Abtak Media Google News

અબતક, રાજકોટ

ડીજે અને ગાયકોના કાર્યક્રમને શરૂ કરવા અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે. સહિતના અન્ય કાર્યક્રમ યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે અને એ નિર્ણયના આધારે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ગૃહ વિભાગને આજે સાંજ સુધીમાં નોટિફિકેશન કરવાની સૂચના આપી છે. કોરોનાની લીધે છેલ્લાં બે વર્ષથી ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, મુખ્યમંત્રીને મળેલી રજૂઆત મુજબ છૂટછાટ અપાશે. આ નિર્ણય બાદ આ વર્ષે ગણેશોત્સવની ધૂમધામ ઉજવણી થશે તેમજ નવરાત્રિમાં પણ ડીજેની રમઝટ જોવા મળી શકે છે.

સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે,
બાદમાં ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે

ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ ગંભીર બનતાં તમામ તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાથી સરકાર દ્વારા તહેવારો તેમજ ઈન્વેટમાં છૂટછાટ આપી રહી છે. જન્માષ્ટમીમાં પણ રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટ આપવામાં આવી હતી. ત્યાર બાદ ગણેશ ઉત્સવમાં ૮ મહાનગરના રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરાયો છે, સાથે સરકાર દ્વારા આ વર્ષે તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય એવી વ્યવસ્થા થઈ ગઈ છે. ભાદરવી પૂનમ અંગે પણ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, કોરોનાના કારણે ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની હાલત કફોડી બની ગઇ હતી. પરંતુ હવે સરકારે છૂટ આપતા તેઓ અંદાજે બે વર્ષ બાદ કાર્યક્રમો યોજી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ગયા વર્ષે નવરાત્રિનું કોઈ આયોજન કરાયું ન હોતું. જો કે આ વખતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં હોવાથી આયોજકોને આશા જાગી છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે હજુ નવરાત્રિના આયોજન પર અસમંજસ જેવી સ્થિતિ છે. આયોજકોએ સરકાર નવરાત્રિને લઇ ટૂંક સમયમાં જ કોઇ નિર્ણય લે તેવી માંગ કરી છે. આયોજકોનું કહેવું છે કે, ગરબાનું આયોજન કરવામાં સમય લાગે છે. જેથી સરકાર કોઇ નિર્ણય લે તો તૈયારી શરૂ કરવાનો ખ્યાલ આવે છે. કલાકારોનું કહેવું છે કે ગરબા યોજાય તો તેઓને રોજગારી મળે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.