઇ 25 લાખ સુધીના વાહનો પર 3.50 ટકા લેખે, 25 લાખથી 50 લાખ સુધીના વાહનો પર 4 ટકા લેખે જ્યારે 50 લાખથી વધુની કિંમતના તમામ વાહનો પર 5 ટકા લેખે વાહન વેરો વસૂલવા દરખાસ્ત કરાય છે. મેટાડોર, મીની બસ, ટ્રક, મોટી બસ તથા અન્ય વાહનો પર એક્સશોરૂમ પ્રાઇઝના 2 ટકા લેખે વસૂલવા સૂચવવામાં આવ્યું છે.

વાહન વેરામાં વધારો કરવાથી મહાપાલિકાને વધારાની 15 કરોડ રૂપિયાની ચોક્કસ આવક થશે. પરંતુ તેનાથી અબજો રૂપિયાનો વેપાર રાજકોટની બહાર જતો રહે તેવી પણ દહેશત વર્તાય રહી છે. કારણ કે સિધ્ધી ગણતરી કરવામાં આવે તો 50 લાખ સુધીની કાર ખરીદી કરે તો તેને વાહન વેરા પેટે જ અઢી લાખ રૂપિયા ચૂકવવા પડે અને આ રકમ બચાવવા કોઇપણ વ્યક્તિ રાજકોટના બદલે અન્ય શહેરોમાંથી વાહનોની ખરીદી કરે તેવી પણ શક્યતા ભારોભાર રહેલી છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાકાળમાં તમામ સેક્ટરના ધંધાર્થીઓ મંદિ વેઠી રહ્યા છે. લોકોની પણ ખરીદ શક્તિ ઘટી છે. નવા વાહનો ખરીદવાનું લોકો ટાળી રહ્યા છે. જો આવામાં વાહન વેરામાં મહાપાલિકા દ્વારા વધારો કરવામાં આવશે તો લોકો વેરાના પૈસા બચાવવા માટે રાજકોટના લોકો અન્ય શહેરોમાંથી વાહનોની ખરીદી કરવા લાગશે. શાસકોએ પણ વિવેક બુધ્ધિપૂર્વક નિર્ણય લઇ 15 કરોડની આવક માટે અબજોનો વેપાર જતો થાય તે અંગે વિચારવું જોઇએ.

કોરોનાકાળમાં લોકોની ખરીદ શક્તિ ઘટી છે, વાહન વેરામાં વધારો સહન નહીં કરી શકે !

કોરોના કાળમાં છેલ્લાં બે વર્ષથી લોકોની ખરીદ શક્તિ ઘટી રહી છે. બહુ જ જરૂરી હોય તેવા કિસ્સામાં જ લોકો નવા વાહનોની ખરીદી કરે છે. જૂના વાહનોનું ખરીદ-વેંચાણ પણ વધ્યું છે. કોર્પોરેશન દ્વારા વાહન વેરામાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. જો આવુ થશે તો લોકો માટે વાહન ખરીદવું મોંઘુ થઇ જશે.